તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીના ઇસી કા નામ હૈ:રાજકોટમાં પિતા માનસિક બીમાર, એક જ મોબાઇલ હોવાથી ઘેર-ઘેર જઈ કામ કરતી માતા સાથે રહી કિશોરીને ઓનલાઇન અભ્યાસ કરવો પડે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ માનવતા દાખવી દીકરીને સાથે લાવવાની મંજૂરી આપી દેતાં દીકરીનો અભ્યાસ ચાલી રહ્યો છે

'શિક્ષણ અને સગવડતા આ બન્નેનો સુમેળભર્યો સંગમ હોય તો બાળક યોગ્ય રીતે અભ્યાસ કરી શકે,' પરંતુ રાજકોટની એક કિશોરીએ આ વિધાનને નકારી કાઢ્યું છે. પરિવારમાં અપરંપાર અગવડતા છે. માતા રોજ ઘરે-ઘરે કામ કરવા જાય છે. શાળામાં ઓફલાઈન અભ્યાસ બંધ છે અને ઓનલાઇન અભ્યાસ ચાલુ છે. ઘરમાં ટેક્નોલોજીના નામે એક જ મોબાઈલ છે. ત્યારે અભ્યાસ કરવાની ધગશને મનમાં રાખી આ બાળકી દરરોજ પોતાની માતા સાથે જાય, માતા એક તરફ પારકા ઘરે કચરા-પોતાં કરે અને બીજી તરફ કિશોરી માતાના ફોનમાં ઓનલાઇન અભ્યાસ કરી કચરા વચ્ચે જ્ઞાનનું કમલ ખીલવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીમંત વર્ગ માટે બાળકને અલગ મોબાઈલ આપવો એ સામાન્ય વાત છે, પણ ગરીબ વર્ગને અલગ મોબાઈલ ખરીદવો પોસાય એમ નથી. ત્યારે આ ઓનલાઇન અભ્યાસની અગવડને માતા અને કિશોરીએ હસતા મુખે નિવારીને દર્દને નહીં પણ અભ્યાસની નવી દૃષ્ટિને રજૂ કરી છે.

હું જ્યારે ઘરકામ કરવા જાઉં ત્યારે મારી દીકરીને સાથે રાખું છું
આ અંગે ઘરકામ કરતી આ કિશોરીની માતા કહે છે કે, હું પારકા ઘરનાં કામ કરું છું. અમારી આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી અમારી પાસે માત્ર એક જ મોબાઇલ છે, જેની મારે જરૂરિયાત રહેતી હોય છે. બીજી તરફ, હાલ ઓનલાઈન શિક્ષણ ચાલતું હોઈ, મારી દીકરી માટે પણ મોબાઈલ ખૂબ જરૂરી બની ગયો છે. આ કારણે હું જ્યારે ઘરકામ કરવા જાઉં ત્યારે મારી દીકરીને સાથે રાખું છું અને હું જ્યારે અન્ય ઘરમાં કામ કરું છું ત્યારે આ મોબાઈલમાં જ દીકરી તેનો અભ્યાસ પણ કરે છે. હું જે ઘરોમાં કામ કરું છું તે લોકોએ પણ મને દીકરીને સાથે લાવવાની મંજૂરી આપી દેતાં કોઈ મુશ્કેલી વિના તેનો અભ્યાસ ચાલી રહ્યો છે. જોકે તેના કલાસ ચાલતા હોય ત્યારે જ મારા ફોન આવતા હોવાથી તેને અભ્યાસમાં ખલેલ પડે છે, પરંતુ હવે દીકરીએ પણ આ વાત સ્વીકારીને પોતાનો અભ્યાસ કરી રહી છે.

સરકારે આ દિશામાં વિચારવું જોઈએ
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં એક તો લોકોની આવક ઘટી છે. બીજી તરફ સ્કૂલ ફીમાં પણ સરકારે માત્ર 25% રાહત આપી છે, જેની સામે લોકોને તેમના બાળકના અભ્યાસ માટે મોબાઈલ-ઈન્ટરનેટ સહિતની વ્યવસ્થાઓ કરવી ફરજિયાત બની જતાં ગરીબ વર્ગના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આવી અનેક મુશ્કેલીઓ સામે લડીને પણ મોટા ભાગના વાલીઓ પોતાનાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. તો કેટલાંક માતા-પિતા મોબાઈલ અને ઈન્ટરનેટની વ્યવસ્થા નહીં કરી શકતાં તેમનાં બાળકોએ અભ્યાસ છોડવાની પણ ફરજ પડી છે. ત્યારે ખરેખર સરકારે આ દિશામાં વિચારી ગરીબ વર્ગનાં બાળકોની માટે કંઈક અલાયદી વ્યવસ્થા કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...