તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Highest Number Of 1062 Cases In 9 Years Was Recorded In 2019, Corona Eradicated Dengue In 2020, Will Rise Again In 2021.

ચેતવણી:2019માં 9 વર્ષના સૌથી વધુ 1062 કેસ નોંધાયા, 2020માં કોરોનાએ ડેન્ગ્યુને ડામી દીધો, 2021માં ફરી માથું ઊંચકશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
2013થી અત્યાર સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ - Divya Bhaskar
2013થી અત્યાર સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ
  • ઓગસ્ટની શરૂઆતમાં જ 6 કેસ નોંધાઈ ગયા, રહી રહીને પડતા વરસાદથી એડિસ ઈજીપ્તી મચ્છરનું બ્રીડિંગ જે ચોમાસા બાદ વધે તે અત્યારથી જ વધ્યું
  • બે વર્ષમાં સૌથી વધુ કેસ નોંધાયા છતાં રાજકોટના મેયરે વર્ચ્યુલ વર્કશોપમાં ડેન્ગ્યુના કેસ ઘટ્યા હોવાનો દાવો કર્યો

રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે સામાન્ય રીતે દર બે વર્ષે એક વખત ડેન્ગ્યુના કેસમાં વધારો આવતો હોય છે પણ રાજકોટ શહેરમાં દર બે વર્ષે એક વખત કેસ ઘટે છે. 2013થી 2021 ઓગસ્ટ સુધીના ડેન્ગ્યુના કેસ જોતા 2019માં સૌથી વધુ 1062 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા જે 9 વર્ષની ટોચ છે. બીજા જ વર્ષે 2020માં કે જ્યારે કોરોના હતો ત્યારે આખા વર્ષમાં માત્ર 62 જ કેસ આવ્યા હતા એટલે કે કોરોના વાઇરસને કારણે ડેન્ગ્યુના વાઇરસને વધતો અટકાવ્યો હતો કે જે વાઇરોલોજીમાં બનતું હોય છે તેમ તબીબો જણાવે છે.

આ વર્ષની સ્થિતિમાં જુલાઈ માસથી કોરોના લગભગ અદૃશ્ય જેવો થઈ ગયો હતો ત્યારે જ એક મહિનામાં ડેન્ગ્યુના 9 કેસ આવ્યા તો ઓગસ્ટના પહેલા જ સપ્તાહમાં નવા 6 કેસ આવી ચૂક્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસ સૌથી વધુ આવે તે જ સમયે કોરોનાના કેસ ઘટ્યા છે તેથી ગત વર્ષ કરતા તો કેસ વધશે તેવી પૂરી શક્યતા છે.

આ ઉપરાંત આ વર્ષે વરસાદની પેટર્નમાં રહી રહીને વરસાદ પડે છે. એકાદ સપ્તાહ સુધી વરસાદ ન પડતા ચોખ્ખા પાણીથી ભરાયેલા પાત્રો અને ખાડાઓમાં મચ્છરનું બ્રીડિંગ થઈ રહ્યું છે જે સામાન્ય રીતે ચોમાસું પૂરું થવા પર હોય ત્યારે થાય છે. આ કારણે મચ્છરો વધી રહ્યા છે અને ચોમાસા બાદ પણ આવી જ સ્થિતિ થશે એટલે આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ શકે છે.

ડેન્ગ્યુની લહેર સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે હોય છે, બે વર્ષે એકવાર સૌથી વધુ કેસ નોંધાતા હોવાની પેટર્ન
ઇન્ટિગ્રેટેડ રિસર્ચ એન્ડ એક્શન ફોર ડેવલપમેન્ટ, ન્યૂ દિલ્હી નામની સંસ્થાએ એક વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કર્યું હતું જેમાં સહઅધ્યક્ષ તરીકે રાજકોટના મેયરને આમંત્રિત કરાયા હતા. વર્કશોપનો વિષય ક્લાઈમેટ ચેન્જ અને ડેન્ગ્યુના કેસના વધારા સાથે હતો. છેલ્લા એક દશકમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે તેમાં વસતી ઉપરાંત વાતાવરણમાં ફેરફાર જેમ કે મોડું ચોમાસું, સ્લો રેઈન પેટર્ન પણ જવાબદાર છે.

