ઘરકંકાશને કારણે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. અને ઘણીવાર એ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારી સુધી પહહોંચી જતો હોય છે. ત્યારે શહેરના લક્ષ્મીવાડીમાં રસોઇ મુદ્દે દંપતિ વચ્ચે થયેલી તકરારમાં પતિએ પત્નીને તલવાર ઝીંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
શહેરના લક્ષ્મીવાડીના ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો આધેડ બપોરે તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને તેણે તેની પત્નીને તલવારનો ઘા ઝીંકી દીધાનું કહ્યું હતું. રસોઈ બાબતે માથાકૂટ થતાં પત્નીની હત્યાનો પ્રયાસ કર્યાની આરોપીએ કેફિયત આપી હતી.
ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન રાણીંગા (ઉ.વ.45) સોમવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેને પતિએ ઉશ્કેરાઇને તલવારનો ઘા ઝીંકી દીધો હતો. પતિએ હુમલો કરતા મહિલાએ દેકારો મચાવતા પાડોશીઓ દોડી ગયા હતા અને ક્રિષ્નાબેનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે બીજીબાજુ ક્રિષ્નાબેનનો પતિ કમલ કરશન રાણીંગા તલવાર સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશને સામેથી રજૂ થયો હતો અને તેણે પત્નીને તલવારનો ઘા માર્યાની કબૂલાત આપી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કમલ રાણીંગા સોની કામની મજૂરી કરે છે, અને તેને સંતાનમાં એક પુત્ર છે, કમલ રાણીંગા કેટલાક સમયથી માનસિક બીમારીમાં સપડાયો હતો અને તેની દવા પણ ચાલુ હતી પરંતુ તે લાંબા સમયથી દવા પણ લેતો નહોતો, સોમવારે બપોરે રસોઈના મુદ્દે બોલાચાલી થતાં કમલે ઘરમાં રહેલી તલવાર ઉઠાવી પત્નીને માથામાં ઝનૂનથી ઘા ઝીંકી દીધો હતો.
પોલીસે કમલ રાણીંગા સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. ક્રિષ્નાબેનની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાએ લક્ષ્મીવાડી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.