રામવનમાં ફરવાના બહાને હનીટ્રેપ:યુવતીએ રાજુલાના યુવકને રાજકોટમાં ફરવા બોલાવ્યો, રામવન પાસે ચાર શખસે મારમારી કરી રૂ.10 લાખની માગણી કરી

રાજકોટ17 દિવસ પહેલા

રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમની બાજુમાં 47 એકરના વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ સાથેનું રામવન સમગ્ર સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો રામવનની મુલાકાતે આવતા રહે છે, પરંતુ રામવનમાં હવે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય એવી ઘટના સામે આવી છે. રાજકોટની યુવતીએ રાજુલાના યુવક સાથે વ્હોટ્સએપમાં મિત્રતા કેળવીને તેને રામવનમાં ફરવા બોલાવ્યો હતો. રામવનના ગેટની બહાર ચાર શખસે સાથે મળીને હનીટ્રેપ ગોઠવીને યુવક પાસેથી રૂ.10 લાખની માગણી કરી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પાઇપ વડે હુમલો કર્યો
રાજુલાના વડગામમાં રહેતા અને ખેતીકામ કરતા શૈલષભાઇ બદરુભાઈ ધાખડાએ પોલીસ ફરિયાદમાં માનસી રાજપૂત, રાહુલ, હમીર જોગરાણા, દિનેશ અને પલ્લવી પટેલનાં નામ આપતાં કલમ 387,323,504,506(2),511 અને 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવમાં પાંચેય આરોપીએ હનીટ્રેપ ગોઠવી શૈલેષ પાસેથી દસ લાખની માગણી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. શૈલેષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ખેતીકામ કરું છું. મને તા.11/10ના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મને પરાણે રાજકોટ આવવાનું કહ્યું
તેણે વધુમાં જણાવ્યું હતું કે જેથી મેં એ નંબરમાં મેસેજ કરતાં માનસી રાજપૂત નામની છોકરી હોવાનું જણાવ્યું હતું અને તે મારી સાથે વ્હોટ્સએપમાં વાત કરવા લાગી હતી. બાદમાં આ માનસીનો ગત તા.10/11ના રોજ ફોન આવ્યો અને કહ્યું કે 'તું મને રાજકોટ મળવા માટે આવ, આપણે રામવનમાં ફરવા જઈશું,' એમ કહેતાં મેં મનાઈ ફરમાવી હતી. તેણે વાત ન કરવાની ચીમકી આપી હતી અને મને પરાણે રાજકોટ આવવાનું કહ્યું હતું, જેથી હું ગઈકાલે મારા કાકા જયરાજભાઇની અલ્ટો કાર લઇને સવારના આશરે સાડાઅગિયાર વાગ્યે રાજકોટ પહોંચ્યો હતો.

આ છોકરી સાથે મારી સગાઈ થઈ છે
તેણ આગળ જણાવ્યું હતું કે રાજકોટમાં મને એસ્ટ્રોન ચોકમાં આવવાનું કહેતાં હું ત્યાં પહોંચ્યો હતો અને ત્યા માનસી પહેલેથી જ હાજર હતી અને તે મારી ગાડીમાં બેસી ગઈ હતી અને માનસીએ જણાવ્યું કે, આપણે રામવન ફરવા જઇએ તેમ કહેતા અમે બંન્ને આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન ગયા હતા અને ત્યા આ માનસીએ કહેલ કે મારે બાથરૂમ જવું છે.તેમ કહી તે રામવનના ગેઇટની બાજુમાં બાથરૂમ આવેલ ત્યાં જઇને તે પાછી આવી ગઈ હતી અને કહેલ મને તડકો લાગે છે તેમ કહી ગાડી મા પાછુ બેસવું છે તેમ કહેતા અમે બન્ને ગાડી પાસે જતા હતા અને ગેઇટ પાસે પહોંચ્યા હતાં. ત્યારે એક છોકરો બાઇક લઇને અમારી પાસે આવેલ અને મને કહેવા લાગ્યો કે,તુ કોણ છો? આ છોકરી સાથે અહી શું કરે છે.જેથી મે તેને કહેલ કે,તમે કોણ છો?તો તેને મને કહેલ કે,મારૂ નામ રાહુલ છે અને આ તારી સાથે જે છોકરી છે તેની સાથે મારી સગાઇ થઈ છે.તુ તેની સાથે અહી શુ કરે છે.

