હળવદમાં સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં દીવાલ પડી જવાથી 12 શ્રમિકનાં મોત થયા છે અને હજુ પણ કેટલાક દટાયેલા હોવાની શક્યતા છે ઘટનાને લઈને ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ સીધા હળવદ પહોંચ્યા હતા અને બનાવ અકસ્માત ગણાવી કૂલડીમાં ગોળ ભાંગવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં ભાસ્કરે તપાસ ચલાવતા જાણવા મળ્યું હતું કે, આ ફેક્ટરીનું કોઇપણ પ્રકારનું રજિસ્ટ્રેશન જ નથી કરાયું અને 15 વર્ષથી બેરોકટોક ધમધમી રહી હતી!
સાગર સોલ્ટમાં ઘણા વર્ષોથી મીઠાનું પ્રોસેસિંગ થાય છે અને 2007ના વર્ષની આસપાસ તેણે રજિસ્ટ્રેશન માટે અરજી પણ કરી હતી જોકે રજિસ્ટ્રેશન થયું ન હતું એટલે ઓછામાં ઓછા 15 વર્ષથી મીઠાનું આ મોટું ઉત્પાદક કેન્દ્ર ધમધમી રહ્યું હતું અને કોઇએ પણ આ ગેરરીતિ અટકાવી ન હતી.
હાલ જે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે તે તમામની નિમણૂક માત્ર 2 મહિના પહેલા જ થઈ છે અને આ બદલીમાં રાજકોટમાં પ્રમોશન સાથે મુકાયેલા હર્ષલ ચોટલિયા છેલ્લા 5 વર્ષથી મોરબીમાં ફરજ નિભાવી રહ્યા હતા. જ્યારે તેમને આ ઘટના અંગે ફેક્ટરીની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ અજાણ હોવાનો ડોળ કર્યો હતો.
હકીકતે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભ્રષ્ટાચારથી ખદબદતો વિભાગ છે ઘણા કારખાનાઓમાં રજિસ્ટ્રેશન ન હોવા છતાં ધમધમે છે અને તેમની પાસેથી અધિકારીઓ અને જે તે એસોસિએશન સાઠગાંઠ કરીને હપ્તા ઉઘરાવે છે. આવા જ એક હપ્તા કૌભાંડનો પર્દાફાશ થોડા સમય પહેલા રાજકોટમાં ભાસ્કરે કર્યો હતો જેમાં આ વિભાગના અધિકારીઓ રજિસ્ટ્રેશન ન થયું હોય તેવા કારખાનામાં જઈને ઉઘરાણા કરતા હતા.
જો સાગર સોલ્ટને નોટિસ આપીને સુરક્ષા અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવા દબાણ કરાયું હોત તો ત્યાં બધી જ ગુણવત્તાની ચકાસણી થાત પણ એવું ન કરવાની ફેક્ટરી માલિકે સુરક્ષા વ્યવસ્થા પાછળ ખર્ચ ન કરતા 12 લોકોએ જીવ ગુમાવવાનો કપરો સમય આવ્યો છે તેથી જેટલા જવાબદાર ફેક્ટરીના સંચાલકો છે તેટલા જ જવાબદાર વિભાગના અધિકારીઓ પણ છે.
મૃતકો
અમે કામ ચાલું રાખ્યું હોત તો દટાઈ ગયા હોત
અમારે મીઠાનો માલ ખાલી થઇ ગયો હતો. અમે માલ ખોદ્યા વગર ભઠ્ઠી ચાલુ રાખીને ઘરે આવતા રહ્યા ને 2 કલાકમાં આ ઘટના બની. જો અમે કામ ચાલુ રાખ્યું હોત તો અમે પણ દટાઇ ગયા હોત.’ > જડીબેન ભરવાડ, સાથી મજૂર
10 મિનિટ પહેલાં લાલાભાઈથી છૂટા પડ્યા હતા
લાલાભાઈ ખાસ મિત્ર હતા. બપોરે આવતા ત્યારે અમે સાથે ઊભા હતા. બંનેએ સાથે બીડી પણ પીધી હતી. પછી તે કહે ચાલો ત્યારે હું હવે જાઉં કામ પૂરી કરી દઉં, ત્યાં તેમના પત્ની આવ્યા એટલે તે એટલે તે બંને સાથે ચાલતા થયા.’ > ભગવાનભાઈ મુંધવા, મૃતક લાલાભાઈના મિત્ર
મૃતક ડાહ્યાભાઈ કચ્છથી મંગળવારે આવ્યા હતા
ડાયાભાઈ કચ્છના રાપરના કુંભારયા ગામના વતની છે. તેઓ અહીં 15 વર્ષથી રહેતા હતા અને ફૅક્ટરીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. વતનમાં લગ્નનો પ્રસંગ હતો. આથી તે પરીવાર સાથે વતનમાં ગયા હતા. જ્યાંથી મંગળવારે સાંજે જ આવ્યા હતા. બુધવારની વહેલી સવારે 5 વાગે કામે ગયા હતા અને બપોરના સમયે બનેલી ઘટનામાં પરિવારના 3 વ્યકિતના મોત થઇ ગયા હતા.
આ રીતે સમજો જોખમ કઈ રીતે અટક્યું હોત
ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ઓફિસરે પોતાના વિસ્તારમાં આવતા દરેક કારખાનામાં જઈને જે કારખાનામાં 20થી વધુ કર્મચારી કામ કરતા હોય તેના રજિસ્ટ્રેશન કરાવવાના હોય છે. આ માટે એમેનેબિલિટી એટલે કે કારખાનામાં શ્રમિકો માટે સુરક્ષા અંગેની તપાસ કરવાની હોય છે.
આ ઉપરાત ફેક્ટરીના સ્ટ્રક્ચરની ગુણવત્તા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવા સૂચના આપવાની હોય છે અને તે મેળવાય તો જ ઉત્પાદન ચાલુ કરવા દેવાનું હોય છે. જો સાગર સોલ્ટમાં આ નિયમનું પાલન કરાવ્યું હોત તો સુરક્ષાને લગતા છીંડા સામે આવત અને તેમાં સુધારો થતા શ્રમિકો પર આવેલા જોખમને અટકાવી શકાયું હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.