તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:પહેલી લહેરમાં સિવિલમાં 125 બાળક દાખલ થયા, બીજી વેવમાં 74 એડમિટ, 400 હોમ આઈસોલેટ હતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાનગી હોસ્પિટલમાંથી સરકારી વેન્ટિલેટર પરત મગાયા, 60ની ઘરવાપસી - Divya Bhaskar
ખાનગી હોસ્પિટલમાંથી સરકારી વેન્ટિલેટર પરત મગાયા, 60ની ઘરવાપસી
  • એપ્રિલ માસમાં બાળકોમાં કોરોનાની સંખ્યા વધી પણ મહત્તમને સામાન્ય અસર હોવાથી ઘરે જ સાજા થઈ ગયા
  • રાજકોટમાં 74માંથી 5 વેન્ટિલેટર, 6 HFNC જ્યારે 15ને ઓક્સિજન પર રાખવા પડ્યા હતા, કો-મોર્બિડ દર્દી પણ સ્વસ્થ થયા

રાજકોટમાં બીજી લહેરમાં કેસની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી અને દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો આવ્યો હતો જોકે પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરમાં ઓછા બાળકોને દાખલ કરાયા હતા. તેનો અર્થ એ નથી કે બાળકો ઓછા સંક્રમિત થયા હતા પણ મોટાભાગના બાળકોને હોમ આઈસોલેશનમાં જ રાખવામાં આવ્યા હતા.

સિવિલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં પહેલી લહેર દરમિયાન 125 જ્યારે બીજી લહેરમાં 74 દર્દી દાખલ થયા હતા. તબીબો જણાવે છે કે, પહેલી લહેર વખતે કોઇને કશું ખ્યાલ હતો નહિ એટલે બધા જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવો આગ્રહ લોકો રાખતા હતા. પૂરતી જગ્યા હતી એટલે તબીબોએ પણ તે મુજબ દર્દીઓને દાખલ રાખ્યા હતા. ધીરે ધીરે રોગ અને સારવાર વિશે માહિતી મળતા સામાન્ય લક્ષણો હોય તેમને હોમ આઈસોલેશનની સલાહ અપાઈ હતી.

બીજી લહેર દરમિયાન ઓપીડીમાં 500થી વધુ બાળકો આવ્યા હતા જેમાંથી 400થી વધુ બાળકોમાં સામાન્ય લક્ષણો જ હોવાથી તેમને હોમ આઈસોલેશનમાં રાખવા સલાહ આપી હતી અને લોકોએ પણ ઘરે જ સારવાર કરવા ઈચ્છા દર્શાવી હતી. જે બાળકો ગંભીર લાગ્યા તેમની સારવાર કરવા દાખલ કરાયા હતા જેની સંખ્યા 74 હતી. આ 74માંથી 5 વેન્ટિલેટર, 6 HFNC, 6ને ઓક્સિજન માસ્ક તેમજ 9ને નેસલ પ્રોગ્ઝ પર રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકોને કિડની તેમજ અન્ય જોખમી બીમારી હતી અને કો-મોર્બિડિટી ધરાવતા હતા. અમુકને રેમડેસિવિર પર અપાયા હતા અને સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

ત્રીજી લહેર | બાળકો માટે ખાસ વ્યવસ્થા
ત્રીજી લહેરમાં બાળકોના કેસ વધશે તેવી શક્યતા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં 200 બેડ અને 50 વેન્ટિલેટરની તૈયારી કરાઈ છે. આ બેડ અને વેન્ટિલેટરની સંખ્યા બીજી લહેર કરતા 10 ગણી છે. પીડિયાટ્રિક્સના પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેસિડેન્ટ તમામ દર્દીઓની જવાબદારી સંભાળશે જો બાળદર્દીની સંખ્યા વધશે તો અલગ અલગ વિભાગના તબીબોને પણ તેમાં ડ્યૂટી સોંપાશે.

વેન્ટિલેટર વધતા નવું વીજ કનેક્શન લેવાશે
વેન્ટિલેટરની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે તેમજ આ માટે દરેક માળમા કેટલા વેન્ટિલેટર છે અને તે મુજબ કેટલા ઓક્સિજનની જરૂર પડશે તેની ગણતરી માંડીને ઓક્સિજન પ્લાન્ટના કનેક્શન અપાઈ રહ્યા છે. આ દરમિયાન એક બાબત ધ્યાને આવી હતી કે, સિવિલમાં પૂરતા વીજ કનેક્શન છે પણ વેન્ટિલેટરને કારણે વીજલોડ વધે અને ત્યારે કટોકટી થાય તેના કરતા વધુ એક વીજ કનેક્શન લેવું યોગ્ય રહેશે તેવી સલાહ નિષ્ણાતોએ આપતા કાર્યવાહી શરૂ કરાઈ છે.

ખાનગી હોસ્પિટલમાંથી સરકારી વેન્ટિલેટર પરત મગાયા, 60ની ઘરવાપસી
​​​​​​​સિવિલ હોસ્પિટલે અનેક ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટરની ખેરાત કરી હતી. તેમાંથી 60 પરત આવી ગયા છે. મફતમાં મળેલા વેન્ટિલેટરથી ધૂમ કમાણી કરીને અંતે પાછા કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...