તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાજકોટના એસીપીના પિતાની પૈસાના મુદ્દે હત્યા કરી લાશને ફેંકી દીધી, ચાર ઝડપાયા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસીપીના પિતા - Divya Bhaskar
એસીપીના પિતા
  • તિલકવાડાના મંગુ ગામે બનેલી ઘટના, મૃતકને તેમના એક્ટિવા સાથે પુલ પરથી ફેંકી દેવાયા’તા
  • વડોદરાથી પ્રમોશન બાદ બારિયા રાજકોટમાં ચાર્જ સંભાળવા પહોંચે તે પહેલા વતન રવાના થયા

રાજકોટમાં એસીપી તરીકે નિયુક્ત થયેલા એસીપી બારિયા રાજકોટમાં ચાર્જ સંભાળે તે પહેલા જ તેમના વતનમાં તેમના પિતાની ઘાતકી હત્યાની ઘટના બની હતી. પૈસાના મુદ્દે એસીપીના પિતાની ક્રૂરતાથી હત્યા કરી હતી અને હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે ચાર આરોપીને ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો હતો.

રાજકોટ મહિલા સેલના એસીપી રાજેન્દ્ર બારિયાના પિતા શનાભાઇ નાનાભાઇ બારિયા (ઉ.વ.70)ની લાશ ગત તા.8ના તેમના વતન તિલકવાડાના મંગુ ગામ નજીકથી મળી આવી હતી. પ્રથમ દૃષ્ટિએ અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થયાનું લાગતું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ખોલી નાખ્યો હતો. .

હત્યાનો ભેદ નર્મદા એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો, પોલીસે હત્યામાં સંડોવાયેલા અલ્તાફખાન જાકીરહુશેન ઘોરી (ઉ.વ.25), સદમહુશેન જાકીરહુશેન ઘોરી (ઉ.વ.20), રમીઝખાન યાકુબહુશેન (ઉ.વ.18) તથા અશરફખાન રસુલખાન ઘોરી (ઉ.વ.32)ને ઝડપી લીધા હતા. આરોપી અલ્તાફના કોઇ પરિચિતને એસીપીના પિતા શનાભાઇએ અગાઉ કોઇની પાસેથી પૈસા અપાવ્યા હતા, તે વ્યક્તિ પૈસા પરત કરતો નહીં હોવાથી શનાભાઇએ અલ્તાફ પાસે નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને તે બાબતે અગાઉ તેની સાથે બોલાચાલી પણ થઇ હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તા.8ના શનાભાઇ પોતાના ખેતરે ખેતીકામ કરતા હતા ત્યારે આરોપીઓ ધસી ગયા હતા અને પાવડાના ઘા ઝીંકી હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. બનાવ અંગે પોલીસે એસીપી રાજેન્દ્ર બારિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. ચારેય આરોપીની ધરપકડ બાદ તેમના રિમાન્ડ મેળવાશે.

પ્રમોશન મળ્યું તે દિવસે જ પિતાની હત્યા થઇ
વડોદરામાં પીઆઇ તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્ર બારિયાને ગત તા.8ના એસીપી તરીકે પ્રમોશન થયું હતું અને રાજકોટ મહિલા સેલના એસીપી તરીકે તેમની નિયુક્તિ થઇ હતી. પ્રમોશનની જાહેરાતની થોડી જ કલાકો બાદ રાજેન્દ્ર બારિયાને તેના પિતાની હત્યા થયાની જાણ થઇ હતી અને તેઓ વડોદરાથી પોતાના વતન દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...