પરિવર્તન અને પુનરાવર્તનની લડાઈ:એકબીજાના ગઢ તોડવા ખુદ હાઈકમાન્ડે ઉતરવું પડ્યું, મોદીની કોંગ્રેસના ગઢમાં 4 સભા તો રાહુલની ભાજપના ગઢમાં સભા

રાજકોટ16 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં ખુદ હાઈકમાન્ડે પ્રચારનું બીડુ ઝડપ્યું છે. ખાસ કરીને ગુજરાતના રાજકારણની પાઠશાળા રહેલા સૌરાષ્ટ્ર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીની બાઝ નજર છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજાના ગઢમા ગાબડા પાડવા કમર કસી છે. એક જ દિવસમાં ખુદ વડાપ્રધાન મોદી મેદાને આવ્યા છે અને ધોરાજી, બોટાદ, સોમનાથ અને અમરેલીમાં સભા ગજવી રહ્યા છે. આ બેઠકો પર ગત ટર્મમાં ભાજપને ફટકો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી મોદી પછી સભા ગજવશે. જેમાં ભાજપના ગઢ રાજકોટમાં અને કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા અમરેલીમાં સભા કરશે. જો કે ખુદ હાઈકમાન્ડ એકબીજાના ગઢમાં કેટલું નુકસાન કરશે તે તો પરિણામ જ કહેશે.

ધોરાજી બેઠક પર કોંગ્રેસનો દબદબો
ધોરાજી વિધાનસભા બેઠક પર સૌપ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ 2009 અને 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. જો કે 2013માં પેટાચૂંટણી થતા આ બેઠક ફરી ભાજપના પ્રવીણ માકડીયાએ કબ્જે કરી હતી અને 2017માં ફરી પાટીદાર અનામત આંદોલનની અસર થતા આ બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત મેળવી હતી અને ફરી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કરતા ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયા, કોંગ્રેસના લલિત વસોયા અને આપના વિપુલ સખીયા વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જામશે.

ધારી બાદ કરતા 4 બેઠક ઉપર કોંગ્રેસ સત્તાસ્થાને
2017માં અમરેલીની પાંચેય બેઠક ભાજપને ગુમાવવી પડી હતી. 2020માં ધારી બેઠક ઉપર જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પેટા ચૂંટણીમાં જે.વી.કાકડીયા ભાજપમાંથી જીત્યા હતા. એટલે એક બેઠક પેટા ચૂંટણીમાં મળી હતી. બાકી 4 કોંગ્રેસ પાસે છે. પહેલી વખત અમરેલી, સાવરકુંડલા, લાઠી વિસ્તારમાં ભાજપે નવા ચેહેરા ઉતાર્યા છે, જેના કારણે ભાજપને ફાયદો થઈ શકે છે.

સોમનાથ બેઠક પર વારાફરતી ભાજ-કોંગ્રેસની જીત
વેરાવળ-સોમનાથ શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર 2.62 લાખથી વધુ મતદારો છે. જેમાં અનુક્રમ મુજબ સૌથી વધુ કોળી સમાજના, મુસ્લિમ, ખારવા સમાજ, આહીર, કારડીયા, દલિત સમાજના મતદારો છે. આ બેઠક ઉપર કોઈ પણ પક્ષનું વર્ચસ્વ રહ્યું નથી. આ બેઠક ઉપર છેલ્લી ચાર ચૂંટણીના પરિણામ જોઇએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વારાફરતી વિજય થતા આવ્યા છે.

જાતિવાદ સમીકરણ સેટ થાય તેની જીત નિશ્ચત
જેમાં જોઈએ તો 2007માં ભાજપના ઉમેદવાર રાજશીભાઈ જોટવા, 2012માં કોંગ્રેસમાંથી જશાભાઈ બારડ, 2014 (પેટા ચૂંટણીમાં) ભાજપમાંથી જશાભાઈ બારડ, 2017માં કોંગ્રેસમાંથી વિમલ ચુડાસમા વિજય થયા હતા. આ વખતની ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરો માનસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જેની સામે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રિપીટ કર્યા છે. તો આમ આદમી પાર્ટીએ સામાજિક કાર્યકર જગમાલ વાળાને મેદાનમાં ઉતર્યા છે. જેથી આ વખતે કાંટે કી ટક્કર જેવો મુકાબલો જણાય રહ્યો છે. આ બેઠક ઉપર વિજય થવા માટે જાતિવાદ સમીકરણ મહત્વના રહે છે. જે ઉમેદવારની પડખે જાતિવાદ સમીકરણ સેટ થાય તેનો વિજય લગભગ નિશ્ચિત મનાઈ છે.

બોટાદ ભાજપનો ગઢ માનવામાં આવે છે
બોટાદ જિલ્લામાં કુલ બે વિધાનસભા બેઠક છે. જેમાં બોટાદ 107 અને ગઢડા 106 બેઠક. બોટાદ 107 બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1998થી બોટાદ 107 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌરભ પટેલ અહીંથી જીત મેળવતા હતા. 2012 વિધાનસભા દરમિયાન સૌરભ પટેલ અકોટા બેઠકથી ચૂંટણી લડેલા અને બોટાદ બેઠક પરથી ડો.ટી.ડી. માણિયાની ભાજપમાંથી જીત થઈ હતી.

આ વખતે ભાજપે નવા ચહેરા ઉતાર્યા છે
બોટાદ વિધાનસભા બેઠક પર 2,91,608 કુલ મતદાર છે તો ગઢડા બેઠક પર 2,63,850 મતદારો છે. ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીત મેળવતા 1998થી આત્મારામ પરમાર ભાજપમાંથી તો પ્રવીણ મારૂ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા પણ હાલ પ્રવીણ મારૂ ભાજપમાં છે. બોટાદ અને ગઢડા બન્ને બેઠકો પર હાલ નવા ઉમેદવાર ભાજપમાંથી ઉતારવામાં આવ્યા છે. ભાજપમાંથી બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણી વર્તમાન બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમજ ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયા જે અગાઉ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને હાલ ગઢડા સીટ પર ભાજપના ઉમેદવાર છે.

કોંગ્રેસમાંથી મનહર પટેલ ચૂંટણી લડી રહ્યા છે
બોટાદ બેઠક પર કોંગ્રેસ દ્વારા સ્થાનિક ઉમેદવારની માગ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પહેલા રમેશ મેરના નામની જાહેરાત કરતા મનહર પટેલ નારાજ થયા હતા અને માત્ર 24 કલાકમાં ઉમેદવાર બદલી નારાજ થયેલા મનહર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. ગઢડા બેઠક પર માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા મોતીભાઈ ચાવડાના પુત્ર જગદીશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...