હોમટાઉનમાં રૂપાણી 'ઘેરહાજર'!:રાજકોટમાં આંતરિક જૂથવાદ શમતો જ નથી, CMનો રોડ શો, અંડરબ્રિજનું લોકાર્પણ કે પાટીલની બેઠક હોય, પૂર્વ CM કેમ આવતા નથી

રાજકોટ4 મહિનો પહેલા
31 ડિસેમ્બરે મુખ્યમંત્રીના રોડ શોમાં પાટીલ હોવાથી વિજય રૂપાણી એમાં જોડાયા નહોતો. - Divya Bhaskar
31 ડિસેમ્બરે મુખ્યમંત્રીના રોડ શોમાં પાટીલ હોવાથી વિજય રૂપાણી એમાં જોડાયા નહોતો.
  • સ્થાનિક કાર્યક્રમોમાં આમંત્રણપત્રિકામાં નામને લઈ દર વખતે વિવાદનો ફણગો ફૂટે છે
  • કોંગ્રેસે કહ્યું, આ તો ભાઈ અને ભાઉની લડાઈ, રૂપાણીને સાઈડલાઈન કરી અન્યાય કરે છે
  • જાણીજોઈને રૂપાણીનું નામ નથી લખાતું કે પછી કટ ટુ સાઈઝ કરવાનો ભાજપનો ખેલ

વિજય રૂપાણી મુખ્યમંત્રીપદ પરથી ઊતર્યા બાદ મોટા ભાગનો સમય રાજકોટમાં પોતાના ઘરે પસાર કરી રહ્યા છે. ત્યારે ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણપત્રિકામાં તેમનું નામ ન હોવાને લઈને દર વખતે વિવાદનો નવો ફણગો ફૂટે છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે. સ્થાનિક ભાજપના કાર્યક્રમોમાં મોટા ભાગે તેઓ હાજર રહેતા નથી અને દર વખતે વાદ વાદ ચરમસીમાએ આવી જાય છે. શું ભાજપમાં આંતરિક જૂથવાદના લબકારા હજુ શમ્યા નથી એવો સવાલ ઊઠ્યો છે. CMનો રોડ શો હોય, અંડરબ્રિજનું ઓપનિંગ કે પછી પાટીલની બેઠક હોય, દર વખતે રૂપાણી હાજર રહેતા ન હોવાથી નારાજગી કે જૂથવાદ જવાબદાર હોવાનું સ્પષ્ટ થાય છે.

આમંત્રણપત્રિકામાં રૂપાણીના નામની બાદબાકી
સ્થાનિક ભાજપના કોઈપણ કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલાં લખાતું હોય છે, પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌકોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રાજકોટમાં હાલમાં થાય છે.

ગઈકાલે લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં રૂપાણીની ગેરહાજરી હતી.
ગઈકાલે લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં રૂપાણીની ગેરહાજરી હતી.

CMના રોડ શોમાં પાટીલ ગયા પછી રૂપાણી હાજર થયા હતા
ગઈકાલે લક્ષ્મીનગર અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પણ કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં વિજય રૂપાણીના નામની બાદબાકી જોવા મળી હતી. આ આમંત્રણપત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ લખવામાં આવ્યાં હતાં, ફક્ત વિજય રૂપાણીનું નામ છપાયું ન હતું. આ ઘટનાથી રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પહેલાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ રાજકોટ આવ્યા ત્યારે એરપોર્ટમાં સભા કરી અને ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. એ સમયે પણ વિજય રૂપાણી રાજકોટમાં હોવા છતાં પણ રોડ શોમાં જોડાયા નહોતા. બાદમાં પાટીલ રોડ શોમાંથી જતા રહ્યા અને પછી ધર્મેન્દ્ર કોલેજમાં સભા સમયે રૂપાણીએ મોઢું બતાવ્યું હતું.

31 ડિસેમ્બરે મુખ્યમંત્રીની સાથે પાટીલ હોવાથી વિજય રૂપાણી રોડ શોમાં ગેરહાજર રહ્યા અને પાટીલના ગયા પછી અચાનક રૂપાણી હાજર થયા હતા.
31 ડિસેમ્બરે મુખ્યમંત્રીની સાથે પાટીલ હોવાથી વિજય રૂપાણી રોડ શોમાં ગેરહાજર રહ્યા અને પાટીલના ગયા પછી અચાનક રૂપાણી હાજર થયા હતા.

