રાજકોટના સમાચાર:સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી લક્ષ્મીનારાયાણદાસજી અક્ષરવાસી થયા, એક સપ્તાહમાં 250 જેટલા રખડતા પશુઓ ડબ્બે પુરાયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પશુપાલક અધિકારી ભાવેશ ઝાકાસણીયાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 250 પશુઓને પકડવામાં આવ્યા છે.દૈનિક 40 પશુઓને પકડવામાં આવે છે.

સ્વામી લક્ષ્મીનારાયણદાસજી આજ સોમવારની વહેલી સવારે અક્ષરવાસી થયા.
સ્વામી લક્ષ્મીનારાયણદાસજી આજ સોમવારની વહેલી સવારે અક્ષરવાસી થયા.

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી લક્ષ્મીનારાયાણદાસજીનું અક્ષરવાસી થયા
રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી લક્ષ્મીનારાયણદાસજી આજ સોમવારની વહેલી સવારે અક્ષરવાસી થયાના સમાચાર જાણી ગુરુકુળ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર 80 વર્ષની ઉંમરે અક્ષરવાસી થયેલા સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીનું શારીરિક જીવન ખડતલ હતું. વિદ્યાર્થીકાળથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની મરજીમાં રહીને સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટમાં શિક્ષક તરીકે સેવા આપી. સરકારી નિયમાનુસાર મળતો શિક્ષક તરીકેનો પગારનો ઉપયોગ તેઓ સંસ્થામાં જ અર્પણ કરતા. તેનો ઉપયોગ પણ ગુરૂદ શાસ્ત્રીજી મહારાજ ગરીબ વિદ્યાર્થીઓને માટે વાપરતાં. શિક્ષક તરીકે નિષ્કામભાવે સેવા આપનાર સંતે યોગાનુયોગ શિક્ષક દિનના દિવસે આ લોકમાંથી સદાને માટે વિદાય લીધી.

સ્વામીજીનો પાર્થિવદેહ હરિભક્તો માટે દર્શનાર્થે રખાયો.
સ્વામીજીનો પાર્થિવદેહ હરિભક્તો માટે દર્શનાર્થે રખાયો.

સ્વામીજીના પાર્થિવ દેહને ગુરુકુળના પરિસરમાં દર્શનાર્થે રખાશે
શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી પછીથી વડીલ હોવા છતાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની મરજીમાં નિષ્ઠાપૂર્વક મહિમા સાથે જીવન વિતાવ્યું. ગુરુકુળ દ્વારા પ્રકાશિત થતા સદવિદ્યા માસિકના સહતંત્રી તથા તંત્રી તરીકે 47 વર્ષ સુધી સેવા કરી. ડોક્ટર કે સંતોની કોઇ સેવા લીધા વિના જ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં જ ભગવાનના ધામમાં સીધાવ્યા છે. તેઓના પાર્થિવ શરીરને ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી, ઘનશ્યામજીવનદાસજી સ્વામી, જૂનાગઢથી પધારેલા જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, સુરતથી પધારેલા ધર્મવલ્લભદાસજી સ્વામી, નવસારીથી પધારેલા ભક્તિવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો દ્વારા સાંજે 3.30 વાગ્યે ગંગાજળ તેમજ વિવિધ તિર્થોના જળથી અભિષેક કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યે ભાવિકોને માટે સ્વામીજીના પાર્થિવ દેહને ગુરુકુળના પરિસરમાં દર્શનાર્થે રખાશે. પાંચ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને ધૂન ભજન સાથે ગુરુકુળમાંથી સંતો તથા હરિભક્તો અને હજારો વિદ્યાર્થીઓ અંતિમ વિદાય આપશે.

