રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યુ રાજીનામું, ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ આપ્યુ રાજીનામું. - Divya Bhaskar
જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ આપ્યુ રાજીનામું.

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે. આજે જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામામાં તેઓએ ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાનું કારણ આપ્યું છે.

પાસાના આરોપીનું ઉમેદવારી ફોર્મ રદ
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે 10 દિવસ બાકી છે. ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી પાસાના આરોપીએ વકીલ મારફત નવસારી બેઠક પર અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જો કે કલેક્ટર તંત્ર દ્વારા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. નિયમ મુજબ જે તે અધિકારી સમક્ષ પોતે સોગંદ ન લીધા હોવાથી તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ કાલે રાહુલ ગાંધીની સભા હોવાથી અશોક ગેહલોત સહિત મોટા નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે.

આરોપીએ રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી વકીલ મારફત નવસારી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી (ફાઈલ તસવીર)
આરોપીએ રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી વકીલ મારફત નવસારી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી (ફાઈલ તસવીર)

આરોપી સામે ધાર્મિક લાગણી દુભાઇ તેવા ભાષણનો ગુનો
મૂળ નવસારીનો અને ધાર્મિક લાગણી દુભાય તેવું ભાષણ કરવાના ગુનામાં રાજકોટ જેલમાં પાસા તળે જેલવાસ ભોગવતા અબ્દુલ કાદીર મહેબુબ સૈયદે નવસારી બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે વકીલ મારફત અરજી કરી હતી. આ અંગે નવસારી મદદનીશ કલેક્ટર રાજેશ બોરાડે ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારી સમક્ષ સોગંદ લેવાના હોય જે આરોપી લઈ શકે તેમ ન હોવાથી ઉમેદવારી અંગેની અરજી ફગાવી દેવામાં આવી છે.

આખી કોંગ્રેસના રાજકોટમાં ધામા
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ફરી પુનરાવર્તન કરવા માટે મેદાને ઉતરી છે. સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવા પાટનગર સમા રાજકોટમાં આખી કોંગ્રેસે ધામા નાખ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટમાં છે. તેઓ બપોરે 1 વાગ્યે મીડિયાને સંબોધન કરશે. અશોક ગેહલોત સાથે વેણુગોપાલ, પ્રભારી રઘુ શર્મા, કામકિશન ઓઝા, સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા હોય કોંગ્રેસના નેતાઓ રાજકોટ પહોંચી ગયા છે.

સૌરાષ્ટ્રમાં આજે મોદીની ચાર સભા.
સૌરાષ્ટ્રમાં આજે મોદીની ચાર સભા.

આજે મોદીની સૌરાષ્ટ્રમાં 4 સભા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં તેઓ સભા સંબોધન કરવાના છે. જેમાં સોમનાથ, અમરેલી, ધોરાજી અને બોટાદનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબ્જે લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ગયા છે. કોંગ્રેસના ગઢ ધોરાજીની બેઠક કબ્જે કરવા ભાજપના સ્ટારના સ્ટાર પ્રચારક મોદી જંગીસભા સંબોધશે. ઉલ્લેખનીય છે કે, ધોરાજી બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપે કડવા પાટીદારને ટિકિટ આપી હતી.

કાલે સોમવારે રાજકોટમાં રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી.
કાલે સોમવારે રાજકોટમાં રાહુલ ગાંધીની સભાને લઈ તૈયારી.

રાહુલ ગાંધીની સભાને લઈ કોંગ્રેસમાં પૂરજોશમાં તૈયારી
21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

જે.પી. નડ્ડાએ બે દિવસ રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળા માટે ચૂંટણી પ્રચાર કર્યો.
જે.પી. નડ્ડાએ બે દિવસ રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળા માટે ચૂંટણી પ્રચાર કર્યો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ બે દિવસ પ્રચાર કર્યો
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસ ઉમેદવાર રમેશ ટીલાળા માટે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા. ગઈકાલે રમેશ ટીલાળાના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે તેઓએ સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ નેતાઓ અને કાર્યકર્તાઓને શીખ આપતા જણાવ્યું હતું કે, ‘ભારત માતા કી જય’ના નારાથી મત નહીં મળે. તમે દરેકના ઘરે 20-25 મિનિટ ફાળવો અને તેની સમસ્યા જાણો તો મત મળશે.

અન્ય સમાચારો પણ છે...