શહેરની ભાગોળે આવેલા ભીચરીમાં રવિવારે રાત્રે બાર વાગ્યાના અરસામાં પિતાએ પુત્રને છાતીમાં છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, યુવકની સ્થળ પર જ લોથ ઢળી ગઇ હતી. યુવકની હત્યાથી તેના ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.
ભીચરી ગામમાં રહેતો અજિત રાજુ ભોજવિયા (ઉ.વ.30) રવિવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે કોઇ કારણસર તેના પિતા રાજુ ભોજવિયા સાથે બોલાચાલી થઇ હતી, પિતા પુત્ર વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ થોડી જ ક્ષણમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પિતા રાજુ ભોજવિયાએ ઘરમાં રહેલી છરી ઉઠાવી પુત્ર અજિતને છાતીના ભાગે ઘા ઝીંકી દીધો હતો. છરીનો ઘા ઝીંકાતા જ અજિત લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો.
ઘટનાને પગલે ગામના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં 108ના પાઇલટ ગોરધનભાઇ તથા ઇએમટી ભાવેશભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો, ઇએમટી ભાવેશભાઇએ બેભાન પડેલા અજિતને જોઇ તપાસી મૃત જાહેર કરતા મામલો હત્યામાં પલટાયો હતો અને લાશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પીઆઇ જનકાંત પોસ્ટમોર્ટમ રૂમે પહોંચ્યા હતા અને અન્ય સ્ટાફ આરોપી રાજુ ભોજવિયાને પકડવા ભીચરી દોડી ગઇ હતી, અજિતની પત્ની ભારતીબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. અજિતની હત્યાથી તેના ચાર સંતાનોએ પિતાની છત્રછાયાગુમાવી હતી.
ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ
ગત તા.15ના રોજ ધરમનગર આવાસ ક્વાર્ટર્સમાં રહેતા અને મનપામાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં હિતેષભાઇ ભૂપતભાઇ લઢેર (ઉ.વ.33) સવારે સફાઇ કામ કરવા માટે રૈયાધારમાં શાંતિનિકેતનના ગેટ પાસે ગયા હતા.
ત્યારે એ વિસ્તારમાં રહેતો આમ આદમી પાર્ટીનો આગેવાન તૌફિક બશીર ખાંડુ ત્યાં ધસી ગયો હતો અને હિતેષભાઇ પર રૂ.12 હજારની ચોરીનું આળ મૂકી તેને કમ્મરપટ્ટા અને ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા, તા.17ની રાત્રિના ભીચરીમાં અજિત ભોજવિયાને તેના જ પિતા રાજુ ભોજવિયાએ છરીનો ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ બનતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.