કૃષિ:બજારમાં રૂ.200ના કિલોએ વેચાતા કૃષ્ણ ફળની ખેતી કરી ખેડૂત મબલક પાક ઉતારે છે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયામાં પેશન ફ્રૂટ તરીકે ઓળખાતા કૃષ્ણ ફળની રાજકોટમાં પણ થાય છે ખેતી

એક સમય હતો જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ઋતુ મુજબ જ ખેતી કરી ઉપજ મેળવતા હતા, પરંતુ સમય બદલાતાની સાથે જ ખેડૂતોએ ક્રાંતિકારી શરૂઆત કરી આધુનિક ખેતી તરફ વળ્યા છે. જેને કારણે રાજકોટના ખેડૂતો બાગાયતી ખેતીમાં મહેનત કરી અશક્યને શક્યમાં ફેરવી રહ્યાં છે. સફરજન, ડ્રેગન ફ્રૂટ બાદ હવે મૂળ ગીર પંથકના અને હાલ રાજકોટમાં ખેતી કરતા જેન્તીભાઇ ગોરધનભાઇ ગજેરાએ કૃષ્ણ ફળની ખેતી કરી મબલક પાક ઉતારી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પેશન ફ્રૂટ, આફ્રિકામાં મટુંગા ફ્રૂટ અને ભારતમાં કૃષ્ણ ફળ તરીકે ઓળખાતા ફળ અંગે જેન્તીભાઇએ જણાવ્યું કે, તેઓની ભરૂડી પાસે વાડી આવેલી છે.

બે વર્ષ પૂર્વે સોશિયલ સાઇટના માધ્યમથી આ ફ્રૂટની ખેતી કરતા જોયા હતા. ત્યારે આ ફ્રૂટ ઉગાડવાનું નક્કી કરી તપાસ કરતા કૃષ્ણ ફળની ખેતી વડાળાના ખેડૂત કરતા હોવાની માહિતી મળી હતી. જેથી તે ખેડૂત પાસેથી બે-બે ફૂટના રૂ.100ના એક એવા 100 રોપા લઇ આવ્યો હતો. જેને વાવ્યા બાદ 50 રોપા બળી ગયા હતા. બાકીના 50 રોપામાં છ મહિના પછી ફળ આવવાનું શરૂ થયું હતું. એક વેલામાં 60થી 70 ગ્રામ વજનના 500થી 2500 જેટલા ફળ આવ્યા હતા. કૃષ્ણ ફળ વેલમાં લીલા રંગના હોય છે. તે પીળા રંગના થયા બાદ વેલમાંથી નીચે ખરી ગયા બાદ તેનો ઉપયોગ જ્યૂસ તરીકે કરવામાં આવે છે.

બજારમાં 200 રૂપિયે કિલો વેચાતા ફળ શારીરિક દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. આ ફ્રૂટનો રસ પ્લેનમાં જ્યૂસ તરીકે આપવામાં આવે છે. વધુમાં જેન્તીભાઇએ કહ્યું કે, કૃષ્ણ ફળની ખેતી માટે અહીંનું તાપમાન અનુકૂળ છે. પાણીની પણ વધુ જરૂરિયાત રહેતી નથી. આઠ-દસ દિવસે પાણી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ ફળ ઉગાડવા માટે કોઇ દવા છાંટવાની જરૂરિયાત રહેતી ન હોય ઘરે પણ ઉગાડી શકાય છે. ખેડૂતને કૃષ્ણ ફળ ઉગાડવામાં ડબલ ફાયદો છે. આ ફ્રૂટની વેલ ઉગાડવામાં આવે છે. જેને કારણે ખેડૂત નીચે રહેતી બાકીની જમીનનો પણ અન્ય ઉપજ માટે ઉપયોગ કરી શકે છે.

કૃષ્ણ ફળના રસથી પાચનક્રિયા તેજ બને
કૃષ્ણ ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કૃષ્ણ ફળનો રસ પીવાથી પાચનક્રિયાને તેજ બને છે. કૃષ્ણ ફળમાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને ફાઇબર મળે છે. આ ફળ ખૂબ જ એન્ટિઓક્સિડન્ટ છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી અને ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે. તેમજ સ્ટ્રેસ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...