• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Head Of The Building Was 'pressured' To Give The Text That He Was Not Pressured, Now The Syndicate Is Excluded In The Recruitment Process.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગોઠવણીકાંડ:દબાણ નહીં કરાયાનું લખાણ આપવા ભવનના વડાને ‘દબાણ’ કરાયું, હવે ભરતી પ્રક્રિયામાં સિન્ડિકેટ બાકાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારની સમિતિએ આખી ભરતી પ્રક્રિયાની તપાસ કરવાને બદલે માત્ર દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની ભલામણના આધારે કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાના ભલામણના સ્ક્રીનશોટ ફરતા થતા આખી ભરતી પ્રક્રિયા જ રદ કરી છે. હવે પછીની નવી ભરતી પ્રક્રિયા થશે ત્યારે યુજીસીના 2018ના નિયમ મુજબ કરાશે જેમાં સિન્ડિકેટ સભ્યોને બાકાત કરી દેવાશે. સોમવારે સવારે સરકારના આદેશના પગલે ડી.એચ.કોલેજના પ્રિન્સિપાલ એ.એસ.રાઠોડની અધ્યક્ષતામાં ચાર લોકોની ટીમ યુનિવર્સિટીમાં આવી હતી અને ભવનના વડાથી લઈને કુલપતિને મળી હતી, પરંતુ ગોઠવણીકાંડમાં તપાસ કરવાને બદલે આ ટીમે માત્ર ભરતી પ્રક્રિયાના તમામ દસ્તાવેજો એકત્રિત કર્યા હતા જે સરકારને મોકલશે.

આખો ગોઠવણીકાંડ સિન્ડિકેટ સભ્યોએ કર્યો પરંતુ સરકાર નિયુક્ત સમિતિએ સિન્ડિકેટના નિવેદન લેવાને બદલે ભરતી પ્રક્રિયામાં કોઈ દબાણ નહીં કરાયું હોવાનું લખાણ દરેક ભવનના વડા પાસેથી લેવાયું હતું. જોકે જુદી જુદી ફેકલ્ટીના ડીને લેખિતમાં દબાણ કે ભલામણ નહીં થઇ હોવાનું આપવાથી ઇનકાર કરી દીધો હતો. સવારે 10 વાગ્યાથી બપોરે 2.30 કલાક સુધી તપાસ નાટક બાદ સરકાર નિયુક્ત સમિતિના વડાએ બહાર આવીને કહ્યું, અમે માત્ર દસ્તાવેજી પુરાવાનું સંકલન કરીને સરકારમાં મોકલવા આવ્યા છીએ.

નવી ભરતી ન થાય ત્યાં સુધી જૂના પ્રોફેસરોને એક્સટેન્શન અપાશે
કરાર આધારિત અધ્યાપકોની ભરતી રદ કરાઈ છે હવે યુનિવર્સિટીમાં કેટલાક અધ્યાપકોના કરાર પણ પૂરા થઇ ગયા છે ત્યારે વિદ્યાર્થીઓને કોણ ભણાવશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થતા અગાઉ યુનિવર્સિટીએ જૂના અધ્યાપકોને જ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે રાખવાનો નિર્ણય કર્યો પરંતુ જે અધ્યાપકોને અત્યાર સુધી મહિને રૂ.40 હજાર પગાર અપાતો હતો તેઓ પ્રતિ લેક્ચરના રૂ. 300માં ભણાવશે કે કેમ? તેઓ ઇનકાર પણ કરી શકે તેવી વિટંબણા વચ્ચે આખરે જ્યાં સુધી નવી ભરતી ન થાય ત્યાં સુધી જૂના અધ્યાપકોને જ દર મહિને એક્સટેન્શન આપવા નિર્ણય કરાયો છે.

UGCના નિયમનો યુનિ.એ ઉલાળિયો કરી દીધો
યુજીસીના નિયમ પ્રમાણે કરાર આધારિત ભરતીમાં ઉમેદવારને ગેજ્યુએશનમાં 80%થી વધુ ગુણ હોય તો 15 માર્ક, 60થી 80 ટકા હોય તો 13, 55થી 60 ટકા હોય તો 10 અને 45થી 55 ટકા હોય તો 5 માર્ક મળે છે. જ્યારે પોસ્ટ ગ્રેજયુએશનમાં 80થી વધુ ટકા હોય તો 25 માર્ક, 60થી 80 ટકા હોય તો 23, 55થી 60 ટકા હોય તો 20 માર્ક મળે છે. જ્યારે એમ.ફિલમાં 60 ટકાથી વધુ હોય તો 7 અને 55થી 60 હોય તો 5 માર્ક મળે છે. આ ઉપરાંત પીએચડીના 30 ગુણ, નેટ વિથ જેઆરએફના 7 ગુણ, નેટના 5 ગુણ, સ્લેટ//સેટના 3 ગુણ, રિસર્ચ પબ્લિકેશનના 10, ટીચિંગ અનુભવના 10, ઇન્ટરનેશનલ એવોર્ડના 3 અને સ્ટેટ લેવલના એવોર્ડના 2 માર્ક મળે છે. પરંતુ યુનિવર્સિટીને માત્ર ઈન્ટરવ્યૂના જ 40 માર્ક કરીને ભરતી પ્રક્રિયા કરી દીધી હતી.

નવી ભરતી યુજીસીના 2018ના નિયમના આધારે કરવામાં આવશે. સરકારની તપાસ સમિતિને ભરતી સંબંધિત તમામ દસ્તાવેજો આપ્યા છે હવે સરકાર નિર્ણય લેશે. નવી ભરતીમાં પણ સરકારનું માર્ગદર્શન લઈશું. - ડૉ. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...