સ્કોર્પિયો ચોર ગેંગ પકડાઇ:રાજકોટમાંથી ચોરેલી કારમાં ડ્રગ્સ માફિયાએ રાજસ્થાનમાં બે પોલીસની હત્યા કરી’તી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં જુદા-જુદા સ્થળેથી વાહનચોરી કરી રાજસ્થાન ડ્રગ્સ માફિયાઓને વેચતા ચાર શખ્સો પોલીસ સકંજામાં. - Divya Bhaskar
ગુજરાતમાં જુદા-જુદા સ્થળેથી વાહનચોરી કરી રાજસ્થાન ડ્રગ્સ માફિયાઓને વેચતા ચાર શખ્સો પોલીસ સકંજામાં.
 • રાજકોટમાંથી બે સ્કોર્પિયો ઉઠાવી ગયા’તા, એકમાં પ્રયાસ કર્યો’તો, રાજકોટ પોલીસ ત્રણ મહિનાથી વોચમાં હતી અંતે સફળતા મળી
 • મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીધામ, આણંદ, નડિયાદ, પેટલાદ, સાણંદ, વડોદરા સહિતની ચોરીના ભેદ ખુલ્યા
 • ચોરાઉ કાર ડ્રગ્સ માફિયાઓને વેચી દેતા, બે કાર, કાર સ્કેનર, ચાર મોબાઇલ ડિસમિસ સહિત કુલ રૂ.7.35 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજસ્થાની વાહન ઉઠાવગીર ગેંગે રાજકોટમાં પાંચ મહિના પૂર્વે મોરબી રોડ જકાતાનાકા પાસે બાલગોપાલ હોટેલ નજીકથી કાળા કલરની સ્કોર્પિયો તેમજ ચાર મહિના પૂર્વે 150 ફૂટ રિંગ રોડ પરની એક સોસાયટીમાંથી કાળા કલરની સ્કોર્પિયોની ચોરી કરી હતી અને છ મહિના પહેલા પાટીદાર ચોકની બાજુમાંથી સ્કોર્પિયોની ચોરીનો પ્રયાસ કર્યો હતો. મોરબી રોડ પરથી ચોરી કરેલી સ્કોર્પિયો રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને વેચી દીધી હતી, તે સ્કોર્પિયો લઇને તા.10 એપ્રિલના રાત્રે 10 વાગ્યે ડ્રગ્સ માફિયાઓ અફીણના ડોડવાનો મોટો જથ્થો લઇને નીકળ્યા હતા અને ભીલવાડા જિલ્લાના કોટડી પોલીસ સ્ટેશનની હદમાં પહોંચ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ અમોરાજીએ સ્કોર્પિયો અટકાવવાનો પ્રયાસ કરતા ડ્રગ્સ માફિયાઓએ તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્કોર્પિયોનો કાચ ખોલી ફાયરિંગ કરી કોન્સ્ટેબલ ઓમકારજીની હત્યા કરી ભાગી ગયા હતા.

આ ઘટનાની થોડા દિવસ બાદ રાજસ્થાન પોલીસે ભીલવાડાના રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સ્કોર્પિયોનો પીછો કરતાં ડ્રગ્સ માફિયાઓએ લીરડિયા ખેડા ખાતે ફાયરિંગ કરી પીછો કરી રહેલા કોન્સ્ટેબલ પવનકુમારના માથામાં ગોળી મારી હત્યા કરી હતી. રાજકોટમાંથી ચોરી થયેલી સ્કોર્પિયોનો ડ્રગ્સ માફિયાઓએ ઉપયોગ કરી બે કોન્સ્ટેબલની હત્યામાં આ સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હતો.

યાંત્રિક ખામી અંગે પોલીસ કંપનીનું ધ્યાન દોરશે
રાજસ્થાની વાહન ઉઠાવગીર ગેંગ વાહન ચોરવામાં મહિન્દ્રા કંપનીની કાર પર વધુ ધ્યાન દેતા હતા. આરોપીઓએ કબૂલાત આપી હતી કે, મહિન્દ્રા કંપનીની ઇસીએમ તથા ઇમોબિલાઇઝર બદલાવવામાં અન્ય કંપનીની કાર કરતા ઓછો સમય લાગતો હોવાથી તે કારને ટાર્ગેટ કરતા અને રાજસ્થાનમાં આ કંપનીની ગાડીની વધુ ડિમાન્ડ પણ છે. ઇસીએમ તથાં ઇમોબિલાઇઝર આસાનીથી દૂર કરવાની યાંત્રિક ખામી અંગે રાજકોટ પોલીસ મહિન્દ્રા કંપનીનું ધ્યાન પણ દોરશે.

ગેંગના ચાર સાગરીતને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડ્યા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્કોર્પિયો સહિતના વાહનો ઉઠાવી જઇ ડ્રગ્સ માફિયાઓને તે વાહન સસ્તામાં વેચતી રાજસ્થાની ગેંગનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી ચાર શખ્સને ઝડપી લઇ બે કાર સહિત કુલ રૂ.7.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વાહન ઉઠાવગીર ગેંગે 18 ચોરીની કબૂલાત આપી હતી.