મારા ભાણેજની સગાઇ થયેલ છે
વધુમાં તેણે જણાવ્યું હતું કે, તેમ કહી કોઇને ફોન લગાડ્યો અને ત્યાં બોલાવ્યા હતા અને આ રાહુલ નામનો છોકરો મને કહેવા લાગેલ કે ઉભો રે મારા મામા આવે જ છે પછી તને કહુ અને થોડીવારમાં એક ભાઇ સ્વીફટ ગાડી લઇને ત્યાં આવ્યા હતા અને ગાડી ઉભી રાખી પાછળનો દરવાજો ખોલી પાઇપ કાઢી મને પગના ભાગે પાઇપના ધા મારી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા.જેથી મેં કહેલ કે,મારો છો શા માટે મને વાત તો કરો કે શું થયું છે તેમ કહેતા આ ભાઇ કહેવા લાગ્યા કે,હું આ રાહલનો મામા થાવ છુ અને મારું નામ દીનેશભાઇ છે તે મારા ભાણેજની સગાઇ થયેલ તે છોકરી સાથે અહી શુ કરે છે.તેમ કહેવા લાગ્યો હતો.

આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

તું આ લોકોને 10 લાખ રૂપીયા આપી દે
વધુમાં તેણે જણાવ્યું હતું કે,આ દરમ્યાન એકસેસ લઈને એક છોકરો તથા તેની સાથે એક છોકરી ત્યાં આવી હતી અને તે એકસેસ વાળો છોકરો મારી પાસે આવેલ અને મને કહેલ કે, તમે મારી જ્ઞાતીના હોય તેવુ લાગ્યુ એટલે હું તમારી પાસે આવેલ છુ હું ભરવાડ છુ અને મારૂ નામ હમી2 જોગરાણા છે અને મારી સાથે છે તેનુ નામ પલ્લવી પટેલ છે તેમ કહી અને મને કે તમારે આ લોકો સાથે શું થયુ જેથી મેં તેને બધી વાત કરી હતી અને બાદમાં તે હમીર નામનો છોકરો મને કહેવા લાગેલ કે,ઉભા રહો હું તે લોકો સાથે વાત કરૂ છુ તેમ કહી તે ભાઇ અગાઉ આવેલ રાહુલ તથા તેના મામા પાસે ગયો હતો.આ દરમ્યાન મે મારા કાકા શંપૂભાઇ ધાખડા ને ફોન કરી બનાવ ની વાત કરી હતી અને હમીર નામનો છોકરો વાતચીત કરી પાછો મારી પાસે આવ્યો અને મને કહેલ કે,તે લોકો પોલીસ સ્ટેશન જાવાનુ કહે છે જેથી મે તેને પોલીસ સ્ટેશન નહી જવા માટે સમજાવેલ છે.જો તુ આ લોકોને 10 લાખ રૂપીયા આપી દે તો બધુ અહી પતી જશે

ગાળો બોલી, બોલાચાલી કરી
તેણે જણાવ્યું હતું કે મને વાત કરતાં મેં કહેલું કે એટલા બધા રૂપિયા મારી પાસે નથી. મેં આ હમીરભાઇ ને મારા કાકા સાથે વાત કરાવી હતી અને પચાસ હજાર રૂપિયા આપી વાત પતાવાની વાત કરી હતી, પરંતુ તેઓ એટલામાં વાત પતાવા માગતા નહોતા. રાહુલ તથા તેના મામા તથા હમીરભાઇ મારી પાસે આવી મને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી અને મને કહેવા લાગ્યા કે તારે અઢી લાખ તો દેવા જ પડશે, નહિતર તને પતાવી દઈશ એવી ધમકી આપવા લાગ્યા હતા. જેથી મેં પૈસાની સગવડ કરવા માટે વાત કરી અને મારા કાકાને ફોન કરી બધી વાત કરી.

હું પૈસા લઈને આવું છું
તેણે જણાવ્યું હતું કે મારા કાકાએ મને કહેલું કે થોડીવાર ઊભો રહે, હું કોઇકને ત્યાં મોકલું છું એમ કહેલું અને બાદમાં મને જાણવા મળ્યું કે મારી સાથે માનસી રાજપૂત નામની જે છોકરી વાત કરતી તે તથા આ રાહુલ, તેના મામા તથા હમીરભાઇ તથા તેની સાથે આવેલી પલ્લવી પટેલ આ બધાં મળેલાં હતાં. તેમણે મારી પાસેથી પૈસા પડાવવા માટે આ બધું ગોઠવ્યું હતું એવું મને લાગ્યું, જેથી હું પૈસા લઇને આવું છું એમ કહી ત્યાંથી નીકળી ગયો હતો અને આ લોકો પૈકી મારી સાથે વ્હોટસએપ તેમજ ફોન ઉપર વાત કરનાર માનસી રાજપૂતનું સાચું નામ માનસી ગોહિલ હોવાનું મને જાણવા મળ્યું હતું. આ બનાવ બાદ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતાં પીઆઇ કે.જે. કરપડાની રાહબરીમાં પીએસઆઈ એચ.બી.ગઢવી સહિતના સ્ટાફે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે.