કૌભાંડ:ઈજનેરે 1.26 કરોડ રૂપિયા એડવાન્સ આપી દીધા, બે કંપની કામ કર્યા વિના ભાગી ગઈ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઈજનેર અને બે સંસ્થાએ આચર્યું મસમોટું કૌભાંડ
  • 31 ગામમાં પાણી પુરવઠા યોજના માટે કોન્ટ્રાક્ટ ગાંધીનગરની બે પેઢીને અપાયો’તો

ગામોને પીવાલાયક પાણી પૂરું પાડવા માટે અસંખ્ય યોજનાઓ ચાલી રહી છે તેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઈજનેર અને બે સંસ્થાએ 1 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, બોર્ડે આ મામલે ઈજનેર સામે કોઇ પગલાં લીધા જ નથી અને આ બધાની વચ્ચે જે ગામો માટે પાણી વિતરણ મંજૂર થયું હતું તેઓ હજુ પણ વંચિત હોવાનું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે.

દાહોદ જિલ્લાના 31 ગામને પીવાલાયક પાણી પૂરું પાડવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઈજનેરે 4.40 કરોડ રૂપિયાની 31 પાણી પુરવઠા યોજનાનું કામ ગાંધીનગરની બે સંસ્થા કબીર ટ્રસ્ટ(13 યોજના, 2.17 કરોડ) અને નવજાગૃતિ સાર્વજનિક ટ્રસ્ટ (18 યોજના, 2.23 કરોડ)ને ચાર મહિનાની મુદ્દતમાં પૂરું કરવાની શરતે 2012માં આપ્યું હતું. નીતિ નિયમો નેવે મૂકીને ઈજનેરે કામ શરૂ થતા પહેલા જ કબીર ટ્રસ્ટને 82 લાખ, જ્યારે નવજાગૃતિ ટ્રસ્ટને 43.70 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવી દીધા હતા. કબીર ટ્રસ્ટે 50 લાખનું કામ કરી કામ છોડી દીધું હતું, જ્યારે નવજાગૃતિ ટ્રસ્ટે તો કામ હાથ પર જ લીધું ન હતું. એટલે કે એક કરોડ રૂપિયા જેટલી રકમ ઓળવી ગયા હતા.

આ બંને સંસ્થાને પાણી પુરવઠા બોર્ડે નોટિસ આપી હતી પણ એડવાન્સ પરત કર્યા ન હતા આખરે 3 વર્ષ પછી ઈજનેર અને બંને સંસ્થા સામે કોર્ટ કેસ દાખલ કરવા હુકમ કર્યો હતો. જો કે માત્ર બે સંસ્થા વિરુદ્ધ જ કેસ દાખલ થયો હતો જ્યારે ઈજનેર વિરુદ્ધ કોઇ કાર્યવાહી થઈ ન હતી. ઓડિટની બેઠકમાં ઈજનેર સામે શું કાર્યવાહી કરાઈ તે પ્રશ્ન કરાતા અગ્રસચિવે વિભાગીય કાર્યવાહી કરાઈ તેવો ઉત્તર આપ્યો હતો પણ શું કાર્યવાહી થઈ અને શું પગલાં લીધા તે કહ્યું જ નથી જેથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર કૌભાંડમાં ઈજનેરને બચાવી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...