ક્રાઇમ:પ્રેમીયુગલનું અપહરણ કરી રાજકોટ લઇ આવી યુવતીના પરિવારે યુવકને માર મારી પેટ્રોલ છાંટ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરુપતિ સોસાયટીના યુવક અને એક યુવતીએ ભાગીને સુરત લગ્ન કરી લીધા’’તા
  • મારકૂટ કરી વકીલની હાજરીમાં લખાણ પણ કરાવી લીધાનો યુવકનો આક્ષેપ

રાજકોટના યુવક અને તેની પ્રેમિકાએ દોઢ મહિના પૂર્વે ભાગીને સુરત જઇ પ્રેમલગ્ન કરી લીધા હતા, યુવતીના પરિવારજનોએ ગુરુવારે સુરતથી પ્રેમીયુગલનું અપહરણ કરી બંનેને મારકૂટ કરી હતી અને જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક યુવક પર પેટ્રોલ છાંટી દીધું હતું અને કાંડી ચાંપવાની ધમકી આપી હતી, એટલું જ નહીં યુવતીને તેના પરિવારજનો ઉઠાવી ગયા હતા.

રાજકોટના મોરબી રોડ પરની તિરુપતિ સોસાયટીમાં રહેતો યોગેશ રામજીભાઇ ભૂત નામનો યુવક ગુરુવારે સાંજે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલના બિછાનેથી યોગેશે કહ્યું હતું કે, પોતે એક કારખાનામાં કામ કરે છે જે કારખાનામાં રાજકોટ નજીકના એક ગામની મીનલ નામની યુવતી પણ કામે આવતી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો,

પરિવારજનો એક નહીં થવા દે તેવી ભીતિ લાગતાં દોઢ મહિના પૂર્વે યોગેશ અને મીનલ ભાગીને સુરત પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા, યુવતીના પરિવારજનો આ ઘટનાથી રોષે ભરાયા હતા અને ગુરુવારે સુરત પહોંચી ગયા હતા, 15 થી 20 શખ્સે સુરતથી યોગેશ અને મીનલને ઉઠાવી લઇ કારમાં અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા અને રસ્તામાં ઢોરમાર માર્યો હતો, ઘંટેશ્વર નજીક લઇ ગયા બાદ એ શખ્સની સાથે બે વકીલ પણ આવ્યા હતા અને મારકૂટ કરી લખાણ કરાવી લીધું હતું એટલું જ નહીં એક શખ્સે યોગેશના લમણા પર રિવોલ્વર તાકી હતી અને થોડીવાર બાદ તેના પર પેટ્રોલ છાંટ્યું હતું, કાંડી ચાંપી મારી નાખવાની ધમકી આપી યુવતીને પોતાની સાથે લઇ એ શખ્સો નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...