શિલાન્યાસ વિધિ:રાજકોટમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન છાત્રાલયનું શિલાન્યાસ

રાજકોટ6 દિવસ પહેલા
રાજયપાલ આચાર્ય દેવવ્રત​​​​​​​ બપોરે 3 વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા
  • રાજકોટ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું

રાજકોટમાં આજે રાજયપાલ આચાર્ય દેવવ્રત બપોરે 3 વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જયાં તેમને ‘‘ગાર્ડ ઓફ ઓનર’’ પેશ કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેઓ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર નૂતન છાત્રાલયના શિલાન્યાસ વિધિના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભૂમિપૂજન કર્યું હતું.

સમગ્ર દેશમાં ચાલી રહેલી 280થી વધુ કાર્યરત ગુરૂકુળોની માતૃસંસ્થા એવી રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થવાના અવસરે આયોજિત "અમૃત સંકલ્પ સમારોહ"માં ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ગુરુકળના નુતન છાત્રાલય ભવનનું ભૂમિપૂજન કરાયું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આધુનિક ઉપભોગવાદી સમયમાં સમાજમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના મૂલ્યનિષ્ઠ સંસ્કારોનું સિંચન કરતી સ્વામિનારાયણ ગુરૂકુળની સંસ્થાઓનું સુસંસ્કૃત રાષ્ટ્રના નિમાર્ણમાં યોગદાન અમુલ્ય છે તેમ જણાવી ગૂરૂકુળ સંસ્થાની ઉમદા કામગીરીને બીરદાવી હતી. પ્રાચીન સમયથી ભારત વર્ષમાં ભારતીય સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે કાર્યરત ગુરુકુળ પરંપરાને વર્ણવતા રાજયપાલે કહ્યું હતું કે, સુસંસ્કૃત સમાજના નિર્માણ અને વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યવાન ગુણો અને કૌશલ્યેાના સિંચન સાથે, સમાજ માટે ઉપયેાગી થવાના જીવનધ્યેયને સમર્પિત નાગરિકોનું નિર્માણ હાલ પણ કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે.

આ તકે ઉદ્યોગપતિ ધીરૂભાઇ કોટડીયા દ્વારા રાજકોટ ખાતે કન્યાઓ માટે સૌ પ્રથમ ગુરુકુળ પ્રારંભ કરવાના સંકલ્પ સાથે રૂા. 51 લાખના યોગદાનને આવકાર્યું હતું. આ કાર્ય થકી રાષ્ટ્રની માતાઓ અને બહેનોમાં પણ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોના સિંચન થકી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનમાં અનેરુ યોગદાન સિધ્ધ થશે તેવા શુભાષીશ રાજ્યપાલે પાઠવ્યા હતા.

આચાર્ય દેવવ્રતે સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમૃત સંકલ્પ મહોત્સવના મોનોગ્રામના લોન્ચિંગ સાથે રાષ્ટ્રના નિર્માણમાં આર્થિક, સામાજીક કલ્યાણ અને શૈક્ષણિક યોગદાન આપી સમાજ માટેના ઋણને ચૂકવવા તત્પર રહેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યપાલે સંસ્થાની મુલાકાત લઇ સંસ્થાની કામગીરી જોઇ સંતોષ વ્યક્ત કરતા રૂા. 5 લાખ 51 હજાર રૂપિયાનું અનુદાન જાહેર કર્યુ હતું. આ ઉપરાંત તેઓએ સંસ્થાના નૂતન છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. અને સંસ્થા ખાતે ગૌમાતાનું પુજન પણ કર્યુ હતું.

7.30 વાગ્યે અમદાવાદ જવા રવાના
‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે ઢેબર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ દ્વારા ‘‘અમૃત સંકલ્પ સમારોહ’’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વામી દેવકૃષ્ણદાસજી, સ્વામી દેવપ્રસાદદાજી, સ્વામી ધર્મવલ્લભદાસજી વગેરે પણ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ સાંજે 6 વાગ્યે કણકોટ રોડ સ્થિત કાર્નિવલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને 7.30 વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતેથી પરત અમદાવાદ જવા રવાના થયા હતા.

રાજકોટ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું
રાજકોટ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું

રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને આહવાન
હાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને આવાહન કરવામાં આવે છે ત્યારે આજથી 3 દિવસ પહેલા ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અન્વયે તેઓ CM સાથે આહવા ખાતે યોજયેલાકાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનુ પવિત્ર યજ્ઞકાર્ય ડાંગના ખેડૂતો કરી રહ્યા છે, જેમને રસાયણનો ત્યાગ કરી ને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનુ આહ્વાન રાજયપાલએ કર્યુ હતું.