તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:બિલ્ડર ડાયાભાઇ હત્યા કેસમાં સજા સામે આરોપીની અપીલ હાઇકોર્ટે ફગાવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ટોચના બિલ્ડર ડાયાભાઇ કોટેચાની બાર વર્ષ પૂર્વે તેમની જ ઓફિસમાં છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આણંદપર ગામના શૈલેન્દ્રસિંહ બચુભા જાડેજાને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. દરમિયાન સેશન્સ કોર્ટના ચુકાદાથી નારાજ આરોપી શૈલેન્દ્રસિંહે સજાના હુકમને હાઇકોર્ટમાં પડકારી અપીલ કરી હતી.

અપીલમાં આરોપીપક્ષે રજૂઆતમાં જણાવ્યું કે, સેશન્સ કોર્ટનો ચુકાદો કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરુદ્ધનો છે અને હોસ્ટાઇલ સાક્ષીઓ પર આધાર રાખીને સજાનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે ટકવાપાત્ર નથી. કેસમાં નજરે જોનાર શાહેદો કોર્ટમાં આરોપીને ઓળખી શક્યા નથી. ત્યારે માત્ર સાંભળેલી વાતોને હકીકત પર લઇ કેસ સાબિત માની શકાય નહિ. જેથી આરોપીની અપીલ મંજૂર કરી નિર્દોષ ઠેરવી છોડી મૂકવા દલીલ કરી હતી.

જ્યારે ફરિયાદપક્ષના એડવોકેટ તુષાર ગોકાણીએ અપીલનો વિરોધ કરી જણાવ્યું કે, આરોપીના સગા પોલીસ અધિકારી હોવાને કારણે બનાવની તપાસને અવળી દિશાએ લઇ જવાનો પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોર્ટના ઠપકાથી બનાવના સમગ્ર પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા.

બનાવ સમયે ઓફિસમાં હાજર ઓફિસબોયે અદાલતમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. તેમજ આરોપીના મોબાઇલ કોલનું લોકેશન પણ તે જ વિસ્તારનું હતું. આરોપીએ બનાવ બાદ તેનો મોબાઇલ પણ સંતાડી દીધો હતો અને પોલીસ અધિકારીઓ સાથેની સાઠગાંઠ હોવાથી પુરાવાઓનો નાશ પણ કર્યો હતો.

જોકે અદાલતની આકરી ટીકા બાદ પોલીસે તપાસ કરી તમામ રેકોર્ડ કબજે કર્યા હતા. જે રેકર્ડને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આરોપીને સજા ફટકારી છે તે વાજબી હોવાની દલીલ કરી હતી.આખો દિવસ ચાલેલી બંને પક્ષોની દલીલો બાદ હાઇકોર્ટ જસ્ટિસ એ.જે.દેસાઇ અને એ.એસ.સુપૈયાએ આરોપીની અપીલ નામંજૂર કરી જણાવ્યું કે, પુરાવાઓને ધ્યાને લેતા આરોપીએ જ મરણજનારને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું, મોબાઇલનું લોકેશન, આરોપીના કપડાં પર લોહીના ડાઘ મળ્યા તે પુરાવાને સમર્થન આપે છે. જેથી સેશન્સ કોર્ટે ફટકારેલી સજા કાયમ રાખવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...