તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીએ પરીક્ષાના કેન્દ્રો બદલ્યા:યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર 100 કિ.મી. દૂર!

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્પર્ધાત્મક પરીક્ષાને કારણે યુનિવર્સિટીએ પરીક્ષાના બે દિવસ અગાઉ કેન્દ્રો બદલ્યા

કોરોનાના કેસ ઘટતા સરકારે હવે કોલેજ અને યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવાની મંજૂરી આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા આગામી તારીખ 8 જુલાઈથી શરૂ થઇ રહી છે. અંદાજિત 30 હજાર વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયોની પરીક્ષા આપવાના છે ત્યારે સૌરાષ્ટ્રમાં છ જિલ્લામાં કુલ 128 કેન્દ્ર ઉપર પર તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે 100 કિ.મી. દૂર જવું પડશે.

ઊનાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જૂનાગઢ આવવું પડશે. આ ઉપરાંત ઘણા દૂરના તાલુકા-ગામડાંના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીએ નક્કી કરેલા છ જ જિલ્લામાં પરીક્ષા આપવા આવવું પડશે. 8 જુલાઈથી પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના બે દિવસ અગાઉ જ રાજકોટ અને જામનગરમાં કેન્દ્રો બદલાવતા વિદ્યાર્થીઓએ ફરીથી નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડી હતી. યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં રાજકોટમાં 46 કેન્દ્ર અને 7 ભવનમાં વ્યવસ્થા ગોઠવી છે. મોરબીમાં 13 સેન્ટર, જૂનાગઢમાં 3, અમરેલીમાં 32, જામનગરમાં 14 અને સુરેન્દ્રનગરમાં 13 કેન્દ્રમાં પરીક્ષા લેવાશે.

કોર્સની ફી કરતા પરીક્ષા આપવાનો ખર્ચ વધશે
યુનિવર્સિટીની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને સો-સો કિ.મી. દૂર કેન્દ્ર ફાળવાયું છે. દા.ત ઊનાનો કોઈ વિદ્યાર્થી દરરોજ ઊનાથી જૂનાગઢ પરીક્ષા આપવા આવે અને પરત જાય તો એસ.ટીનું ભાડું જ અંદાજિત રૂ. 200 થાય અને આખી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં એક વિદ્યાર્થીને પરિવહન, નાસ્તા-જમવાનો ખર્ચ કોર્સની ફી કરતા પણ વધી જાય તેવું બને.

અન્ય સમાચારો પણ છે...