પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારના માતા અને તેના નવજાત બાળકની તબિયત લથડતા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દરમિયાન ફરજ પરના તબીબની પૂછપરછમાં મહિલાએ લગ્નના 16 દિવસ બાદ જ બાળકને જન્મ આપ્યો હોવાની વિગતો જાણવા મળતા કંઇ અજુગતું થયું હોવાની શંકાએ પોલીસને જાણ કરી હતી.
જેથી પોલીસે 20 વર્ષીય મહિલાની પૂછપરછ કરતા તેના લગ્ન એક મહિના પહેલા થયા છે. લગ્નના 16 દિવસ બાદ સાસરે હતી તે સમયે પેટમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં નવોઢા સગર્ભા હોવાનું નિદાન થયા બાદ તા.26-5ના રોજ પોરબંદરની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.
દીકરીની તબિયત વધુ લથડતા રાજકોટ લઇ આવ્યા હતા. લગ્ન પૂર્વે લાખા નામના શખ્સે પોતાને ધમકી આપી દુષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયો હતો. જોકે પેટ વધ્યું ન હોવાથી કોઇને ખબર પડી ન હોવાનું નવોઢાએ પોલીસને જણાવ્યું હતું. દુષ્કર્મ આચર્યાની નવોઢાએ વિગતો જણાવતા હોસ્પિટલ પોલીસ ચોકીએ પોરબંદર પોલીસને જાણ કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં શહેરના દૂધસાગર રોડ, રિદ્ધિસિદ્ધિ સોસાયટી-16માં રહેતી આશિયાના નામની પરિણીતાએ મંગળવારે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. પરિણીતાની પૂછપરછ કરતા પતિ સહિતના સાસરિયાઓના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસે આશિયાનાની ફરિયાદ પરથી મોરબી રહેતા પતિ નાસીર, સસરા હુશેનભાઇ બાબુભાઇ બ્લોચ, સાસુ સુભાનબેન, નણંદ આશિયાના ઇરફાન બ્લોચ, મુમતાઝ સલીમ બ્લોચ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, તેના નિકાહ નાસીર સાથે 2020માં થયા છે. લગ્નના થોડા સમય બાદ જ સામાન્ય બાબતોએ મેણાં મારી ત્રાસ આપતા હતા.
જ્યારે રિસામણે આવેલી નણંદ આશિયાના પણ ત્રાસ આપતા હતા. સતત માનસિક શારીરિક ત્રાસ આપતા પોતે પિયર આવી ગઇ હતી. દરમિયાન મોરબીમાં પારિવારિક લગ્ન હોય માતા મારા કપડાં લેવા સાસરે ગયા હતા. ત્યારે સાસુ, નણંદ, સસરાએ ઝઘડો કરી માતાને રવાના કરી દીધા હતા. જેનું લાગી આવતા રાજકોટ આવી ફિનાઇલ પી લીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.