ક્રાઇમ:કાચ તોડી વકીલની કારમાંથી1.90 લાખની રોકડ ગઠિયો ઉઠાવી ગયો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલ રોડ પર પોલીસ વાન નીકળ્યાના 10 મિનિટ બાદ બનાવ

શહેરમાં સમયાંતરે પાર્ક કરેલી કારના કાચ તોડી ગઠિયાઓ કળા કરી જતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. વધુ એક બનાવમાં ગઠિયો એડવોકેટની કારના કાચ તોડી રૂ.1.90 લાખની રોકડ તફડાવી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી ચેક કરતા રાત્રીના બનેલા બનાવના 10 મિનિટ પૂર્વે જ પોલીસની વાન પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થઇ હોવાનું જોવા મળ્યું છે.

ગોકુલધામ ચોક પાસે આવેલી ન્યૂ પપૈયાવાડીમાં રહેતા મયંકભાઇ હર્ષદભાઇ વ્યાસ નામના એડવોકેટે નોંધાવેલી ફરિયાદમાં, રૂ.1.90 લાખની રોકડ તેમની કારમાં રાખ્યા હતા. બાદમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં મિત્રની ઓફિસ હોય નજીક કાર પાર્ક કરી મળવા ગયા હતા. બાદમાં પરત આવતા કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. જેથી કારમાં તપાસ કરતા ડેસ્ક બોર્ડમાં રાખેલા રૂ.500ના દરના ચાર બંડલ મળી કુલ રૂ.1.90 લાખ તેમજ રેઇનકોટ, ચશ્માં ગાયબ હતા. કારમાંથી રોકડની ચોરી થયાની ખબર પડતા ભક્તિનગર પોલીસમાં જાણ કરી હતી.

દરમિયાન પોલીસે બનાવ સ્થળની નજીક આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસના સીસીટીવી કેમેરા તપાસતા બનાવ બન્યો તેના દસ મિનિટ પહેલા જ પોલીસવાન પેટ્રોલિંગમાં પસાર થઇ હતી. બાદમાં બાઇક પર આવેલા શખ્સો કાર પાસે આવી કળા કરી ગયા હતા. કળા કરતી વેળાએ બાઇકની લાઇટ ચાલુ રાખી હોય કળા કરનાર શખ્સોના ચહેરા સ્પષ્ટ જોવા મળ્યાં ન હતા. ભક્તિનગર પોલીસના હેડ કોન્સ.વી.એમ.બેરડિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...