તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:રેકડી ચલાવી ગુજરાન ચલાવતા ગૌરીબેને કહ્યું, તકલીફની ઘડીમાં સરકારની પાલક માતા-પિતા યોજના જીવનનો ટેકો બની

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિને 6 હજાર બેંકના ખાતામાં સરકાર જમા કરાવતા 6000 રૂપીયા મને પાંચ લાખ જેવા લાગ્યા

‘મારો જુવાનજોધ દિકરો તેની સાત મહિનાની અને એક એક વર્ષની દિકરીને મુકીને સ્વર્ગે સિધાવ્યો અને દીકરીઓની માતાએ પુન:લગ્ન કરી લેતા મારા પર દુઃખ આવવાની સાથે આ બે દિકરીઓની જવાબદારી પણ આવી. આ તકલીફની ઘડીમાં ગુજરાત સરકારની પાલક માતા પિતા યોજના મારા માટે જીવનનો ટેકો બની છે. લોકડાઉનમાં ઘરમાં પૈસા ન હતાં ત્યારે મહિને 6 હજાર બેંકના ખાતામાં સરકાર જમા કરાવતા મને આ રકમ 5 લાખ જેવી લાગે છે.’ આ શબ્દો છે, પોરબંદરમાં રેકડી ચલાવીને પેટીયુ રડતા ગૌરીબેન પરમારના. 

ગૌરીબેન પરમાર રેકડી ચલાવીને ગુજરાન ચલાવે છે

પોરબંદરના પછાત ખાડી ઝુંડાળા વિસ્તારમાં રહેતા 70 વર્ષના ગૌરીબેન પરમાર રેકડી ચલાવીને તેના 90 વર્ષના માતા અને મા-બાપ વિહોણી 5 અને 7 વર્ષની બે માસુમ પૌત્રીઓ સહિત પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. 4 વર્ષ પહેલા તેના પુત્રનું મૃત્યુ થયુ ત્યારે સાત મહિનાની પૂર્વા અને બે વર્ષની સવિતા (નામ બદલાવેલ છે)ની જવાબદારી માથે આવી. કારણ કે આ દિકરીની માતાએ પણ પુન: લગ્ન કરી લીધા હતા. આવી સ્થિતિમાં વૃદ્ધ ઉમરે પરિવારનું પાલન પોષણ નબળી આર્થિક સ્થિતિમાં કરવુ મુશ્કેલ હતુ. ત્યારે રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજનાની માહિતી દિલિપભાઇ નામના કર્મચારીએ આપી હતી. તેમને પોરબંદર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા એકમ ખાતે પહોચાડી આ યોજનાનો ફોર્મ ભરાવ્યુ હતું. આજે ગૌરીબેનને દર મહિને બન્ને દિકરીઓના મળીને કુલ રૂા. 6000 બેંકમાં ડાયરેક્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. 

અમારા જેવા ગરીબ માણસોને આ નાની રકમ મોટી લાગતી હોય છે

તાજેતરમાં લોકડાઉનની સ્થિતિમાં માર્ચ અને એપ્રિલ મહિનાની સહાય પેટે નાણાં જમા કરવામાં આવતા ગૌરીબેનને રાહત થઇ છે. આજે માહિતી ખાતાની ટીમને ગૌરીબેને આખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અમે અંતરથી આશીર્વાદ આપીએ છીએ. આ લોકડાઉનમાં પૈસાની સંકડામણ હતી ત્યારે આ 6000 રૂપીયા મને પાંચ લાખ જેવા લાગ્યા છે. ગઇ કાલે હું આ રકમમાંથી ખાદ્ય ચીજ વસ્તુ અને કરીયાણુ લઇ આવી છું. બેંકમાંથી પૈસા મળ્યા ત્યારે મે મનોમન સરકારનો આભાર માની ભગવાન ગુજરાતનું ભલુ કરે તેવું જણાવ્યુ હતું. અત્યારની સ્થિતિમાં અમારા જેવા ગરીબ માણસોને આ નાની રકમ મોટી લાગતી હોય છે. અને હું આ બે દિકરીઓનું ભવિષ્ય બગડે નહી એ માટે હું આ ઉંમરે મહેનત કરૂ છું. મને પુત્રના મૃત્યુનુ જીંદગીભર દુખ રહેશે. પરંતુ આ દર મહિને મળતી રકમથી મને રાહત થાય છે તેમ જણાવ્યુ હતું. આ યોજના શરૂ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. 

જિલ્લામાં માર્ચ-એપ્રિલ મહિનાની સહાય તરીકે રૂા. 12.69 લાખ ચુકવવામાં આવ્યા

મહત્વનું છે કે પોરબંદર જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત કુલ 202 લાભાર્થીઓને એક બાળક દીઠ મહિને રૂ. 3000 ચુકવવામાં આવે છે. લોકડાઉનની સ્થિતિમાં માર્ચ એપ્રિલ મહિનાની સહાય તરીકે રૂા. 12.69 લાખ ચુકવવામાં આવ્યા છે અને વર્ષ દરમિયાન રૂા. 68.72 લાખની સહાય સમાજ સુરક્ષા ખાતા તરફથી આપવામાં આવી છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.મોરી અને બાળ સુરક્ષા અધિકારી ત્રિભુવન જોષીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...