તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ રક્તદાતા દિવસ:સ્વૈચ્છિક રક્તદાનમાં રાજકોટ ગુજરાતમાં પ્રથમ, મહિને 14-15 બ્લડ ડોનેશન કેમ્પ, લોકડાઉનમાં મોબાઈલ વાને 3500થી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું'તુ

રાજકોટએક મહિનો પહેલાલેખક: શુભમ્ અંબાણી
 • રાજકોટ બ્લડ બેન્કમાં હાલ 450થી પણ થેલેસીમિયાગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે
 • એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 4 કરોડથી પણ વધારે બ્લડ યુનિટની જરૂર પડે છે

રક્ત આપણાં શરીરમાં વહેતાં અમૃત સમાન છે. કોઈ સંજોગવશાત જો તેની થોડી માત્રા પણ ઓછી થાય તો આપણાં અસિત્વ સામે પ્રશ્ર્નાર્થ ઉભો થઈ જાય છે. વિજ્ઞાને ભલે અદ્વિતિય પ્રગતિ કરી હોય તેમ છતાં રક્તનું નિર્માણ કરી શકે તેવી કોઈ પ્રણાલી હજી શોધાઈ નથી. માનવરક્ત માત્ર માનવશરીરમાં જ પેદા થાય છે એટલે જ માનવીને અસામાન્ય સંજોગોમાં જ્યારે રક્તની તાતી જરૂરીઆત પડે છે ત્યારે રક્તદાન પર આધાર રાખવો પડે છે.

સ્વૈચ્છિક રક્તદાનમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રાજકોટનો રેકોર્ડ
આજે વિશ્વ રક્તદાતા દિવસ છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલની પી.ડી.યુ. કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત પેથોલોજીસ્ટ ડો.કૃપાલ પુજારાએ આ અંગે વાત કરતા જણાવે છે કે, ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવા માટે રાજકોટીયન્સ હંમેશા આગળ રહે છે. ગત વર્ષે જ્યારે રક્તની સૌથી વધુ જરૂરિયાત હતી ત્યારે સ્વૈચ્છિક રક્તદાન માટે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રાજકોટને એવોર્ડ મળ્યો છે. એ વખતે 18256 રાજકોટીયન્સે સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. લોકડાઉનમાં પણ બ્લડ બેન્કમાં કાર્યરત મોબાઈલ વાન દ્વારા 3500 યુનિટથી વધુ રક્તદાન એકત્રિત કર્યું હતું.

વિશ્વ રક્તદાતા દિવસનો ઇતિહાસ
દર વર્ષે 14 જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વર્ષ 2004થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ છે ‘Give blood and keep the world beating’ અર્થાત ‘રક્તદાન કરો અને દુનિયાને ધબકતી રાખો’ એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. જે દિવસે દિવસે વધી રહી છે. પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે
આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે.

કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે
કાર્લ લેન્ડસ્ટેનર એ જ વૈજ્ઞાનિક છે જેમણે બ્લડ ગ્રુપ સિસ્ટમથી દુનિયાને માહિતગાર કર્યા હતા. બ્લડ ગ્રુપ વિશે માહિતી મેળવવા માટે કાર્લ લેન્ડસ્ટેનરને વર્ષ 1930માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ 14 જૂને થયો હતો, તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. જ્યારે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે વ્યક્તિનું જીવન બચાવવા માટે લોહીની જરૂર પડે છે. શરીરમાં લોહીનું પ્રમાણ સંતુલિત કરવા માટે શરીરમાં બ્લડ ચઢાવવામાં આવે છે. બ્લડ બેન્કમાં હાજર બ્લડથી સમયસર વ્યક્તિને જીવનદાન આપી શકાય છે

રાજકોટમાં દર મહિને 14-15 કેમ્પ થાય છે.
રાજકોટમાં દર મહિને 14-15 કેમ્પ થાય છે.

