શહેરની ભાગોળે ત્રંબામાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા વેપારી મિત્ર સાથે મહેફિલ માણવા બેઠા હતા, મિત્રના જતા રહ્યા બાદ આધેડ નશામાં ચૂર હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડ લૂંટી લીધા હતા, ઘવાયેલા આધેડને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રંબામાં રહેતા મુકેશભાઇ માવજીભાઇ અઘારા (ઉ.વ.47) ત્રંબા નજીક ગઢકા રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવતા તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી પરંતુ મુકેશભાઇ અર્ધબેભાન હોવાથી તેમની પૂછપરછ કરી શકી નહોતી.
અઘારા પરિવારે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મુકેશભાઇ શુક્રવારે મધરાતે બે વાગ્યે અણિયારાના તેના મિત્ર સાથે ગઢકા રોડ પર નશો કરવા ગયા હતા, અને ત્યાં બંને મિત્રએ નશો કર્યો હતો, મિત્ર રવાના થઇ ગયો હતો પરંતુ મુકેશભાઇ શનિવાર સવાર સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ શોધખોળ આદરતા ગઢકા રોડ પર મેદાનમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મુકેશભાઇ સોનાનો ચેઇન, લકી અને બે વીંટી પહેરતા હતા તેમજ તેમના ખિસ્સામાં રૂ.5 હજાર અને મોબાઇલ હતો જે તમામ ગાયબ છે. મિત્રના જતા રહ્યા બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેમને લૂંટી લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.