ક્રાઇમ:પોલીસ ચોકી સામે જ યુવતીનો મોબાઇલ ઝૂંટવાયો, બે શખ્સ ફરાર

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર રોડ, બજરંગવાડી પાસે સમીસાંજે બનેલો બનાવ
  • બાઇક નંબરના આધારે પોલીસે બંને શખ્સને સકંજામાં લીધા

શહેરના જામનગર રોડ પર આવેલી બજરંગવાડી પોલીસ ચોકી સામે જ યુવતીનો મોબાઇલ ઝૂંટવી બાઇક પર આવેલા બે શખ્સ નાસી ગયાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે. રૈયા રોડ, શિવાજીપાર્ક-4માં રહેતી ભૂમિ પ્રશાંતભાઇ ખખ્ખર નામની યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે ખાનગી પેઢીમાં નોકરી કરતી હોય શનિવારે સાંજે નોકરી પૂરી કરી પગપાળા ઘરે જવા નીકળી હતી. ત્યારે જામનગર રોડ, બજરંગવાડી પોલીસ ચોકી સામે પહોંચતા પોતે મોબાઇલમાં નંબર ડાયલ કરી રહી હતી.

આ સમયે પાછળથી બાઇક પર ધસી આવેલા બે શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે અચાનક હાથમાં ઝોંટ મારી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. બાદમાં પોતાને ધક્કો મારી બંને શખ્સ બાઇક પર નાસી ગયા હતા. અચાનક બનેલા બનાવ બાદ સ્વસ્થ થઇ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ બંને શખ્સ ભોમેશ્વર બ્રિજ તરફ ભાગી ગયા હતા. મોબાઇલ ઝૂંટવી જનાર શખ્સોના બાઇકના નંબર નોંધ્યા હોય તુરંત પોલીસમાં જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસમથકના પીએસઆઇ જે.જી.રાણા સહિતના સ્ટાફે બાઇક નંબરના આધારે નાસી ગયેલા શખ્સોને પકડવા બંનેને સકંજામાં લઇ પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

અન્ય એક બનાવમાં શહેર પોલીસ ચોપડે વારંવાર ચડતા કુખ્યાત ગુનેગારોને પાસા તળે ધકેલવાની ઝુંબેશમાં વધુ એક લિસ્ટેડ બૂટલેગરને પાસા હેઠળ જેલહવાલે કરાયો છે. અગાઉ 11 જેટલા પ્રોહિબિશનના ગુનામાં પકડાઇ ચૂકેલા કોઠારિયા ચોકડી, ન્યૂ રાધેશ્યામ સોસાયટી-6માં રહેતા ચંદ્રેશ ઉર્ફે કાળિયો જગદીશ ચાંઉ સામે યુનિવર્સિટી પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર મંજૂરીની મહોર લાગી જતા તેની અટકાયત કરી પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...