રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની 8 હોસ્પિટલમાં વિવિધ ફાયરબ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ બચાવકાર્ય માટે શું કરી શકાય ? તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
આ 8 હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી
શહેરમાં આજે દશાશ્રીમાળી હોસ્પિટલ, પરાબજાર, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ, નાનામવા, આસ્થા હોસ્પિટલ, કુવાડવા રોડ, એચ.સી.જી હોસ્પિટલ, 150 ફુટ રીંગ રોડ, રંગાણી હોસ્પિટલ, પેડક રોડ, ચંદ્રાણી હોસ્પિટલ, જામનગર રોડ, નેનો હોસ્પિટલ, દેવપરા શાક માર્કેટ, અને જનની હોસ્પિટલ, હનુમાન મઢી ખાતે ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.
પાવર કન્ઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ
આ અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેરની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, ફાયર સ્ટાફના ભૂતકાળમાં જોવા મળેલા અનુભવ મુજબ પાવર કન્ઝમ્પશન વધુ થવાને કારણે શોર્ટ સર્કિટ થતા આગના બનાવો બન્યા હતાં. ઇલેક્ટ્રિક પ્લગમાં થ્રી પિન લગાવી વધુ વિજળીનો ઉપયોગ કરવાથી પ્લગની ક્ષમતા કરતા વધુ પાવર ખેંચાવાથી પણ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેતી હોઈ આવી બાબતો ટાળવા ઉપરાંત નિયમિત રીતે ઇલેક્ટ્રિક વાયરિંગ નેટવર્કનું સમયાંતરે ચેકિંગ કરાવતા રહેવા પણ હોસ્પિટલોને સમજણ આપવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમ્યાન 8 હોસ્પિટલોમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.