પ્રેમીને પામવામાં હવસનો શિકાર બની:મોરબીથી યુવતી રાજકોટ આવી, પ્રેમી લેવા ન આવતા મધરાતે રિક્ષાચાલકે ‘બહેન’ કહી ઘરે લઈ ગયો ને દુષ્કર્મ આચર્યું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપી ફિરોઝની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે આરોપી ફિરોઝની ધરપકડ કરી.

મહિસાગર પંથકની અને હાલ મોરબી પંથકમાં પરિવારજનો સાથે વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરતી 19 વર્ષની યુવતી ગઈકાલે સાંજે તેના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્‍ટેશને આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેને લેવા ન આવતાં જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પોતાના ફોનમાંથી પ્રેમી સાથે વાત કરાવી હતી. બાદમાં પ્રેમી સવારે આવવાનો છે એ જાણી લઈ યુવતીને ‘બહેન’કહી રાતે પોતાના ઘરે આશરો આપવાનું કહ્યું હતું. પરંતુ ઘરના બહાને તે યુવતીને જંગલેશ્વરમાં લઈ ગયો હતો અને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે યુવતીએ હિમ્‍મતભેર સામનો કરી તેને પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી ભક્‍તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ફિરોઝ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી હવસખોર ફિરોઝને રાતોરાત સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીને તેના જ કુટુંબીના પુત્ર સાથે પ્રેમ
યુવતીને તેના જ કુટુંબીના પુત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતે વતનમાં જાય છે તેવું બહેનને ખોટુ બોલી ગત સાંજે મોરબી પંથકથી પ્રેમીને મળવા બસ મારફત રાજકોટ બસ સ્‍ટેશન ખાતે આવી પહોંચી હતી. પરંતુ પ્રેમી તેડવા ન આવતાં એક રિક્ષાચાલકે તેને મદદ કરવાના બહાને પહેલા પોતાના ફોનમાંથી યુવતીના પ્રેમી સાથે વાત કરાવી દીધી હતી. બાદમાં મોડી રાત સુધી પ્રેમી ન આવતાં ફરીથી વાત કરાવતાં પ્રેમીએ પોતે સવારે આવશે તેવું કહી દેતાં રિક્ષાચાલકની દાનત બગડી હતી અને ‘બહેન’ તું મારા ઘરે મારા માતા સાથે સુઇ જજે, સવારે તને મુકી જઇશ’ એવો વિશ્વાસ આપ્યો હતો.

જાગૃત નાગરિકની મદદથી યુવતી પોલીસ સ્‍ટેશન પહોંચી
બાદમાં યુવતીને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ જઈ ‘તારે મારા બા ભેગું નહીં, મારી સાથે સૂવાનું છે’ તેવું કહી રૂમમાં પૂરી દુષ્કર્મ આચર્યું હતું. માથે જતા તમાચા ઝીંકતા યુવતીએ હિમ્‍મતભેર સામનો કરી ફિરોઝના પેટમાં પાટુ મારી પછાડી દઈ ભાગી નીકળી હતી. બાદમાં યુવતી એક જાગૃત નાગરિકની મદદથી પોલીસ સ્‍ટેશને પહોંચી હતી. પોલીસે હાલ યુવતીની ફરિયાદને આધારે જંગલેશ્વરના ફિરોઝ નામના રિક્ષાચાલક વિરૂદ્ધ IPC 376, 323 મુજબ યુવતીને પોતાની ઘરે લઈ જઈ મારકૂટ કરી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યાનો ગુનો નોંધ્‍યો છે.

યુવતી પ્રેમી સાથે રહેવા રાજકોટ આવી હતી (પ્રતિકાત્મક તસવીર)
યુવતી પ્રેમી સાથે રહેવા રાજકોટ આવી હતી (પ્રતિકાત્મક તસવીર)

યુવતીએ પોલીસ સમક્ષ સમગ્ર આપવીતી જણાવી
યુવતીએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી કે, હું ત્રણેક વર્ષથી કુટુંબીઓ સાથે મોરબી પંથકમાં વાડી વિસ્‍તારમાં રહી મજૂરી કરું છું. કુટુંબી સગાનો દીકરો પણ સાથે રહી મજૂરી કરે છે અને તેની સાથે પાંચ મહિના પહેલા ફોનથી પરિચય થયા બાદ એકબીજા સાથે વાતો કરતાં હોઇ અમારી વચ્‍ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. અમે એકબીજાને ફોટા પણ મોકલતાં હતાં અને એકબીજાને પસંદ કરતાં હોઇ સાથે રહેવું હોવાથી ‘હું વતનમાં જાઉં છું’ તેમ મારી બહેનને જાણ કરી હતી. ગઈકાલે બપોરે ત્રણેક વાગ્‍યે વાડી નજીકથી રિક્ષામાં બેસી વાંકાનેર તરફ પહોંચી હતી. ત્‍યાંથી પ્રેમીને ફોન કરી ‘હું નીકળી ગઈ છું અને તારી પાસે મારે આવતું રહેવું છે’ તેમ કહેતાં તેણે મને રાજકોટ પહોંચીને ફોન કરવાનું કહ્યુ઼ હતું.

