નિર્ણય વગર પેન્ડિંગ:જનરલ બોર્ડ વંદે માતરમ ગીત પૂરતું સીમિત રહ્યું, કોઈ કામગીરી ન થઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતાને પગલે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય ન લેવાયો

વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની માત્ર ઔપચારિક બેઠક મળી હતી. જનરલ બોર્ડ માત્ર ‘વંદે માતરમ’ ગીત પૂરતું જ સીમિત રહ્યું હોય એમ ચૂંટણી આચારસંહિતાને પગલે કોઈપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવાયા ન હતા.

બે વર્તમાન મહિલા કોર્પોરેટરને વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. હાલ ઉમેદવારી ફોર્મ સહિતની પ્રક્રિયા થતાંની સાથે જ પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ થઇ ગયો હોય મંગળવારે બે ઉમેદવાર સહિત બોર્ડ-બેઠકમાં 10 કોર્પોરેટર ગેરહાજર રહ્યાં હતા. બંને બેઠકમાં તમામ દરખાસ્ત કોઇ નિર્ણય વગર પેન્ડિંગ રાખીને નિયમ મુજબ રોજકામ કરવામાં આવ્યું હતું હવે ચૂંટણી પરિણામો બાદ મળનારી બેઠકમાં નિર્ણયો લેવાશે.

નિયમ મુજબ કોર્પોરેશનમાં દર બે મહિને સામાન્ય સભા બોલાવવી પડે છે. જેના અંતર્ગત જ મંગળવારે બેઠક મળી હતી, પરંતુ વંદે માતરમના બે ગાન વચ્ચે ચૂંટણી આચારસંહિતાના કારણે મંગળવારે બેઠકની કાર્યવાહી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી અને એ સાથે જ બોર્ડ પૂરું થયું હતું. એજન્ડા પરની તમામ દરખાસ્તો મુલતવી જાહેર કરવામાં આવી હતી. 11 વાગ્યે મળેલું જનરલ બોર્ડ ત્રણેક મિનિટમાં જ પૂરું થઇ ગયું હતું. ત્યારબાદ 12 વાગ્યે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી.

જેમાં પણ એક મિનિટમાં જ તમામ દરખાસ્તો પેન્ડિંગ જાહેર કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બંને ઉમેદવાર સહિત કુલ 10 કોર્પોરેટર ગેરહાજર રહ્યાં હતા. તેઓએ રજા રિપોર્ટ મૂકી દીધા હતા. એજન્ડા પર રહેલી 11 દરખાસ્ત અંગે હવે આગામી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...