ભાસ્કર ઈમ્પેક્ટ:ફાયર વિભાગ માત્ર નોટિસ આપી સંતોષ માનતા રાજ્યની ટીમ દોડી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગ્નિકાંડના 23 દી’ બાદ તમામ કોવિડ હોસ્પિટલમાં ટીમનું ચેકિંગ
  • ફાયર NOC, હોસ્પિટલના સાધનોના ચેકિંગ બાદ સરકારને અપાશે રિપોર્ટ

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, રહેણાક બિલ્ડિંગ, ક્લાસીસને ફાયરના અપૂરતા સાધનો ફિટ કરવા અને જે બિલ્ડિંગે ફાયર એનઓસી રિન્યૂ કરી ન હોય તેમને રિન્યૂ માટે નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસનું નાટક અગાઉ પણ રાજ્યમાં જ્યારે દુર્ઘટના બને ત્યારે આપ્યા બાદ ફાયર વિભાગ નોટિસ આપી હોવાનું ભૂલી જાય છે અને કોઇ કડક કાર્યવાહી કરતું નથી. જેના કારણે ફરી મોટી દુર્ઘટના બને છે અને લોકોએ પોતાના સ્વજનો ગુમાવવા પડે છે.

રાજકોટ ફાયર વિભાગ માત્ર નોટિસ આપી સંતોષ માનતું હોવાથી રાજ્ય સરકારે ફાયર વિભાગની કામગીરી અંગે ચેકિંગ કરવા ટીમ મોકલી છે. આ ટીમે શુક્રવારે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું અને શનિવારે પણ ચેકિંગ કરશે. ત્યાર બાદ સરકારને બંધ કવરમાં રિપોર્ટ સુપરત કરશે. રાજકોટ શહેરમાં કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં છ વ્યક્તિનાં મોત બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે અગાઉની જેમ ફરી નોટિસ આપવાનું શરૂ કર્યું છે. દરરોજ 30થી 40 બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટેલને નોટિસ આપવામાં આવી રહી છે. નોટિસ આપ્યા બાદ ફાયર વિભાગ કોઇ કડક કાર્યવાહી કરતું નથી.

આ અંગે દિવ્ય ભાસ્કરે રાજકોટના શહેરીજનો વતી ‘જનતા નોટિસ’ આપી હતી અને આ અંગે દિવસ સાતમા કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બીજી તરફ રાજ્ય સરકારે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ માટે ટીમ મોકલી છે. જેમાં ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડોક્ટર અને ફાયર વિભાગના સિનિયર અધિકારીઓ આ ચેકિંગમાં જોડાયા છે. ચેકિંગમાં રાજકોટ ફાયર વિભાગે દુર્ઘટના બાદ કેવા પ્રકારના પગલાં લીધા અને કોવિડ હોસ્પિટલમાં કેવી સુવિધા છે તે અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

નોટિસ બાદ કડક કાર્યવાહી પણ શરૂ થશે
ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગ, હોસ્પિટલ, હોટેલ તેમજ જે બિલ્ડિંગ 15 મીટરથી વધુ ઊંચી છે તે તમામ મિલકતોમાં ફાયર એનઓસી લેવું ફરજિયાત છે. આ માટે હાલ નોટિસ અપાઈ રહી છે અને બિલ્ડિંગ સંચાલકોને ફાયરના સાધનો લગાવવા કહેવામાં આવી રહ્યું છે. નોટિસ બાદ પણ જો કોઇ ફાયરના સાધનો લગાવશે નહીં તો તેની સામે તે મિલકત સીલ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...