તબીબનો ભાંડો ફૂટી ગયો:ડોક્ટર દારૂ પીને કરતા હતા દર્દીની સારવાર

રાજકોટ2 મહિનો પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા
  • કૉપી લિંક
ઈમર્જન્સી રૂમમાં બેઠેલા તબીબ, પોલીસે ખાનું ખોલાવ્યું - Divya Bhaskar
ઈમર્જન્સી રૂમમાં બેઠેલા તબીબ, પોલીસે ખાનું ખોલાવ્યું
  • દિવ્ય ભાસ્કરને માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર ભાર્ગવના ધ્યાને વાત મૂકતાં ગણતરીની મિનિટોમાં તબીબને પકડી પાડ્યો
  • દર્દીને તપાસી ડોક્ટર રૂમમાં જઇ ઘૂંટડો-ઘૂંટડો મારી આવતો, દારૂ ક્યાંથી લાવ્યો તેની પણ પૂછપરછ થશે
  • દર્દીની સારવારની સાથે સાથે દારૂની ચૂસ્કી પણ મારી લેતા હતા તબીબ

રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હતો, આ માહિતી મળતાં દિવ્ય ભાસ્કરની ટીમે પોલીસને સાથે રાખી ડો.ખોખરને તેની ડ્યૂટી દરમિયાન ઝડપી લીધો હતો, ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો.

ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે
​​​​​​​સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે અને ડોક્ટર રૂમમાં કબાટના તેના ખાનામાં દારૂ પણ પડ્યો હોવાની ફરિયાદો દિવ્ય ભાસ્કર સુધી પહોંચી હતી, ડો.સાહિલ ખોખર સોમવારે બપોરના 2થી રાત્રીના 8 વાગ્યા સુધી ડ્યૂટી પર છે અને તે નશો કરેલી હાલતમાં છે તેમજ તેના કબાટના ખાનામાં દારૂ પણ પડ્યો છે તેવી માહિતી મળતાં જ દિવ્ય ભાસ્કરની ટીમે આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ધ્યાન દોર્યું હતું, સિવિલ હોસ્પિટલનો ડોક્ટર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હોવાની વાત જાણી કમિશનર ભાર્ગવ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે ટીમ રવાના કરી હતી.

મીક્સ કરેલી બોટલ મળી, પોલીસે બોટલ જપ્ત કરી.
મીક્સ કરેલી બોટલ મળી, પોલીસે બોટલ જપ્ત કરી.

ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી ત્યારે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં હોવાની શંકા દૃઢ બની હતી, અને ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવે છે, ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો.

રવિવારે એક યુવતી સાથે ડોક્ટર રૂમમાં પૂરાયો’તો
ડો.સાહિલ નશો કરવા ઉપરાંત અન્ય પણ કેટલાક ગોરખધંધા કરતો હતો, રવિવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં એક યુવતીને લઇને ડોક્ટર રૂમમાં પૂરાયો હતો જે ઇમર્જન્સી રૂમની સામેના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી.

રિપોર્ટ કરી નોકરીમાંથી છૂટો કરીશું : અધિક્ષક
ઈન્ચાર્જ તબીબી અધિક્ષક ડો. રાઠોડનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ગંભીર છે તેથી આ મામલે તેઓ ગાંધીનગર આરોગ્ય વિભાગમાં રિપોર્ટ કરશે. તબીબ કરાર આધારિત હોવાથી સૂચના આવશે એટલે હાંકી કઢાશે.

ડો. સાહિલની સાથે અન્ય કેટલાક પણ પાર્ટી માણતા
ડો.સાહિલ ખોખરની સાથે હોસ્પિટલના કેટલાક કર્મચારી અને અન્ય લોકો પણ મહેફિલમાં જોડાતા હતા, આ મામલે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય કેટલાક લોકો સુધી પણ પાર્ટીનો રેલો પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...