રાજકોટમાં દર મહિને 14-15 જેટલા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન થાય છે
રાજકોટમાં મોબાઈલ વાનની વાત કરીએ તો તેમાં એક સાથે ત્રણ ડોનર ડોનેટ કરી શકે તેટલી સુવિધા ઉપલબ્ધ છે. જેમાં 5-6 લોકોની ટીમ કાર્યરત હોય છે. કેમ્પ ઇન્ચાર્જ, બે રેસિડેન્ટ ડોક્ટર્સ, બે ટેક્નિકલ સ્ટાફ ફરજ પર હોય છે. જેથી શહેરમાં કોઈ પણ રક્તદાન શિબિરનું આયોજન થાય તો મોબાઈલ વાન દ્વારા તુરંત કેમ્પ થઈ શકે છે. ગત વર્ષે 163 જેટલી રક્તદાન શિબિરમાં બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઈલ વાન દ્વારા 50% જેટલું રક્તદાન કરવામાં આવ્યું છે. હાલ દર મહિને 14-15 જેટલા બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન થાય છે.

450થી વધુ થેલેસીમિયાગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે
રાજકોટ સિવિલની બ્લડ બેન્કમાં હાલ અંદાજિત 500થી 800 જેટલા બ્લડ યુનિટ ઉપલબ્ધ છે. અને કોઈ પણ બ્લડ ગ્રુપના ડોનરને બ્લડની જરૂર પડે તો તુરંત બ્લડ મળી શકે છે. થેલેસેમિક બાળકોને આખરે રક્ત માટે આધાર તો રક્તદાતાઓ ઉપર જ રાખવો પડે છે. રાજકોટ બ્લડ બેન્કમાં હાલ 450થી પણ થેલેસીમિયાગ્રસ્ત બાળકો સારવાર લઈ રહ્યા છે. કોરોના કાળમાં પણ બ્લડ એકત્ર કરવાની કપરી કામગીરી ડો.પુજારાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પેથોલોજીસ્ટ ડો.કૃપાલ પુજારા
પેથોલોજીસ્ટ ડો.કૃપાલ પુજારા

બાયો કેમેસ્ટ્રી લેબમાં ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નં.12માં ક્લિનિકલ બાયો કેમેસ્ટ્રી લેબ આવેલી છે. આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે ડી-ડાઈમર, સીઆરપી, આઇ.એલ-6, ફેરીટીન, પીસીટી સહિતના રિપોર્ટ કરવામાં આવે છે. આ કામગીરી માટે ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો 30નો સ્ટાફ અવિરત કામ કરે છે.

એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા
સિવિલમાં એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક 4000થી 4500 રિપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે અગત્યના 80 હજાર જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો 4થી 4.50 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. રાજ્ય સરકારના સંવેદનશીલ અને સેવાકીય અભિગમ અંતર્ગત આ તમામ રિપોર્ટ દરદીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

દૈનિક 50થી 400 સીબીસી રિપોર્ટ થાય છે
એ જ રીતે સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના સીબીસી રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સ આપવાની જરૂરીયાત હોય તેવા દર્દીના પીટી/એપીટીટીના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધારે હોવાથી રોજના 350થી 400 સીબીસી અને આશરે 100 જેટલા પીટી/એપીટીટીના કોગ્યુલેશનનાના રિપોર્ટ થાય છે.

રોજના 50થી 400 સીબીસી રિપોર્ટ થાય છે.
રોજના 50થી 400 સીબીસી રિપોર્ટ થાય છે.

લોહી મેળવવા માટે મુશ્કેલીઓ વેઠવી પડતી
વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા.ભારતમાં બ્લડબેંકોના સુવ્યસ્થિત સંચાલન પહેલાં લોહીની આવશ્યકતાને પૂરી પાડવા યોગ્ય અને સુસંગત કડીઓનો અભાવ હતો. અનેક મુશ્કેલીઓ લોહી મેળવવા માટે વેઠવી પડતી હતી. પરંતું અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓ, હૉસ્પિટલો વિગેરે દ્વારા થતાં અનેકાનેક પ્રયાસોથી પરિસ્થિતિમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે, જે ખરેખર ખૂબ પ્રશંસનિય છે. તેમછતાં જરૂરીઆત સુધી પહોંચવા આપણે હજી અનેક પ્રયાસો કરવાના છે.

