સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-2:SPLની પહેલી સિઝનની ચેમ્પિયન સોરઠ અને રનર અપ ઝાલાવાડ વચ્ચે પ્રથમ મેચ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-2નો આજથી ખંઢેરી સ્ટેડિયમમાં પ્રારંભ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા 2019થી શરૂ કરાયેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની સિઝન-2નો બે વર્ષ બાદ આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી ગુરુવારે ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યા બાદ સાત વાગ્યે પ્રથમ મેચ પહેલી સિઝનની ચેમ્પિયન સોરઠ લાયન્સ અને રનર અપ ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમ ગત સિઝનમાં ત્રણ-ત્રણ મેચ જીતી હતી. પરંતુ ઝાલાવાડ સામે સોરઠનું પલડું ભારી હતું.

પહેલી સિઝનના લીગ રાઉન્ડમાં ઝાલાવાડના 116 સામે સોરઠની ટીમે બે વિકેટ ગુમાવી 122 રન કરી 8 વિકેટે વિજય મેળવ્યો હતો. જેમાં સોરઠ વતી રમી રહેલા ચેતન સાકરિયાએ 4 વિકેટ, જ્યારે બેટિંગમાં હિમાલય બારડે અણનમ 50 અને દિવ્યરાજ ચૌહાણે અણનમ 43 રન કર્યા હતા. ગત સિઝનમાં ઝાલાવાડ ટીમના કપ્તાન તરીકે ચેતેશ્વર પૂજારા હતા.

આ સિઝનમાં પૂજારાની ગેરહાજરીથી ઝાલાવાડ ટીમને ખોટ જણાશે. જ્યારે આ સિઝનમાં સોરઠના કપ્તાન તરીકે ચિરાગ જાનીને સુકાન સોંપાયું છે. આ ટૂર્નામેન્ટથી સૌરાષ્ટ્રમાંથી અનેક ઊભરતા ખેલાડીઓની પ્રતિભા બહાર આવશે અને તેમને ક્રિકેટમાં ઘણો ફાયદો થશે તેમ એસો.પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું છે.

ટૂર્નામેન્ટ ન રમાડવા માટે કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી
એસપીએલ સિઝન-2ના મેચો સામે અગાઉ ફ્રેન્ચાઇઝી ધરાવતી મુંબઇની કંપનીએ મનાઇ હુકમ મેળવવા કરેલી અરજીને રાજકોટની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં સોરઠ લાયન્સ ટીમની ફ્રેન્ચાઇઝી મુંબઇની જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પાસે હતી. પહેલી સિઝન રમાયા બાદ કોરોનાને કારણે બીજા વર્ષે આ ટૂર્નામેન્ટ રમાઇ શકી ન હતી. બાદમાં 2021માં એસપીએલની સિઝન-2 રમાડવાનું નક્કી થયું હતું, પરંતુ સોરઠ ટીમના ફ્રેન્ચાઇઝીના ભાગીદાર નરેશ જૈને કરાર મુજબની રકમ જમા કરાવી ન હતી. આ મુદે્ વિવાદ થતાં મામલો કોર્ટમાં ગયો હતો. જયાં કોર્ટે મુંબઈની કંપનીની અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...