કાર્યવાહી:ભૂસ્તરશાસ્ત્રીએ 3 વાહન બદલાવીને બે ટ્રક પકડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘંટેશ્વર એસઆરપી કેમ્પ તેમજ પડધરી હાઈવે પરથી વાહનો ઝડપી પોલીસને સોંપ્યા

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનનનું દૂષણ ઘણા સમયથી છે જેને નાથવા માટે અવારનવાર રેડ કરવી પડે પણ ખનીજમાફિયાઓ ભૂસ્તર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની જાસૂસી કરતા હોવાથી કચેરીથી બહાર નીકળે તો પણ ખબર પહોંચાડી દેતા હોવાથી રેડ સફળ રહેતી નથી. તેથી ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરે રેડ કરવા માટે રસ્તામાં એક બે નહિ પણ ત્રણ ત્રણ ખાનગી કાર બદલાવી હતી ત્યારે બે ટ્રક પકડી શકાઇ હતી.

ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી રોયલ્ટી કરતા વધુ રેતી ભરીને જતા ટ્રક ડ્રાઈવર સાંજણ ચના શિયાળને અટકાવ્યો હતો અને આ ટ્રક રાજેશ્વરી પાર્કમાં રહેતા નયન વલ્લભ ગઢિયાની હોવાની કબૂલાત આપી હતી. આ ટ્રક અને જથ્થો યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનને સોંપાયો છે. ત્યાંથી પડધરી હાઈવે પરથી રોયલ્ટી વગર જ રેતી લઈને જતા માલા પોપટ ભરવાડને પકડ્યો અને આ ટ્રક સાગર પટેલની હોવાની કબૂલાત આપી છે. આ ટ્રક પડધરી પોલીસ સ્ટેશનને સોંપાયો છે.

વોટ્સએપ ગ્રૂપથી કરે છે માહિતીની આપ લે
ખનીજમાફિયાઓએ પોતાના ઘણા ટાઉટ ભૂસ્તરશાસ્ત્રી, મામલતદાર અને પ્રાંત અધિકારીઓ પાછળ લગાવીને રાખ્યા છે. આ બાતમીદારોનું કામ અધિકારીઓની દરેક હલચલ પર નજર રાખવાની હોય છે અને તે કચેરી છોડે એટલે તેનો પીછો ચાલુ કરી જ્યાં જતા હોય છે તેની માહિતી વોટ્સએપ ગ્રૂપમાં મૂકી દે છે જેથી ખનીજચોરોને લોકેશન મળતા રસ્તો બદલી નાખે છે.

અન્ય સમાચારો પણ છે...