તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વૃદ્ધ માતાએ મકાન, FD માગતા પુત્રીએ માર મારી ધમકી દીધી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી પાસે આવશો તો મારી નાખીશ, ફિટ કરાવી દઇશ
  • ઘનશ્યામનગર અને કોઠારિયા કોલોનીમાં જુગાર દરોડા

જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું, આ કહેવત મુજબ પુત્રો પિતાને માર મારી ધમકી દીધા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવા જ એક ઊલટા કિસ્સામાં ત્યક્તા પુત્રીના નામે કરેલા મકાન અને એફડી વૃદ્ધ માતાએ માગતા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

રતનપર ગામે તુલસીપાર્કમાં રહેતા સુશીલાબેન જિતેન્દ્રભાઇ માણેક નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં, તેમને સંતાનમાં બે પુત્ર, બે પુત્રી છે. સૌથી નાની દીકરી હેતલના બે વખત લગ્ન થયા હતા. પરંતુ મનમેળ નહીં થતા છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નમાં તેને સંતાનમાં એક પુત્રી છે. પુત્રી હેતલના બે લગ્ન વિચ્છેદ થતા તેને અને પૌત્રીને પોતાની સાથે રાખી હતી. પુત્રીના નામે 12 લાખની એફડી ઉપરાંત બજરંગવાડીમાં ફ્લેટ, રતનપરમાં એક મકાન લઇ દીધું હતું. પુત્રી હેતલના નામે કોઠારિયા સોલવન્ટમાં એક ક્વાર્ટર પણ છે.

દરમિયાન પુત્રી હેતલ સાથે મિલકત મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હોય તે છેલ્લા ચાર મહિનાથી તેના નામે બજરંગવાડીમાં લઇ આપેલા ફ્લેટમાં એકલી રહેવા જતી રહી હતી. તેમ છતાં પુત્રી હેતલ રતનપર આવી ઝઘડાઓ કરતી હોય તેના નામે બેંકમાં રાખેલી 12 લાખની ફિક્સ ડિપોઝિટ અને રતનપરનું મકાન આપી દેવા કહ્યું હતું. જેથી તેને પરત આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં ફરી રતનપર ગામે ઘરે આવી ઝઘડો કરી ગાળો ભાંડી હતી. અને હવે મારા મકાન તરફ આવશો તો જાનથી મારી નાખીશ અને તમારી પાસે રહેતી મારી પુત્રીને ક્યાંક વહેંચી નાખીશ, બાદમાં પોતે દવા પી તમને બધાને ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. મામલો વધુ બિચકતા તેને પોતાને માર માર્યો હતો. પુત્રી હોવાથી તેના ત્રાસને નજરઅંદાજ કરી દીધો હતો. પરંતુ પુત્રી હેતલ પૌત્રીને પણ માર મારતી હોય અંતે ફરિયાદ નોંધાવી છે. કુવાડવા રોડ પોલીસમથકના એએસઆઇ આર.કે.ડાંગરે ગુનો નોંધી હેતલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય બનાવમાં કોઠારિયા કોલોનીમાં ભક્તિનગર પોલીસે જુગારના બે દરોડા પાડી 11 શખ્સને પકડી પાડ્યા છે. ઘનશ્યામનગર-15માં કિશનસિંહ સુખદેવસિંહ પરમારના રહેણાક મકાનમાં દરોડો પાડી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતા હતા.

અન્ય સમાચારો પણ છે...