શહેરમાં વધી રહેલા ચોરીના બનાવો વચ્ચે હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ તેના બે મિત્રોને ટિપ આપી પાંચ લાખની રોકડની ચોરી કરાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પ્રહલાદ પ્લોટમાં રહેતા વિવેક પંકજભાઇ કોટક નામના વેપારી યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પિતા સાથે કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરના નામથી વેપાર કરે છે. દરમિયાન ત્રણ માળની દુકાનને ગત તા.4ની રાતે બંધ કરીને ગયા હતા. સવારે રાબેતા મુજબ દુકાને આવ્યા બાદ અહીં કામ કરતા કર્મચારીએ ત્રીજા માળે આવેલા બાથરૂમનો દરવાજો તૂટેલો હોવાની વાત કરી હતી.
જેથી ત્યાં જઇ તપાસ કરતા કોઇ બાથરૂમની બારી કાઢી અંદર પ્રવેશી દરવાજો તોડી નાખ્યાનું જોવા મળ્યું હતું. તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હોવાની શંકાએ તુરંત નીચે આવી કાઉન્ટરની પાછળ રૂ.5 લાખની રોકડ ભરેલો થેલો તપાસ કરતા તે ગાયબ હતો. જેથી ચોરી થયાની શંકા દૃઢ બનતા તુરંત પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે એ ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોષી સહિતનો કાફલો દુકાને દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ કર્મચારીઓ પર શંકા જતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી.
જેમાં જંગલેશ્વર એકતા કોલોનીમાં રહેતો ગુલામહુશેન ઉર્ફે મોઇન કાદર બોઘાણી નામનો કર્મચારી ગોળ ગોળ વાતો કરતા તેની આકરી પૂછપરછ કરી હતી. આકરી પૂછપરછમાં તેને વટાણા વેરી દીધા હતા. મોઇને પોલીસને જણાવેલી વિગત મુજબ, માલિકે કાઉન્ટર પાછળ રોકડ ભરેલો થેલો રાખ્યો હોવાની તેને જાણ હોય જંગલેશ્વરમાં જ રહેતા મિત્રો અવેશ ગફાર પીલુડિયા અને ઇમરાન કાદર પીપરવાડિયાને દુકાનમાં ક્યાંથી પ્રવેશ કરવો તે અંગેની માહિતીઓ પૂરી પાડી રોકડ રૂપિયાની ચોરી કરવાની ટિપ આપી હતી.
જે ટિપ બાદ અવેશ અને ઇમરાન ગત તા.4ની રાતે દુકાનના ત્રીજા માળે પહોંચી બાથરૂમની બારી કાઢી દરવાજો તોડી રોકડા પાંચ લાખની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જે કબૂલાત બાદ પોલીસે અવેશ અને ઇમરાનને રૂ.5.06 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.