ગોવાની ફ્લાઈટના ધાંધિયા:રાજકોટ એરપોર્ટ પર 1થી 8 જુલાઈ વચ્ચે માત્ર બે દિવસ જ ફ્લાઈટ આવી, મુસાફરોમાં રઝળપાટ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીર.

રાજકોટ નજીક હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. તે પહેલાં તાજેતરમાં જ જૂના એરપોર્ટ ઉપર વધુ ફ્લાઈટ ઉતરાણ કરી શકે તે માટે ચાર એપ્રન (પાર્કિંગ)ની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શક્યો નથી. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગોવાની ફ્લાઈટના આવતા કરતા કેન્સલ વધુ વખત થઈ છે. પાછલા સપ્તાહ દરમિયાન માત્ર 2 દિવસ જ ગોવાની ફ્લાઇટ રાજકોટમાં આવી હતી અને 6 વખત કેન્સલ થઈ જતાં મુસાફરોને રઝળપાટ કરવી પડી છે.

6 દિવસ યેનકેન કારણોસર ફ્લાઈટને રદ કરાઇ
1 જુલાઈથી 8 જૂલાઈ વચ્ચેના સમયગાળામાં માત્ર 2 વખત જ ગોવાની ફ્લાઈટ રાજકોટ આવી હતી. જ્યારે બાકીના 6 દિવસ યેનકેન કારણોસર ફ્લાઈટને રદ કરી દેવામાં આવી હતી. આ કારણથી એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરોને રઝળપાટ વધી રહ્યો છે. આથી ગોવા જવા માટે તેમણે અન્ય પરિવહનની મદદ લેવી પડી રહી છે. બીજીબાજુ છેલ્લા સમયે જ ફ્લાઈટ કેન્સલ કરી દેવાની જાહેરાત કરવામાં આવતી હોવાથી મુસાફરોએ ગોવા જવાનું માંડી વાળવું પડે છે અથવા કાર્યક્રમને ફરીથી ગોઠવવાની નોબત આવી પડે છે.

લોકોએ નાછૂટકે બસમાં જવું પડે છે
ચોમાસાની ઋતુમાં ગોવા જવાનો ટ્રેન્ડ વધુ રહેતો હોવાને કારણે લોકો ઝડપથી ત્યાં પહોંચી શકાય તે માટે ફ્લાઈટમાં જવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ રાજકોટથી ગોવાની એકમાત્ર ફ્લાઈટ હોવાથી અને તે રદ વધુ થઈ જતી હોવાથી મુસાફરોની હેરાનગતિમાં રાહતની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે ટ્રેન ટિકિટનું બુકિંગ પણ કરાવી શકતા નથી. કારણ કે, ટ્રેનમાં પણ તાત્કાલિક ટિકિટ બૂક થવી મુશ્કેલ હોય છે. જેના કારણે નાછૂટકે બસમાં જવું પડે અથવા તો કાર્યક્રમ જ રદ કરવો પડે છે.

8 દિવસમાં ક્યાં દિવસે ફ્લાઈટ કેન્સલ થઈ

1 જુલાઇફ્લાઇટ કેન્સલ
2 જુલાઇફ્લાઇટ કેન્સલ
3 જુલાઇફ્લાઇટ કેન્સલ
4 જુલાઇફ્લાઇટ આવી હતી
5 જુલાઇફ્લાઇટ કેન્સલ
6 જુલાઇફ્લાઇટ કેન્સલ
7 જુલાઇફ્લાઇટ આવી હતી
8 જુલાઇફ્લાઇટ કેન્સલ