ક્રાઇમ:8 માસથી ફરાર આરોપી પકડાયા બાદ કોર્ટ પાસેથી ફરી ભાગી ગયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ-ડિવિઝન પોલીસ આજે આરોપીને કોર્ટમાં લઇ ગઇ હતી

શહેરના મોચીબજાર ચોક, કોર્ટ પાસેથી પોલીસને પછાડીને રીઢો ગુનેગાર બુધવારે બપોરે નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે.એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોષીએ આપેલી વિગત મુજબ, મૂળ જૂનાગઢનો અને હાલ નાનામવા ચોકડી પાસે આવેલા આવાસમાં રહેતો ઇમરાન ઉર્ફે મુકેશ યુસુફ કસાઇ નામના શખ્સ સામે આઠ મહિના પહેલા અપહરણ અને પોક્સોની કલમ હેઠળ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ ઇમરાન ઉર્ફે મુકેશ નાસતો ફરતો હતો.

દરમિયાન બાતમીના આધારે આઠ મહિના બાદ આરોપી ઇમરાન ઉર્ફે મુકેશને નવાગામ આવાસ પાસેથી ઝડપી લઇ અપહરણના ગુનામાં તેની ધરપકડ કરી હતી. એ ડિવિઝન પોલીસે આરોપી ઇમરાનનો કબજો લીધો હતો. પોલીસે આરોપી સામે કાર્યવાહી કર્યા બાદ આજે બપોરે પોલીસ જાપ્તા હેઠળ ઇમરાન ઉર્ફે મુકેશને કોર્ટ લઇ જવાયો હતો. અદાલતે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઇમરાન ઉર્ફે મુકેશને બાઇક પર બેસાડી રાજકોટ મધ્યસ્થ જેલ મૂકવા જવા નીકળ્યા હતા. રીઢો ગુનેગાર ઇમરાન ઉર્ફે મુકેશે જાપ્તામાં રહેલા પોલીસમેનને ધક્કો મારી પછાડી દઇ ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...