તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ASI પર હુમલો કરનાર પિતા-પુત્રને 3 વર્ષની સજા, કાર ડિટેન કરતા પિતા-પુત્રએ હુમલો કર્યો હતો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની ફરજમાં રુકાવટ કરી હુમલો કરવાના પાંચ વર્ષ પૂર્વેના એક કેસમાં અદાલતે મહત્ત્વનો ચુકાદો આપી આરોપી પિતા-પુત્રને સજા ફટકારતો હુકમ કર્યો છે. સજાના હુકમ પૂર્વે જજ એમ.એસ.અમલાણીએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ કોઇ પણ વાર-તહેવારમાં રજા રાખ્યા વગર સમાજ તેમજ દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાની ફરજ બજાવે છે. ત્યારે આવા કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે દયા દાખવી ન શકાય.એએસઆઇ ભીખાભાઇ ફકીરમહમદભાઇ પરમાર તા.23-6-2016ના રોજ ગ્રીનલેન્ડ ચોકડીએ ડ્યૂટી પર હતા.

ત્યારે કારચાલક પાસે લાઇસન્સ માગ્યું હતું. ચાલકે લાઇસન્સ ન હોવાનું કહેતા કાર ડિટેન કરી હતી. જેથી ચાલક અને તેના પિતાએ એએસઆઇ સાથે ઝપાઝપી કરી ધક્કો મારી પછાડી દીધા હતા. બંને શખ્સની અટકાયત કરી બી ડિવિઝન પોલીસમથક લઇ જવાયા હતા. જ્યાં એએસઆઇ પરમારે હુમલો કરી ફરજમાં રુકાવટ કરનાર ભૂપત મલા બાંભવા અને તેના પુત્ર સંજય સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી પિતા-પુત્રની ધરપકડ બાદ અદાલતમાં ચાર્જશીટ થતા કેસ એમ.એસ.અમલાણીની કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદપક્ષે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઇ અદાલતે આરોપી પિતા-પુત્રને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા તેમજ રૂ.5-5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...