આત્મહત્યા:રાજકોટમાં પતિએ ‘અમદાવાદમાં મકાન શોધી લઉં પછી લઇ જઇશ’ કહેતા પત્નીને લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મૃતક મહિલાનો પતિ કલરકામ કરે છે, સંતાનમાં એક પુત્ર

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા કિરણબેન મનીષભાઈ ટીડીયા (ઉં.વ.27)એ સવારે પોતાના ઘરે પતરાની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી પરિવારજનોએ તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બાદમાં પોલીસને જાણ કરાતા ભક્તિનગર પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ અમદાવાદમાં મકાન શોધી લઉં પછી લઇ જઇશ તેમ કહેતા કિરણબેનને લાગી આવતા પગલું ભર્યાનું ખુલ્યું છે.

પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમમાં ખસેડ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા કિરણબેન ટીડીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની જાણ થતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસ સ્ટેશન જાણ કરતા ભક્તિનગર પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક મહિલાનો પતિ કલરકામ કરે છે
પોલીસની પ્રાથમિક તપાસમાં કિરણબેનના લગ્નને ત્રણ વર્ષ થયાં હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાના પતિ કલરકામ કરે છે અને ગત મંગળવારના રોજ પતિ લાભપંચમના દિવસે અમદાવાદ ગયો અને કહ્યું કે હું ત્યાં મકાન શોધી લઉં બાદમાં તને ત્યાં લઇ જઈશ. આથી પત્નીને લાગી આવતા પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ કિરણબેનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે અને તેમના પુત્રે માતાની છત્રછાયા ગુમાવી છે.