રાજકોટ ક્રાઈમ ન્યુઝ:યાજ્ઞિક રોડ પર બે મહિલાઓની દાદાગીરી, રેકડી ચાલક સાથે માથકૂટ કરી ફ્રૂટ રસ્તા પર ફેંક્યું, વીડિયો વાયરલ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ - Divya Bhaskar
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બે મહિલાની રેકડી ચાલક સામે દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મહિલાની ફોર વીલ કાર સાથે રેંકડી અથાડતા મહિલાએ કરી ફ્રૂટની રેકડી વાળા સાથે માથાકૂટ કરી હતી અને એક બાદ એક ગરીબ રેકડી ચાલકને અપશબ્દો કહીને રેકડીમાંથી કેળા અને મકાઈને રેકડીમાંથી રસ્તા પર ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

પિતાએ પ્રેમી સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના જંકસન વિસ્તાર નજીક હાઉસીંગ સોસાયટીમા રહેતી યુવતીને તેના પિતાએ પ્રેમી સાથે લગ્ન કરવાનીના પાડતાં યુવતીએ પોતાના હાથમાં છરીથી ઇજા કરતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીના પિતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેની દીકરીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠી હતી જે બંનેની ઉમર નાની હોય જેથી મેં ના પાડતા ઉશ્કેરાઈને પગલું ભર્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવતીને બે દિવસ પહેલા પણ પ્રેમી સાથે ઝઘડો થતાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઠેબચડા નજીક બાઈક સ્લીપ તથા યુવકનું મોત
રાજકોટ નજીક મહિકા ગામમાં રહેતા ભાવેશભાઇ છગનભાઇ મોલીયા (ઉ.વ.32) ગઇકાલે પોતાનું જીજે-03-જેઇ-7120 નંબરનું બાઇક લઇને મિત્રની વાડીએ જતા હતા. ત્‍યારે ઠેબચડા તરફ જતા રોડ પર અચાનક બાઇક સ્‍લીપ થતા ભાવેશભાઇ પડી જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાદ તેને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ પહોંચી તપાસ હાથ ધરી છે.

ખોડિયારપરામાં અગમ્ય કારણોસર યુવકે ઝેરી દવા પીધી
રાજકોટના પારેવડી ચોક નજીક ખોડિયારપરા-3 માં રહેતાં સોહિલ યુનુસભાઇ ચૌહાણ (ઉ.વ.22) નામના યુવાને સાંજે ઝેરી દવા પી લેતાં બે અલગ અલગ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. સોહિલ બે ભાઇમાં મોટો હતો અને દૂકાનમાં નોકરી કરતો હતો. થોડા સમય પહેલા જ સોહીલની સગાઇ બજરંગવાડીની યુવતિ સાથે થઇ હતી. તેના પિતા દિવ્‍યાંગ છે. સોહિલે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ જેથી બી-ડિવીઝન પોલીસ મથકના એએસઆઇ નરેન્‍દ્રભાઇ ભદ્રેચાએ મૃતદેહને પોઅમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

ભરણપોષણની રકમ નહિં ચુકવનાર પતિને જેલ
રાજકોટમાં પત્નિને ભરણપોષણની રકમ નહિં ચુકવનાર પતિને 120 દિવસની જેલ સજા ફેમીલી કોર્ટે દ્વારા ફટકારવામાં આવી છે. આ કેસની હકીકત વિગત મુજબ અરજદાર હેતલબેન ઉમેશભાઇ સોલંકીએ તેના પતિ ઉમેશભાઇ નરશીભાઇ સોલંકી વિરુધ્ધ ક્રિ.પો.કોડની કલમ 125 મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ તેમાં કોર્ટએ અરજદારની અરજી મંજર કરી અરજદારને માસિક રૂ. 7000 ચુકવવા તેવો હુકમ કરેલ હતો. આ હુકમનું પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત તા. 1/11/2019 થી તા. 1/11/2020 સુધીની કુલ 12 માસની ચડત ભરણપોષણની રકમ રૂ. 84,000 મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી.

પતિને રકમ ભરપાઇ કરવાની ના પાડી
કોર્ટ દ્વારા નોટીસ ઇસ્યુ કરેલ, જે નોટીસની બજવણી યોગ્ય રીતે થઇ ગયેલ હોય તેમ છતાં કોર્ટ સમક્ષ હાજર રહેતા ન હોય, તેથી પતિ વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ જેથી જવાબદાર પોલીસે વોરંટની બજવણી કરી કોર્ટ સમક્ષ મુદત હરોળમાં હાજર કરતા, બાકી રકમ કોર્ટએ ભરપાઇ કરવાનું કહેતા પતિએ રકમ ભરપાઇ કરવાની ના પાડેલ જેથી કોર્ટએ તેમને જયુડીસીયલ કસ્ટડીમાં લીધેલ તેમજ અરજદારના એડવોકેટએ કરેલ દલીલો અને પતિને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય અદાલતે પતિને ચડત રકમ ન ભરવાની કસુર બદલ 120 દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હોય આથી ઉમેશભાઇની કોર્ટમાંથી ધરપકડ કરી તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો.

ખાણમાં ડૂબી જતા એક યુવકનું મોત
રાજકોટ શહેરના આજીડેમ ખાણમાં ડૂબી જવાથી એક પુરુષનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશનને બનાવની જાણ થતા તુરંત તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ખાણમાં ડૂબેલ પુરુષની લાશને બહાર કાઢી હતી. લાશને બહાર કાઢી તપાસ કરતા મૃતકનું નામ ભાવેશભાઈ બાબુભાઇ રાણા હોવાનું સામે આવ્યું છે. જે બાદ ફાયર વિભાગ દ્વારા લાશને આજીડેમ પોલીસને સોંપવામાં આવતા પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરી છે.