આરોગ્યકર્મીઓ દ્વારા ઉગ્ર સુત્રોચાર કરવામાં આવ્યા
આરોગ્યકર્મીઓ દ્વારા ઉગ્ર સુત્રોચાર કરવામાં આવ્યા

પડતર માંગ મુદ્દે આરોગ્ય કર્મચારીએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
રાજકોટમાં ગ્રેડ પે, જૂની પેન્શન સ્કીમ સહિતની માગ મુદ્દે આરોગ્ય કર્મચારીઓએ રેલી અને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી છે. છેલ્લા 22 વર્ષ જેટલા સમયથી પડતર પ્રશ્નોને લઈ રાજ્યભરના કર્મચારીઓ પોતાને ટેક્નિકલ વિભાગમાં ગણી તે મુજબ તેમને ગ્રેડ પે આપવામા આવે તેવી માગણી કરવામાં આવી રહી છે, ત્યારે હાલ પડતર માંગણી મુદે પણ આરોગ્ય કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે અને આ લડતના ભાગરૂપે રાજકોટમાં આજે આરોગ્યકર્મીઓ દ્વારા ઉગ્ર સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

રાજકોટમાં શિક્ષક દિન નિમિતે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
રાજકોટમાં આજે મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં ‘શિક્ષક દિન- 2022’ ‘જિલ્લા/તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ’ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર જીવાપર પ્રાથમિક શાળા જસદણના શિક્ષક રાતડીયા અનુભાઈ, જિલરિયા તાલુકા શાળા પડધરી તાલુકાના શિક્ષક ઉનડપોત્રા રજાક તથા કડુકા પ્રાથમિક શાળા, જસદણના શિક્ષક જગદીશભાઈ ઝાપડિયાને મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી, સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર સાથે સન્માન કરાયું હતું તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું હતું. રાજ્યકક્ષાએ એવોર્ડ મેળવનાર સરસ્વતી શાળા નંબર-97, રાજકોટના શિક્ષિકા ડાભી શિલ્પાબેનને રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતેથી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર સેન્ટમેરી સ્કૂલના શિક્ષક ઉમેશભાઈ વાળાનું સન્માન ન્યુ દિલ્હી ખાતે કરાયું હતું.

રાજકોટ જિલ્લામાં નવા 18338 મતદારો નોંઘાયા
ભારતમાં ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અન્વયે રાજકોટ જિલ્લાના તમામ મતદાન મથકોએ બી.એલ.ઓ.ની હાજરીમાં મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધારકાર્ડ લીંક માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 18338 મતદારો નોંઘાયા હતા. તદુપરાંત ઓનલાઈન પણ બહોળી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા.

ઉપલેટાનો વેણુ-૨ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો વેણુ-2 ડેમ ભારે વરસાદને કારણે 100% ભરાઈ જવાની સપાટીએ હોય, પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી, હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યું છે.

​​​​​​​સાયબર ક્રાઇમથી બચવા મોબાઈલમાં એન્ટી વાઇરસ એપ જરૂરી
અત્યાધુનિક સમયમાં શિક્ષિત જેટલું જ સભાન હોવું અતિ જરૂરી બની રહ્યું છે. અવાર - નવાર લોભામણી લાલચના પરિણામ સ્વરૂપ નાગરિક ન ઓપન કરવાની લિંક કે પછી ઓ.ટી.પી નંબર તથા પોતાના બેંક ખાતાને લગતી માહિતી અજાણ વ્યકિતને આપી દેતા હોય છે. જેથી નાણાકીય ઠગાઈ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવા સમયે બેંકમાંથી નાણાં ઉપડતાની જાણ થતાં વહેલાસર સૌ પ્રથમ 1930 નંબર પર ફોન કરી ગાંધીનગર "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન" માં ફરિયાદ નોંધાવી અતિ આવશ્યક છે. જેથી ભોગ બનનારનું એકાઉન્ટ નંબર તાત્કાલિક ધોરણે બ્લોક થઈ જતું હોય છે. ત્યારબાદ સબંધિત શહેર "સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન"માં ફરિયાદ નોંધાઈ જતી હોય છે.