તપાસ:મિત્રની કાર લઇ આર્થિક ખેંચ દૂર કરવા ચારેયે લૂંટનું કાવતરું ઘડ્યું’તું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 દિવસ પહેલા પ્રૌઢનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી

રાજસ્થાનના ભીલવાડાથી રાજકોટ પિતરાઇ ભાઇના ઘરે આવેલા સત્યનારાયણ અંબાલાલ સોની નામના પ્રૌઢના ત્રણ દિવસ પહેલા થયેલા અપહરણ, લૂંટના બનાવમાં સંડોવાયેલા જામનગરના હિમાંશુ ઉર્ફે નુર પરમાર, સુમિત સરવૈયા, જેતપુરનો ખુશાલ ઉર્ફે એમએલએ જગદીશ રાદડિયા, રાજકોટના પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણી નામના શખ્સોને ગોંડલ રોડ, રસુલપરાના પાટિયા પાસેથી પોલીસે ઝડપી લીધા છે.

પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી લૂંટેલો મોબાઇલ તેમજ રોકડા રૂ.1500 પૈકી 700 રૂપિયા કબજે કર્યા છે. પૂછપરછમાં ચારેય આર્થિક સંકડામણમાં હોય તે દૂર કરવા કાલાવડ રોડ પર ભેગા થયા હતા અને મિત્રની કાર લઇ ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ તરફ જતા એકલ દોકલ મુસાફરને કારમાં બેસાડી રોકડ કિંમતી ચીજવસ્તુઓ લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. બાદમાં મિત્ર શુભમ ગોસ્વામીની કાર બહારગામ જવાનું કહી લીધી હતી અને ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. ત્યારે રાજસ્થાની પ્રૌઢને લીંબડી જવું હોય રૂ.400નું ભાડું નક્કી કરી બેસાડ્યા હતા.

બામણબોર પહોંચતા રાજસ્થાની પ્રૌઢને જે કંઇ હોય તે આપી દેવાનું કહેતા તેને 1500 અને મોબાઇલ આપી દીધા હતા. વધુ પૈસા માટે તેના દીકરા સહિતનાઓને ફોન કરી રૂપિયાની માગણી કરતા પ્રૌઢના દીકરાએ 15 હજાર પાર્થ ઉર્ફે ભોલુના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. લૂંટેલા રૂપિયામાંથી ડીઝલ પુરાવી ચોટીલાથી રાજકોટ તરફ આવતા પોલીસ પીછો કરતી હોવાનું માલૂમ પડતા લોઠડા તરફ કાર લઇ જઇ પ્રૌઢને મુક્ત કરી કાર રેઢી મૂકી નાસી ગયાની કબૂલાત આપી છે. કારના નંબરના આધારે તપાસ કરી મૂળ માલિકની પૂછપરછમાં બનાવનો ભેદ ઉકેલાયાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...