ભાસ્કર એક્સક્લુઝિવ:પેન્શન આપવાની ના કહેનાર સરકારને રજાના દિવસોમાં ચૂકવણું કરવા પરિપત્ર કરવો પડ્યો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • રાજકોટ સહિત રાજ્યની 21 જિલ્લા પંચાયતના પેન્શન કેસની 13મીએ હાઈકોર્ટમાં સુનાવણી છે તેથી શુક્રવારે પંચાયત વિભાગે દરેક જિલ્લા પંચાયતને પત્ર લખી શનિ-રવિની રજામાં ચૂકવણી કરી કોર્ટમાં હાજર રહેવા કહ્યું

સરકારી કચેરીઓમાં અરજદાર તો હેરાન થાય છે પણ ત્યા કામ કરતા કર્મચારીઓને પણ હેરાનગતિ થાય છે અને પછી કોર્ટ કચેરીઓમાં વર્ષો સુધી કેસ લડ્યા બાદ માંડ ન્યાય મળે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટથી બચવા રાજ્યના પંચાયત વિભાગે શનિ-રવિની રજાઓમાં કર્મચારીઓના હકક હિસ્સા ચૂકવવા પરિપત્ર કર્યો છે.

કાર્યવાહી ન થતા ચાલુ વર્ષે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાઈ
રાજ્યની 21 જિલ્લા પંચાયતોમાં 1990-91ના સમયમાં 322 કર્મચારીઓ નોકરી પર લાગ્યા હતા અને પછી તેમની ફરજ ચાલુ રહી અને પગારપંચના લાભો અપાયા હતા. જ્યારે આ કર્મીઓ નિવૃત્ત થવા લાગ્યા તે સમયે સરકારે નિમણૂક ગેરકાયદે તેમજ નિયમ મુજબ ન હોવાનું કહીને તમામ લાભો અટકાવી દીધા હતા. જેને લઈને કર્મચારીઓએ કોર્ટમાં લડત ચલાવી હતી. 2018માં ચૂકવણા માટે હુકમ પણ આવ્યો જો કે કાર્યવાહી ન થતા ચાલુ વર્ષે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાઈ હતી.

સરકારને રજાના દિવસોમાં ચૂકવણું કરવા આદેશ
તેની સુનાવણી 13 જૂને છે તેમાં કોર્ટના હુકમનો અનાદર કર્યાની ઝાટકણી ન નીકળે તે માટે શુક્રવારે સાંજે પંચાયત વિભાગે આ 21 જિલ્લા પંચાયતના ડીડીઓને પત્ર લખી તમામના હક્ક હિસ્સા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી કરવા હુકમ કર્યો છે અને આ કામગીરી 11-12 એટલે કે શનિ-રવિની રજા દરમિયાન કચેરી ચાલુ રાખીને કરીને આ ચૂકવણાની વિગતો સાથે જે તે જિલ્લા પંચાયતના વર્ગ-1ના અધિકારીએ હાઈકોર્ટની મુદ્દતમાં હાજર રહેવું પડશે. માત્ર એટલું જ નહીં, આ ચૂકવણી કર્યા બાદ તુરંત જ પંચાયત વિભાગને મોકલી આપવા પણ પરિપત્રમાં આદેશ કરાયો છે.

3 પિટિશનરોની મુદ્દત હોવાથી પહેલા તેનો હિસાબ ચોખ્ખો કરાશે
કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં 13મીએ જેની સુનાવણી છે તેમાં એમસીએ ફોર કન્ટેમ્પ્ટ નં. 412, 424 અને 425/2022 ઈન એસસીએ નં. 12537/2011 છે. આ ત્રણ પિટિશનમાં 129 જેટલા કર્મચારીઓ આવી જાય છે તેથી રજાઓમાં સૌથી પહેલા તેમનો હિસાબ પૂરો કરાશે.

આ જિલ્લા પંચાયતોમાં ચૂકવણી કરવા હુકમ
આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહિસાગર, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડ.

હાઈકોર્ટે ઓરલ ઓર્ડરમાં શું કહ્યું
કેસ નં. 12537/2011માં હાઈકોર્ટે 25-07-2018ના આ ઓરલ ઓર્ડર આપ્યો હતો. જેમાં કહ્યું કે, આ પિટિશન હેઠળના કર્મચારીઓને પગાર-ભથ્થાના તફાવતની રકમ, નિવૃત્તિ સમયે ચૂકવવાપાત્ર રકમ તેમજ પેન્શનની રકમ તથા અન્ય ચૂકવવાપાત્ર થતી તમામ રકમ સંબંધિત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં ખર્ચ કરવાનો રહેશે.’

સૌથી વધુ ભાવનગર જિલ્લા પંચાયતને કરવી પડશે કામગીરી
322 કર્મચારીમાંથી 3 પિટિશનમાં 129 કર્મીઓને સૌથી પહેલા ચૂકવણી કરવાની છે તે અલગ અલગ 21 જિલ્લા પંચાયતના કર્મચારીઓ છે તેમાંથી સૌથી વધુ ભાવનગર 22 કર્મચારીઓ છે. ત્યારબાદ આણંદના 18 અને બનાસકાંઠાના 16 કર્મી છે. જૂનાગઢના 9 તેમજ પંચમહાલ અને વલસાડના 8 કર્મચારી છે. કચ્છના 7 અને ગાંધીનગરના 6 તેમજ ખેડાના 5 તેમજ સાબરકાંઠાના 3 છે. જ્યારે ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, સુરત, તાપી અને નવસારીના 2-2, જામનગર, રાજકોટ અને પોરબંદરના એક-એક કર્મચારીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...