શહેરના ભોમેશ્વર પ્લોટમાં રહેતા અને વડાળી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિતલબેન મનસુખભાઇ સોઢાતર નામની મહિલાએ તેના પૂર્વ પતિ પ્રદીપ હસમુખ રેણુકા સામે પોતાને તેમજ માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાની ફરિયાદ મુજબ, પ્રદીપ સાથે 2007માં લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્ર છે. પતિ સાથે મનમેળ નહીં થતા મંગળવારે જ તેની સાથે છૂટાછેડા લીધા છે અને પોતે ભોમેશ્વરમાં માતા-પિતા સાથે રહે છે. દરમિયાન છૂટાછેડાનો ખાર રાખી પ્રદીપ ઘરે આવ્યો હતો અને જોરજોરથી ગાળો બોલી ડેલામાં પાટા મારી દેકારો મચાવ્યો હતો.
દરવાજો નહિ ખોલતા તેને પોતાનો હાથ પકડી ઇજા પહોંચાડી હતી. બાદમાં પોતે સારવાર માટે હોસ્પિટલ ગઇ હતી. પરત ઘરે આવતા પ્રદીપે ભાઇને ફોન કરી તારી બેનને નોકરી પર એકલા મોકલજે હું તેને જોઇ લઇશ તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન આજે સવારે માતા ઘર બહાર ઊભા હોય તેમને માર મારી ધમકી આપી હતી. આમ ઘરે તેમજ સ્કૂલે આવી પરેશાન કરતો હોય પૂર્વ પતિ પ્રદીપ સામે અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.