રાજકોટમાં કેજરીવાલની GST પર સ્ટ્રાઇક:સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે, હવે હવા પર GST વસૂલે તો નવાઈ નહીં!

રાજકોટ18 દિવસ પહેલા

રાજકોટમાં આજે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં!

આ પાંચ વાયદા કર્યા
આ સાથે તેમણે વેપારીઓ અને ઉદ્યોગકારોને 5 ગેરંટી આપી હતી કે, જો અમારી સરકાર ગુજરાતમાં આવશે તો અમે તમને વચન આપીએ છીએ કે આ પાંચ કાર્યો પહેલા કરીશું. જેમાં પ્રથમ તો ભયનું વાતાવરણ ખતમ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું, દરેક વેપારી-ઉધોગપતિને ઇજ્જત આપીશું. સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. GSTના રિફંડ છ મહિનામાં આપીશું. GST અંગેની ગૂંચવણોને દૂર કરીશું અને વેપારી-ઉધોગપતિઓને ભાગીદાર બનાવીશું, તેમના સૂચનો લેશું અને સમસ્યાઓનો હલ કરીશું.

વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા
વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા

પ્રજા પૈસા આપે અને સરકાર GST વધારે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સરકારે 1079 નામથી એક નંબર લોન્ચ કર્યો છે. તમે કોઈ પણ સમયે અમને કોલ કરી શકો છો. અમે તમારી સમસ્યા સાંભળીશું. 27 વર્ષ થયા છતાં ભાજપ સરકાર સત્તામાં છે. છતાં તેમણે માત્ર વેપારીઓના નિવેદનો જ લીધા, સાંભળ્યા નહીં. આજે તમે બોલશો એટલે મુખ્યમંત્રી પણ મને સાંભળતા હશે અને સી.આર.પાટીલ પણ મને સાંભળતા હશે. પ્રજા પૈસા આપે છે અને સરકાર GST વધારે છે.

એન્જીનીયરીંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
એન્જીનીયરીંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે GST અંગે વિનામૂલ્યે સલાહ આપવી જોઈએ. કારણ કે, વેપારીઓને GST અંગે સલાહ લેવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. તેમાંય ગુજરાતમાં તો વેપારીઓને ડરાવવામાં આવ્યા છે. સુરતમાં એક વર્ષ પહેલાં વેપારીઓને મળ્યો ત્યારે કાર્યક્રમ જ રદ કરાવી નાખ્યો હતો. આજે તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તેનાથી મને આનંદ થયો છે. દિલ્હીમાં સરકાર નફામાં ચાલી રહી છે. જ્યારે ગુજરાત સરકાર ખોટમાં છે.

ટાઉન હોલ ખાતે બેઠક યોજી હતી
ટાઉન હોલ ખાતે બેઠક યોજી હતી

સરકારી બાબુઓ પૈસા વસૂલે છે
ઉલ્લેખનીય છે કે, આજની આ બેઠકમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. અહીં વેપારીઓએ GSTમાં ટેક્સ ઘટાડવા, GST પર રિફંડ આપવાની માગ કરી હતી. આ ઉપરાંત સરકારી કામકાજ માટે સરકારી બાબુઓ પૈસા વસૂલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત સોલારમાં ઘણા લોકોની સબસિડી ફસાઇ હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

વેપારીઓએ GSTમાં ટેક્સ ઘટાડવાની માગ કરી
વેપારીઓએ GSTમાં ટેક્સ ઘટાડવાની માગ કરી

મોરબીમાં ધૂળ સિવાય બીજું કશું નથી
આ ઉપરાંત મોરબીના સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે, GSPC મનમાની કરી રહી છે, કોઈ પણ સમયે રૂપિયા વધારી દે છે. તમામ ફેકટરીમાં પાણીની વ્યવસ્થાની વાતો કરવામાં આવે પરંતુ ફેક્ટરીમાં તો ઠીક ઘરમાં પણ પાણી મળ્યું નથી. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં સૌથી વધુ ટેક્સ ભરે છે, છતાં મોરબીમાં આવો ત્યારે ધૂળ સિવાય બીજું કશું નથી મળતું.

અન્ય સમાચારો પણ છે...