સ્વાસ્થ્ય સાથે ચેડાં:તેલ-હળદર ભેળવીને ગાયના ઘીના નામે વેચાણ થતું હોવાનો ધડાકો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધના સેમ્પલ લેવાયા, 6 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના અપાઇ
  • ​​​​​​​શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ પર તંત્રની ધોંસ

શહેરમાં લોકોના આરોગ્ય સાથે કેટલાક વેપારીઓ ચેડાં કરતા હોવાનું અગાઉ અનેક વખત ખુલ્યું છે, મહાનગરપાલિકાની ટીમે બે સ્થળે ઘીના નમૂના લીધા હતા, જેમાં તેલ અને હળદર ભેળવીને ગાયના ઘીના નામે વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું, આ ઉપરાંત એક ખાનગી ડેરીમાંથી દૂધના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ 6 પેઢી પાસે લાઈસન્સ ન હોવાથી કડક સૂચના અપાઈ હતી.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું હતું કે, કેવડાવાડી મેઇન રોડ પર આવેલી કૃષ્ણ વિજય ડેરી ફાર્મમાંથી ગાયનું ઘી (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો જે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, ઘીમાં ઓઇલ અને હળદરની હાજરી મળી આવી હતી, તેમજ વિનાયકનગરમાં જલારામ ઘી ડેપોમાંથી પણ ગાયનું શુદ્ધ ઘી (લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ઓઇલની હાજરી મળી હતી.

આ ઉપરાંત પંચવટી મેઇન રોડ પર અર્હમ હોસ્પિટલ પાસેની ચામુંડા ડેરી ફાર્મમાંથી દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રાખી વિશ્વેશ્વર મેઇન રોડ, ખીજળાવાળો રોડ, મવડી વિસ્તારમાં આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી હતી, જેમાં ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ સહિત 18 ખાદ્ય વસ્તુના નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્થળ પર છ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થો મામલે સખત ચેકિંગ ચાલુ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...