તબીબોના ઈન્ટરવ્યૂ:કોરોના વખતે જ ‘ગાયબ’ થયેલા ડોક્ટરને હવે ‘કાયમી’ થઇ જવું છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય અધિકારીની નિમણૂક માટે તબીબોના ઈન્ટરવ્યૂ લેવાયા
  • કેસ વધ્યા ત્યાં જ ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ફોન બંધ કરી ભાગી ગયા હતા, કમિશનરને વિભાગમાં જાણ કરવી પડી’તી

રાજકોટ મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ એટલે કે આરોગ્ય અધિકારીની જગ્યા ઘણા સમયથી ખાલી છે. આ માટે એક વખત ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે બાદમાં તેને મુલતવી રાખી હતી. હવે ફરીથી આ ભરતી પ્રક્રિયા હાથમાં લેવાઈ છે અને ગુરુવારે 6 તબીબના ઈન્ટરવ્યૂ લેવાયા હતા જેમાં ડો. રિંકલ વિરડિયા પણ આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી હતી અને આ દરમિયાન કોરોનાને લઈને લોકડાઉન જાહેર થયું હતું તેથી રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.રિંકલ વિરડિયાને ડેપ્યુટેશન પર મનપાના આરોગ્ય અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. જેવી પહેલી લહેર આવી કે અચાનક જ ડો. વિરડિયા ગાયબ થઈ ગયા હતા. તેમના ફોન બંધ આવતા હતા અને તેઓ ક્યાં ગયા તેનો ખ્યાલ મનપા કે જિલ્લા આરોગ્ય તંત્રને પણ ન હતો.

જેથી સતત દોઢ મહિના સુધી આરોગ્ય અધિકારી વગર મનપા રહી હતી અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે ગાંધીનગર આ મુદ્દાને લઈને જાણ કરી બેદરકારી સામે લાવતા અન્ય જિલ્લામાંથી નિમણૂક અપાઈ હતી. જ્યારે હવે કાયમી ભરતી ચાલુ થઈ છે ત્યારે નિમણૂક માટે ડો. રિંકલ વિરડિયા ઈન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ડો. વિરડિયા સહિત કુલ 6 ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે હાજર રહ્યા હતા જેમને મનપા કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી, સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓની પેનલે પ્રશ્નો કરી મનપામાં આરોગ્ય અધિકારી બનવાની લાયકાત ધરાવે છે કે નહિ તે ચકાસ્યુ હતું. ઈન્ટરવ્યૂ બાદ એક્સપર્ટ પેનલ પદાધિકારીઓને ભરતી માટે નામનું સૂચન કરશે બાદમાં સામાન્ય સભામાં ઠરાવ કરાશે.

અન્ય સમાચારો પણ છે...