વાહન ઉઠાવગીર ગેંગ રાજસ્થાની શખ્સોની હોવાની અને તે છાશવારે રાજકોટ આવતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ ધાખડા, પીએસઆઇ રબારી, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મયૂરભાઇ પટેલ સહિતની ટીમ વોચમાં હતી, અનેક વખત પોલીસે પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથ આવી નહોતી, રાજસ્થાની ગેંગ વધુ એક શિકાર માટે આવી હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ફરી એલર્ટ થઇ હતી અને ગેંગના ચાર શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે રાજસ્થાનના આંબાકા ગામના ઓમપ્રકાશ ખંગારામ સુર્જનરામ ખીલેરી, નમલીપટલાને ગામના અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુનાથારામ ખીલેરી, પુરગામના ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ અને પાલડી ગામના પીરારામ લાડુરામ જાણીને ઝડપી લઇ બે સ્વિફ્ટ કાર, કાર સ્કેનર, જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટ, ચાર મોબાઇલ, બે ડિસમિસ અને ચાર અલગ અલગ નંબર પ્લેટ કબજે કરી હતી.

પોલીસની આગવીઢબની પૂછપરછમાં રાજસ્થાની ગેંગે પોતાની ગેંગમાં ચવાગામના મોટારામ મુળારામ કડવાસરા, મોખાત્રાના બંશીલાલ અન્નારામ ખીલેરી, પનોરિયાના ઓમપ્રકાશ ઉર્ફે પિન્ટુ મંગલારામ ખીલેરી અને અરણાયના ઓમપ્રકાશ જોરારામ ખીલેરી હોવાની કબૂલાત આપી હતી તથા આ ગેંગે આણંદ, ગાંધીધામ, મોરબી, નડિયાદ, પેટલાદ, રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીધામ અને ગુડગાવમાંથી કુલ 18 કાર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, આ ગેંગ ખાસ કરીને સ્કોર્પિયોની જ ચોરી કરતી હતી અને સ્કોર્પિયો ચોરી કરી ડ્રગ્સ માફિયાઓને વેચી દેતા હતા. ડ્રગ્સની હેરાફેરીમાં ચોરાઉ વાહનનો ઉપયોગ થતો હતો. પોલીસે અન્ય ચારને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

કીમિયો: કારનો નાના કાચની રિબિન કાઢી દરવાજો ખોલતા

 • તસ્કર ગેંગ રાત્રીના 10 વાગ્યે કારની રેકી કરી કાર જોઇ જતા, રાત્રે 2 વાગ્યે કારની ચોરી કરતા
 • કાર ચોરતા પહેલા કારની નીચે જઇને કારના સાયરનનો વાયર કાપી નાખતા
 • કારના વચ્ચેના દરવાજાના બે કાચ પૈકી નાના કાચની રિબન કાઢી ડિસમિસથી કાચ કાઢી નાખતા
 • કાચ કાઢ્યા બાદ હાથ અંદર નાખી દરવાજો ખોલી ગાડીમાં બેસી જતા
 • સ્ટિયરિંગ વ્હિલની નીચે આવેલા ઇમોબિલાઇઝરના સ્ક્રૂ ખોલી ઇમોબિલાઇઝર કાઢી પોતાની સાથે લાવેલું ઇમોબિલાઇઝર ફિટ કરી દેતા
 • બોનેટ ખોલી તેમાંથી ઇસીએમ કાઢી પોતાની સાથે લાવેલું ઇસીએમ લગાવી નાખતા
 • કાર ચાલુ કરવામાં એરર આવે તો કાર સ્કેનરથી ફોલ્ટ સ્કેન કરી ફોલ્ટ દૂર કરી કાર હંકારી જતાં

કારમાંથી GPS કાઢી ફેંકી દેતા, ચેસિસ નંબર પર ગ્રાઇન્ડર ઘસી નાખતા
કાર ચોરી કર્યા બાદ કારને ચેક કરતા અને કોઇ વાહનમાં જીપીએસ લાગેલું હોય તો તે દૂર કરીને ફેંકી દેતા જેથી પકડાય નહીં. ચોરાઉ કાર પોતાના વતનમાં લઇ ગયા બાદ ત્યાં નંબર પ્લેટ કાઢી કારના ચેસિસ નંબર પર ગ્રાઇન્ડર મશીનથી ઘસી નાખતા જેથી કારના સાચા માલિકની ઓળખ થાય નહીં. જે વિસ્તારમાં ચોરી કરવા જાય ત્યારે પોતાની કારમાં તે વિસ્તારની નંબર પ્લેટ લગાવી દેતા જેથી કોઇને શંકા ઉપજે નહીં.

15 થી 20 લાખ રૂપિયાની કાર ડ્રગ્સ માફિયાઓને 2 થી 3 લાખમાં વેચી દેતા
ગુજરાતમાંથી વાહન ચોરી કર્યા બાદ રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને તે વાહન વેચી દેતા હતા, ડ્રગ્સ માફિયાઓ ચોરાઉ વાહનનો ઉપયોગ કરતા જેથી પોલીસ પીછો કરે ત્યારે વાહન મૂકીને ભાગી જાય અને પોતાની ઓળખ સ્પષ્ટ થાય નહીં. રાજસ્થાની ગેંગ 15 થી 20 લાખની કિંમતનું વાહન ચોરી કરતા હતા જે ડ્રગ્સ માફિયાઓને માત્ર 2 થી 3 લાખ રૂપિયામાં વેચી રોકડી કરી લેતા હતા

અન્ય સમાચારો પણ છે...