આગાહી:માવઠું 5 દિવસ રહેશે, રોગચાળો 1 મહિનો વકરશે; આ સ્થિતિ વાયરસજન્ય રોગચાળાને ખૂબ ફેલાવે છે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવામાનમાં ભેજનું પ્રમાણ વધે છે અને બફારો પણ રહે છે
  • વરસાદ પડશે તો પાકેલા ઘઉંમાં સફેદ દાગ પડી જશે અને ચમક પણ ગુમાવશે, ભેજના કારણે ધાણામાં પણ નુકસાની થશે

રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી પાંચ દિવસ સુધી માવઠું રહે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં બુધવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. રાજ્યમાં H3N2 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શરદી, ઉધરસ અને તાવના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાએ પણ સ્પીડ પકડી છે ત્યારે પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તો હાલમાં જે રોગચાળાની સ્થિતિ છે તેમાં પણ ઝડપ આવવાની પૂરેપુરી સંભાવના છે. આથી આગામી 30 દિવસ સુધી ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોએ ખાસ તકેદારી રાખવા તબીબોએ સૂચન કર્યું છે.

24 કલાકમાં 7 ડિગ્રી તાપમાન ઘટ્યું; રાજકોટમાં છાંટા પડ્યા, ભેજ વધ્યો
સતત ભેજ અને વાદળછાંયા વાતાવરણને કારણે તેની અસર ખેતી અને યાર્ડમાં આવતી જણસી પર જોવા મળી છે. ખેડૂત હિરજીભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે, માવઠા અને ભેજને કારણે ઘઉં, ધાણા અને જીરાના પાક પર તેની અસર જોવા મળશે. જો માવઠું થશે તો તૈયાર પાક ઘઉંનો જે સોનેરી કલર હોય છે તે ઘટી જશે અને તેમાં સફેદ ટપકા આવશે જેને ખેતીની ભાષામાં કોઢિયા કહેવાય છે.

જીરામાં પણ નુકસાની જાશે તેને જે ઓરિજિનલ સુંગધ ઘટી જાશે. તો સૂર્યપ્રકાશ નહીં મળવાને કારણે ફુગના રોગ વધી જવાની સંભાવના છે. તો ધાણામાં ચમક ઘટી જાશે. વધુમાં ખેડૂતના જણાવ્યાનુસાર અત્યારે વાતાવરણમાં પલટો આવતા જે ખેતરમાં જે ઘઉં પાંચ દિવસ પછી કાઢવાના છે તેને અત્યારથી જ ખેડૂતો કાઢી રહ્યા છે. માવઠાની આગાહીને લઈને હાલ યાર્ડમાં ખેડૂતોને માલ ઢાંકીને લાવવાની સૂચના આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાય, રાયડો તથા મેથીની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ઘઉં, ચણા, ધાણા, સૂકા મરચામાં ટોકન મુજબ જ આવક આવવા દેવામાં આવશે.

બે વિદેશી સહિત આઠને કોરોના; વાયરસ માટે સાનુકૂળ સ્થિતિ થશે
રાજકોટ શહેરમાં નવેમ્બર બાદ અચાનક કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. બુધવારે એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસ આવ્યા છે. આ આઠ કેસમાં લંડનથી આવેલા અને હોટેલમાં રોકાણ કરેલા બે વૃધ્ધનો સમાવેશ થાય છે. આ સિવાય અંબિકા ટાઉનશિપ, મવડી ચોક શ્રીનાથજી સોસાયટી, રાજનગર નાના મૌવા રોડ, સદગુરૂનગર સંતકબીર રોડ, નેહરૂનગર નાનામૌવા રોડ પરથી એક એક કેસ આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 20 થઈ છે અને તેમાંથી બે દર્દી હોસ્પિટલાઈઝ છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે કે, ભેજ અને ગરમી બંને વાયરસ માટે સાનુકુળ સ્થિતિ ગણાય છે. આ કારણે વાયરસ લાંબો સમય જીવી શકે છે અને વાતાવરણમાં વધુ દૂર સુધી જઈ શકે એટલે કે ટ્રાન્સમિશન વધે છે. આવી સ્થિતિમાં લોકોએ કારણ વગર ભીડમાં અને બહાર જવાનુ ટાળવુ જોઈએ. મોઢું ઢાંકીને રાખવું જોઈએ અને માસ્કનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. આવા સમયે ખોરાક પણ મહત્વનો ભાગ ભજવે છે. બહારનો કોઇપણ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...