સારવાર:આઈસોલેશનમાં રખાયેલા દર્દીનું બીપી, ટેમ્પરેચર અને ઓક્સિજન કેટલું છે તેનો મેસેજ તબીબને મળશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીના પળે-પળના રિપોર્ટ મોબાઈલમાં મળી શકે તેવી વિદ્યાર્થીએ વિકસાવી ડિવાઈસ
  • દર્દી ઘરની બહાર નીકળશે એટલે નજીકના પોલીસ મથક અને મનપાની ટીમને મેસેજ થઇ જશે

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓનું મેડિકલ ચેકઅપ જેવા કે બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ, બોડી ટેમ્પરેચર માપવા જરૂરી હોય છે ત્યારે તેને તપાસવા આવતી બીજી કોઇ વ્યક્તિએ પીપીઇ કિટ પહેરીને આવવું પડે છે અને છતાં તેને ચેપ લાગવાના ભયસ્થાન રહેલા છે ત્યારે આવા દર્દીઓની મોનિટરિંગ માટે રાજકોટના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ અદ્યતન આઇઓટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ બનાવી છે.

રાજકોટની વીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કરતા વિશાલ ત્રિવેદી નામના સંશોધકે જણાવ્યું હતું કે આઇઓટી બેઝડ પેશન્ટ(દર્દી) મોનિટરિંગના કારણે દર્દીનું ઓક્સિજન લેવલ 95ની નીચે જશે એટલે તુરંત જ ડોક્ટરના કોમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન પર પોપઅપ મેસેજ આવશે. આ ઉપરાંત દર્દીને એક બેલ્ટ પહેરાવાય છે આ બેલ્ટમાં જીપીએસ સિસ્ટમ હોવાથી હોમ આઈસોલેશનમાં રહેલ દર્દી જો તેના ઘરથી બહાર નીકળશે તો પોલીસ સ્ટેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને મેસેજ મળી જશે.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે
આ સિસ્ટમમાં ટેમ્પરેચર સેન્સર, બ્લડપ્રેસર સેન્સર અને ઓક્સિજન સેન્સરમાંથી દર્દીના ડેટા લેવામાં આવે છે. રાસબરી પાઇ અને આરકયુ બોર્ડમાં આ એનાલોગ અને ડિજિટલ સેન્સરમાંથી આવતો ડેટા રેકર્ડ કરવામાં આવે છે. આ બન્ને ડિવાઇસ જીએસએમ સિસ્ટમ અને વાઇફાઇના માધ્યમથી ઇન્ટરનેટથી કનેક્ટ કરેલા છે અને ઇન્ટરનેટ દ્વારા કલાઉડ સર્વર ઉપર બધા સેન્સરમાંથી આવતો દર્દીનો ડેટા સ્ટોર કરવામાં આવે છે. તેમજ આવેલા ડેટાનું એનાલિસિસ કરતું સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે, જે સારવાર આપતી હોસ્પિટલ અથવા ડોક્ટર્સના કમ્પ્યુટર અને મોબાઇલ સાથે કનેક્ટેડ રહે છે ડોકટર્સ પાસે દર્દીનો ડેટા સતત કલાઉડના માધ્યમથી આવે છે. આની અંદર ટેમ્પરેચર, બ્લડપ્રેસર અને ઓક્સિજનની નિયત માત્રાના સેટિંગ રાખવામાં આવ્યા છે. જો કોઇપણ દર્દીનું ઓક્સિજનનું લેવલ 95થી નીચે જાય તો ડોકટર્સના કમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન પર પોપઅપ મેસેજ કરવામાં આવે છે અને દર્દીને હોસ્પિટલ શિફટ કરી ઓક્સિજન કંટ્રોલ કરવા તેવો મેસેજ મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...