મંત્રી અરવિંદ રૈયાણી અને મેયર પ્રદીપ ડવે શું કહ્યું?
આ અંગે રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે જ્યારે કોઇ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે તેઓ હાજર રહેશે કે કેમ એ અંગેની માહિતી પૂછવામાં આવે છે અને તેઓ હાજર રહેવાના છે કે કેમ એ અંગેની માહિતી આપવામાં આવે છે. રૂપાણીના નામ અંગે રૈયાણીએ કહ્યું હતું કે વિજય રૂપાણી અમારા આદર્શ છે, મારી કારર્કિદીમાં તેમનો સિંહફાળો છે. તેઓ અમારા દિલમાં છે. કોઇપણ કાર્યક્રમમાં સીએમ હાજર હોય ત્યારે પૂર્વ સીએમનો પ્રોટોકોલ જળવાય એ રીતે તેમના નામ રાખવામાં આવતા નથી. પાર્ટીમાં શિસ્ત છે અને તમામ નેતાઓના સન્માન જળવાય એ રીતે નામ લખવામાં આવે છે, આથી વિજય રૂપાણીનું નામ સન્માન જળવાય એ માટે લખવામાં આવ્યું નથી. તેમણે ભાજપમાં કોઇ આંતરિક જૂથવાદ ન હોવાનો દાવો કર્યો હતો. મેયરે પણ અરવિંદ રૈયાણીના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેમનું નામ ન લખ્યું હોવાનો દાવો કર્યો હતો.

ભાઇ અને ભાઉ વચ્ચેની લડાઇ છે- ડો.હેમાંગ વસાવડા
આ અંગે કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું, ડો.વસાવડાએ કહ્યું હતું કે રાજ્યમાં ભાઇ અને ભાઉ વચ્ચેની લડાઇ ચાલી રહી છે. ધારાસભ્યના વિસ્તારમાં લોકાર્પણ થતું હોય અને તેમનું જ નામ સામેલ ન હોય તેવો પ્રોટોકોલ કઇ રીતે હોય એ સમજાતું નથી. રાજ્ય સરકાર વિજય રૂપાણીને સાઇડલાઇન કરી રહી છે અને તેમની સાથે અન્યાય કરી રહી છે.

15 નવેમ્બરના રોજ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રામ મોકરિયાને રૂપાણીએ બેસી જવાનું કહેતાં વિવાદ થયો હતો.
15 નવેમ્બરના રોજ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રામ મોકરિયાને રૂપાણીએ બેસી જવાનું કહેતાં વિવાદ થયો હતો.

રૂપાણીનું આમંત્રણપત્રિકામાં નામ કટ થતાં કોંગ્રેસને પેટમાં બળ્યું
પત્રિકામાં રૂપાણીનું નામ ન હોવાને લઈને કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ અંડરબ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આખા કામની અંદર તેમની ગેરહાજરી જ દર્શાવે છે કે તેમને મુખ્યમંત્રીપદેથી દૂર કરવામાં આવ્યા એ મુજબ જ આજે તેમને દરેક સ્થળેથી દૂર રાખવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ભાજપની આ આંતરિક લડાઈ છે, રૂપાણીનું અસ્તિત્વ જ ખતમ કરવા ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ ચાલી રહી છે. ધારાસભ્યના વિસ્તારમાં લોકાર્પણ થતું હોય અને તેમનું જ નામ સામેલ ન હોય એવો પ્રોટોકોલ કંઇ રીતે હોય એ સમજાતું નથી. રાજ્ય સરકાર વિજય રૂપાણીને સાઇડલાઇન કરી રહી છે અને એની સાથે અન્યાય કરી રહી છે.

શું છે પ્રોટોકોલ?
સામાન્ય રીતે કોઇપણ મુખ્યમંત્રી કે મંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે એમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, પાર્ટીના પ્રમુખ, મનપાના મેયર સહિતના પદાધિકારીઓનાં નામ અચૂક હોય છે, ભલે તેઓ હાજર રહે કે ન રહે. જોકે ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રીના નામને લઇને અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ ભૂમિકાઓ રજૂ થઇ રહી છે. લક્ષ્મીનગર અંડરબ્રિજનો પ્રશ્ન રાજકોટ પશ્વિમ કે જે વિજય રૂપાણીના મત વિસ્તાર અને દક્ષિણ, જે ગોવિંદ પટેલના મત વિસ્તારને જોડતો બ્રિજ છે, એટલે કે આ વિસ્તાર માટે ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. એમાં પણ વિજય રૂપાણી હવે ધારાસભ્ય છે, તેથી તેમનું નામ અચૂક આવવું જોઇએ.

અગાઉ જાહેરમાં ભાજપ વચ્ચે વિવાદ દેખાયો હતો
આ પહેલાંના એક કાર્યક્રમમાં પણ ભાજપનો જૂથવાદ સામે આવ્યો હતો. બે મહિના પહેલાં પણ રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં પણ આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સત્તામાં બેઠેલા રાજ્યસભાના MP રામ મોકરિયા અને રૂપાણી વચ્ચે સ્ટેજ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં સી.આર. પાટીલને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો હતો કે રાજકોટ ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી. જો આવું જ હોય તો પછી રૂપાણી કેમ ક્યાંય આવતા નથી કે પછી કોઈનું માનતા નથી એ પણ મોટો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...