વાંકાનેરથી બસમાં બેસી સાંજે 6 વાગ્યે રાજકોટ પહોંચી
ત્‍યારબાદ હું વાંકાનેરથી બસમાં બેસીને સાંજે છ વાગ્‍યે રાજકોટ બસ સ્‍ટેશને પહોંચી હતી અને પ્રેમીની રાહ જોઈને બેઠી હતી. આ દરમિયાન બે કલાક જેવો સમય વીતી ગયો હતો અને આઠ વાગી ગયા હતાં. આ વખતે એક 30 વર્ષનો શખ્‍સ કે જેણે કાળા કલરનું ટી-શર્ટ અને ભૂરૂ જીન્‍સ પહેર્યુ હતું તે આવ્‍યો હતો અને પોતે ફિરોઝ રિક્ષાવાળો હોવાનું અને જંગલેશ્વરમાં રહેતો હોવાનું કહી પરિચય આપી તમારે ક્‍યાં જવું છે? તેમ પૂછતાં મેં તેને કહ્યું કે, મને તેડવા માટે મારા સગા આવે છે. મારી પાસે મોબાઇલ ફોન ન હોઇ તેણે તમારા સગાને હું ફોન કરી આપું તેમ કહેતાં મેં તેને મારા પ્રેમીનો નંબર આપ્‍યો હતો.

રાતે 11 વાગ્યા છતાં પ્રેમી તેડવા આવ્યો નહીં
બાદમાં તેણે ફોન જોડી દેતાં મેં વાત કરી લીધી હતી. એ પછી તે ફોન લઈને જતો રહ્યો હતો. ત્‍યારબાદ હું મારા પ્રેમીની રાહ જોઇને ત્‍યાં જ ઉભી રહી હતી. આ રીતે રાતના અગિયારેક વાગી ગયા હોવા છતાં પ્રેમી મને તેડવા આવ્‍યો ન હોઇ પોતાને ફિરોઝ તરીકે ઓળખાવનાર રિક્ષાવાળો ફરીથી મારી પાસે આવ્‍યો હતો અને હજુ કોઈ તને તેડવા આવ્‍યું નથી? તેમ પૂછી તેણે ફરીથી મારા પ્રેમીને ફોન જોડી દીધો હતો. એ વખતે પ્રેમીએ મને હું હવે સવારે લેવા આવીશ તેમ કહેતાં હું ફરીથી બસ સ્‍ટેશનમાં જ બેસી ગઇ હતી.

ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો (ફાઈલ તસવીર)
ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો (ફાઈલ તસવીર)

રાતે એક વાગ્યે ફિરોઝ મારી પાસે આવ્યો
ત્‍યારબાદ રાતે એકાદ વાગ્‍યે ફિરોઝ રિક્ષાવાળો ફરીથી આવ્‍યો હતો અને કહ્યું કે બહેન તરીકે તમે મારી ઘરે આવતાં રહો, જેથી મેં તેને ના પાડી હતી. ત્‍યારબાદ તેણે એકલા રાતના શું કરશો, મારા ઘરે આવતાં રહો, મારા માતા પણ મારી સાથે રહે છે. તમે અને મારા માતા સાથે સૂઇ જજો. તેણે મને બહેન કહીને વાત કરતાં મને વિશ્વાસ બેઠો હતો અને સવારે મને ફરીથી બસ સ્‍ટેશને મૂકી જશે તેવી ખાતરી આપતાં હું તેની સાથે જવા તૈયાર થઇ હતી અને બસ સ્‍ટેશનની બહાર આવી હતી. ત્‍યાંથી તે મને રાતે દોઢેક વાગ્‍યે રિક્ષામાં બેસાડી તેના ઘરે લઈ ગયો હતો.

ફિરોઝ મારો હાથ પકડી રૂમમાં લઈ ગયો
બે માળનું મકાન હતું, તે મારો હાથ પકડી મને નીચેના રૂમમાં લઈ ગયો હતો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આથી હું ગભરાઇ ગઈ હતી અને શા માટે દરવાજો બંધ કર્યો છે? તમારા મમ્‍મી ક્‍યાં છે? મારે તેની સાથે સૂવાનું છે તેમ મેં કહેતાં તેણે ‘આજે તો આપણે બેયને સાથે સૂવાનું છે’ તેમ કહી બળજબરી કરવા માંડ્યો હતો. હું બૂમાબૂમ કરવા જતાં તેણે મારું મોઢુ દાબી દઇ બંધ કરી દીધું હતું અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો. જેથી મને પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડી ગયો હતો. મેં તેના પેટમાં લાત મારતાં તે ઉભો થઇ ગયો હતો અને બાદમાં મને તેણે ગાલ પર તમાચા ઝીંકી દીધા હતાં.

બાઇકવાળા ભાઈ મને પોલીસ સ્ટેશન મૂકી ગયા
હું સામનો કરી ઝપાઝપી કરી વસ્ત્રો પહેરી ઝડપથી તેના ઘરમાંથી બહાર નીકળી દોડવા માંડી હતી અને બૂમાબૂમ કરવા માંડી હતી. એ વખતે જ એક બાઇકવાળા ભાઈ જોવા મળતાં મેં તેમને અટકાવી મને પોલીસ સ્‍ટેશનનો રસ્‍તો બતાવવાનું કહેતાં તેમણે મને મદદ કરી હતી અને પોલીસ સ્‍ટેશને મૂકી ગયા હતાં. યુવતી મોડી રાતે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશને પહોંચતા પી.આઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા સહિતની ટીમે તત્‍કાલ ગુનો દાખલ કર્યો હતો અને રાતોરાત ટીમે યુવતીને અને તેણીને પોલીસ મથકે પહોંચાડનાર જાગૃત નાગરિકની મદદ લઈ ઘટનાસ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. યુવતીની ફરિયાદ નોંધી હવસખોર રિક્ષાચાલકને સકંજામાં લઈ તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...