આ કોન્ફરન્સમાં રાજકોટનું પણ પ્રેઝન્ટેશન હતું જેમાં મેયરે આંકડાઓ રજૂ કર્યા હતા અને મનપા જુલાઈ માસથી જ ડેન્ગ્યુની કામગીરી કરે છે તેમજ ડેન્ગ્યુ વિરોધી માસ ઉજવે છે તે સહિતનો વિગતો આપી હતી. છેલ્લા બે વર્ષમાં ડેન્ગ્યુના કેસ સાવ ઘટ્યા હોવાનો દાવો કરાયો હતો જેથી નિષ્ણાતોએ કામગીરી વખાણી પણ હતી.

જો કે હકીકત એ છે કે આ વર્ષે હજુ ડેન્ગ્યુની સિઝન આવી નથી અને 2019માં નવ વર્ષની સૌથી ખરાબ સ્થિતિ હતી અને સામાન્ય કરતા અઢીથી 3 ગણા 1062 કેસ નોંધાયા હતા અને આરોગ્ય વિભાગની કામગીરીની પુષ્કળ ટીકા થઈ હતી તેમજ મામલો ઠંડો પાડવા ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા.

ડેન્ગ્યુના દર્દીઓ આવી રહ્યા છે, સપ્ટેમ્બરમાં કેસ વધશે
2020માં કોરોના હતો એટલે બીજા વાઇરસ નિષ્ક્રિય હતા પણ આ વર્ષે ડેન્ગ્યુએ દેખા દીધી છે. હજુ તો ચોમાસું પૂરું થશે એટલે મચ્છરોનું બ્રીડિંગ વધતા કેસ વધશે. ગત વર્ષ કરતા તો કેસ વધારે આવશે, પણ વધીને કેટલા થશે તેમજ 2019 જેવી હાલત થશે કે નહિ તે આખું ચિત્ર સપ્ટેમ્બરમાં સ્પષ્ટ થશે. - ડો. અર્ચિત રાઠોડ, એમ.ડી. ઈન્ટેન્સિવિસ્ટ

ઓગસ્ટમાં શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સૌથી વધારે
2013થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસની પેટર્ન ચકાસતા જોવા મળ્યું છે કે ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના કેસ દર મહિને એકલ દોકલ આવતા હોય છે, ઓગસ્ટના અંત આવતા કેસની સંખ્યા વધે છે ને સપ્ટેમ્બરથી સતત કેસની સંખ્યા વધે છે જે ઓક્ટોબરના અંત સુધી રહેતી હોય છે જો વરસાદની સિઝન મોડી હોય તો નવેમ્બર સુધી કેસ દેખાય છે. ડિસેમ્બરમાં કેસ ઘટે અને જાન્યુઆરી આવતા ફરીથી કેસ ઘટવા લાગે છે.

2019માં ભારે વરસાદ જ્યારે 2021માં સ્લો રેઈન પેટર્ન જવાબદાર
2019માં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો જેથી ઘણા સમય સુધી પાણી ભરાયેલું રહેતા ડેન્ગ્યુના મચ્છરો માટે બ્રીડિંગ પોઇન્ટ વધી ગયા હતા અને દર વર્ષ કરતા બમણા 1062 કેસ આવ્યા જોકે આ માત્ર એલાઈઝા ટેસ્ટ જ હતા રેપિડ કાર્ડ ટેસ્ટને ગણતરીમાં લેવાનો ઈનકાર કરી દેવાયો હતો જેથી દર્દીઓની સંખ્યા તેના કરતા અનેકગણી હતી. 2021માં ભારે વરસાદ પડ્યો નથી પણ સ્લો રેઈન પેટર્ન છે એટલે કે એકવાર ઝાપટું પડે પાણી ભરાય પછી સપ્તાહ સુધી વરસાદ આવતો નથી અને તડકો પણ નથી. જેથી આ મોસમ પણ મચ્છરોના બ્રીડિંગ માટે ઉત્તમ થઈ છે જેની અસર સપ્ટેમ્બરમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...