કોરોના બાદ સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસની ચિંતા લોકોને સતાવી રહી છે. બ્લેક ફંગસ બાદ વ્હાઈટ ફંગસ એટલે કે એસ્પરજીલસના કેસ વધ્યા છે. આ બંને ફંગલ ઈન્ફેક્શનમાં દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે તેમજ ચહેરા ક્ષત વિક્ષત થઈ જાય છે. દર્દીઓના ચહેરા પરથી ફૂગ કઇ છે એ જાણી શકાતું નથી અને આ ફૂગનો રંગ તેમજ દેખાવ કેવો હોય એ પણ બહાર આવ્યું નથી. આ માટે જ્યાં ફૂગની ઓળખ થાય છે એ માઇકોલોજી લેબમાંથી પ્રથમ વખત ફંગસની તસવીરો અને સમગ્ર પ્રોસિજર દિવ્ય ભાસ્કર લાવ્યું છે, જેથી વાચકોને ફૂગ વિશે માહિતી મળે અને એના વિશે પૂરતી માહિતી મેળવી શકે.
પીડીયુ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. જી. યુ. કાવઠિયા તેમજ માઈકોલોજી લેબનાં ઈન્ચાર્જ ડો. મધુલિકા મિસ્ત્રીએ ભાસ્કરની ટીમને ફૂગની ઓળખ માટે ફંગલ કલ્ચર એટલે કે ફૂગને ઉગાડીને તપાસ કરવાના સાત તબક્કા બતાવ્યા હતા. સેમ્પલમાં ફૂગ છે કે નહિ એ ત્રણ જ કલાકમાં ખબર પડી જાય, પણ કઈ પ્રકારની ફૂગ છે એ માટે 7 દિવસ સુધીનો સમય લાગી જાય છે. જેટલાં સેમ્પલ આવે છે એમાંથી 34 ટકામાં ફંગલ નીકળે છે અને એ ફંગલમાંથી 70 ટકા મ્યુકોરમાઇકોસિસ ફેમિલી જ્યારે 30 ટકામાં એસ્પરજીલસ ફેમિલીની ફૂગ જોવા મળે છે.
સેમ્પલમાંથી સ્લાઇડ બનાવી માઈક્રોસ્કોપમાં જોતાં સ્પષ્ટ થઈ જાય કે એમાં ફૂગ છે કે નહિ, પણ ચોક્કસ ઓળખ થતી નથી, એથી એને નવેસરથી ઉગાડવામાં આવે છે. પછી માઈક્રોસ્કોપમાં જોઈને પ્રજાતિ નક્કી થાય છે.
દર્દીનું ઓપરેશન થયા બાદ અથવા તો સર્જરી પહેલાં નાકમાંથી ચેપગ્રસ્ત વિસ્તાર કાઢીને એનું સેમ્પલ માઈકોલોજી લેબમાં આવે છે
સેમ્પલને બાયોસેફ્ટી કેબિનેટમાં ખોલાય છે. એક નમૂનો સ્લાઈડ જ્યારે બીજો નમૂનો પ્લેટમાં મુકાય છે, સાથે જ બર્નર સળગતું હોય છે, તેથી સેમ્પલ લીધા બાદ તરત જ સાધન અગ્નિ પર મૂકી ડિસઇનફેક્ટ કરાય છે.
બાયોસેફ્ટી કેબિનેટમાં જે સ્લાઈડ તૈયાર થઈ હોય ઓના પર પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ(KOH) નાખીને માઈક્રોસ્કોપમાંથી જોવાય છે. એમાં ફક્ત ફૂગ છે કે નહિ એ જોવા મળતાં પ્રાથમિક રિપોર્ટ બને છે.
ફૂગ ન દેખાય તોપણ ફંગલ કલ્ચર કરવું જ પડે છે. કેબિનેટમાં ફૂગનું બીજું સેમ્પલ પ્લેટમાં મુકાય છે અને એમાં ડેક્સટ્રોસ અગર હોય છે, જેમાંથી ફૂગ પોષણ મેળવે છે.
ફૂગને યોગ્ય માહોલ આપવા પ્લેટને ઈન્ક્યુબેશન ચેમ્બરમાં મુકાય છે, મ્યુકોરમાઇકોસિસ ફેમિલીની ફૂગ 4 કે 5 જ દિવસમાં, જ્યારે એસ્પરજીલસમાં 7 દિવસે ફેલાય છે.
ફંગલ કલ્ચર બાદ ફરી સેમ્પલ લઈને ખાસ કેમિકલ નાખી સ્લાઈડ બનાવી માઈક્રોસ્કોપ હેઠળ ચકાસવા મુકાય છે.
ફંગલ કલ્ચર પહેલાંની સ્લાઈડ માઈક્રોસ્કોપમાં મુકાય છે. અહીં ફૂગના આકારોથી ખબર પડે છે કે ફંગલ ઈન્ફેક્શન છે કે નહીં.
ફંગલ કલ્ચર બાદ માઈસ્ક્રોસ્કોપમાં મ્યુકોરમાઈકોસિસ ફેમિલીની રાઈઝોપસ ફૂગ હોવાનું સ્પષ્ટ કરે છે. માઈક્રોબાયોલોજિસ્ટ માત્ર 5 જ મિનિટમાં ફૂગનો પ્રકાર અને અની પેટા-પ્રજાતિ ઓળખી લે છે.
એસ્પરજીલસ ફૂગ પ્રમાણમાં રૂ જેવી જાડી તેમજ મધ્યભાગમાં આછો પોપટી રંગ હોય છે. ફ્યુમિગેટ્સ અને ફ્લેવસમાં આવો રંગ હોય છે, જ્યારે એસ્પરજીલસ નાઈઝરનો રંગ કથ્થઈ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.