રક્તદાન કરવા સ્વૈચ્છિક રીતે લોકો આગળ આવે
એક અંદાજ અનુસાર ભારતમાં પ્રતિવર્ષ આશરે 4 કરોડથી પણ વધારે યુનિટ્સ બ્લડની તાત્કાલિક જરૂર પડે છે. જેમાંથી આશરે 40 લાખ જેટલું રક્ત સ્વૈચ્છિક રીતે મળે છે. એક તરફ ભલે રક્તદાન વિશે ખૂબ જન-જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે પરંતુ સચ્ચાઈ એ છેકે દેશની સર્વાધિક જનતા હજી રક્તદાન કરવા પ્રેરાઈ નથી. આપને જાણીને નવાઈ લાગશે કે રક્તદાન કરવા સક્ષમ એવી દેશની લગભગ 40 ટકા જનતામાંથી માંડ દસ ટકાથી પણ ઓછા લોકો જનહિતાર્થે રકતદાન કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રાજકોટને એવોર્ડ મળ્યો છે
ગુજરાતમાં સૌથી વધુ રક્તદાન કરવાનો રાજકોટને એવોર્ડ મળ્યો છે

રક્તદાન પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો

 1. રક્તદાન કરતાં પહેલાં રાત્રે અને સવારમાં પૂરતાં ફળોના રસ અને પાણી લો.
 2. ખાલી પેટે રક્તદાન કરવાનું ટાળો.
 3. રક્તદાનના ત્રણ કલાક પહેલાં ખોરાક લો.
 4. ચરબીવાળો ખોરાક ટાળો.
 5. લોહતત્વથી ભરપૂર આહાર લો.
 6. રક્તદાન પહેલાં દારૂ અથવા કેફી પીણાંનો ઉપયોગ કરશો નહીં
 7. કોઈ મોટી શસ્ત્રક્રિયા કરાવ્યા પછી 6 મહિના માટે રક્તદાન કરવાનું ટાળો.

રક્તદાન પછી ધ્યાનમાં રાખવાની બાબતો

 • રક્તદાન પછી 5થી 20 મિનિટ થોડો આરામ કરો.
 • રક્તદાન પછી વાહન ન ચલાવો.
 • ​​​વધુ ખાંડ ધરાવતા જ્યુસ કે નાસ્તો લો, જેથી બ્લડ સુગર ફરી સામાન્ય થઈ જાય.
 • વધુ પ્રોટીનવાળું પૌષ્ટિક ભોજન લો.
 • રક્તદાન પછી 8 કલાક માટે દારૂનો ઉપયોગ કરશો નહીં.
 • ઓછામાં ઓછા આગામી એક દિવસ માટે જીમ, નૃત્ય, ચાલવું વગેરે જેવી ભારે શારીરિક પ્રવૃત્તિઓ ટાળો.
એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા.
એપ્રિલ મહિનામાં દર્દીઓના 1.35 લાખ રિપોર્ટ કરવામાં આવ્યા.

રક્તદાન પ્રત્યે જાગૃતિ અનિવાર્ય
સામાન્ય રીતે લોકો બીજાની મદદ કરવાના હેતુથી રક્તદાન કરતા હોય છે અને તેમનું એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે. એક સર્વે અનુસાર મોટા ભાગના લોકો જેમણે રક્તદાન નથી કર્યું તેમનો રક્તદાન અંગે અભિપ્રાય એ છે કે એમને ક્યારેય રક્તદાન વિશે વિચાર્યું જ નથી. આનો મતલબ એ કે સમાજમાં હજું પણ રક્તદાન અંગે જાગૃતિનો અભાવ છે. જો સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે અને લોકોને રક્તદાન અને તેની જરૂરિયાત તથા તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવે તો એનાથી સમાજને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. વિશ્વના કરોડો લોકો જેઓ રક્તદાન કરીને કોઈના જીવનનો આધાર બન્યા છે તેમને સેલ્યુટ કરી, આવો આજે આપણે પણ સંકલ્પ લઈએ, રક્તદાન કરીએ અને કરાવીએ, લાખો લોકોના મુખ પર આવતા જીવનસુખની સ્માઈલનું કારણ બનીએ..!!