રાજકોટ સોની બજારમાં છાશવારે ટ્રાફિક જામ થતા વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાની વેઠી રહયા છે. આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મેળવવા જેમ્સ એન્ડ જવેલરી એસો. એ પોલીસ કમિશ્નરને લેખીત રજુઆત કરી છે. જ્યાં તેમણે લખ્યું હતું કે, ચાના થડા હટાવો છો તો દરબારગઢથી કોઠારીયા નાકામાં ટ્રાફિક જામ હળવો કરો.
વેપારીઓ પરેશાની ભોગવી રહયા છે
વધુમાં તેમણે લખ્યું હતું કે, સોની બજાર કોઠારીયા નાકાથી દરબારગઢ સુધીનો વિસ્તાર નાની મોટી શેરીઓ રસ્તાઓ સાંકડા છે. જેમાં ટ્રાફિક જામ થતા ચાલીને જવુ પણ મુશ્કેલ છે. દરબારગઢથી કોઠારીયા નાકા ચોક તરફ વર્ષોથી વન-વે હોવા છતા તેનો કડક અમલ થતો નથી. આ બજારમાં ટેલીફોનના થાંભલા, ચાના થડા, પાનની લારીઓ, ફ્રુુટની રીક્ષા, ફુડ પેકેટના વાહનો અને માલવાહક વાહનો ઉભા રહે છે. ઉપરાંત આડેઘડ વાહન પાર્કિંગથી ટ્રાફિક જામ થતા વેપારીઓ પરેશાની ભોગવી રહયા છે.
એક જ સપ્તાહમાં આ ઝુંબેશ ઠરી ગયેલી ચા જેવી થઈ ગઈ છે
નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના દરેક વિભાગ હંમેશા આરંભે શૂરાની જેમ વર્તે છે. શહેરમાંથી દબાણ કરીને ગંદકી ફેલાવતા ચા-પાનના તમામ ગેરકાયદે થડાઓને દૂર કરવાની જાહેરાત કરાઈ હતી અને શરૂઆતના બે ત્રણ દિવસ અલગ અલગ માર્ગો પરથી 70થી 90 સુધીના થડાઓ દૂર કરાયા હતા પણ એક જ સપ્તાહમાં આ ઝુંબેશ ઠરી ગયેલી ચા જેવી થઈ ગઈ છે. આખા શહેરમાંથી મનપાને બે દિવસ દરમિયાન માત્ર 5 જ ચાના થડા અને ટેબલ દેખાયા હતા અને તેને દૂર કરાયા છે. આ 5 દબાણ પણ યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, ઢેબર રોડ પરથી મળ્યા હતા અને યાજ્ઞિક રોડ પરના એક ચાના થડા પાસેથી 3500 રૂપિયા દંડ લેવાયો હતો. આ સિવાય એકપણ ફૂટપાથ પર અન્ય કોઇ દબાણ મનપાની દબાણ હટાવ શાખાને દેખાયા જ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.